ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી વિનાશ; 116નાં મરણ

બીજિંગઃ ચીનના વાયવ્ય ખૂણે આવેલા ગાન્સૂ અને પડોશના કિંગાઈ પ્રાંતોમાં ગઈ મધરાતે આવેલા ભયાનક ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.2ની નોંધાઈ છે. ભૂકંપમાં ઓછામાં ઓછા 116 જણ માર્યા ગયા હોવાનો અહેવાલ છે. બંને પ્રાંતમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ચીની સત્તાવાર મીડિયાને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સે આપેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભૂકંપને કારણે 400 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે બચાવ કામગીરીમાં જોર લગાવવા અને અસરગ્રસ્ત લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવાની પ્રાંતના સત્તાવાળાઓને સૂચના આપી છે.

આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ ગઈ કાલે મધરાતે 11.59 વાગ્યે આવ્યો હતો અને તે જમીનની સપાટીથી 10 કિ.મી. નીચે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ લાઈગૂ નગરમાં હોવાનું માલૂમ પડ્યું હતું. નજરે જોનારાઓએ કરેલા વર્ણન મુજબ, ભૂકંપને કારણે અનેક મકાનો અને ઘરોને નુકસાન થયું છે. તે ઉપરાંત રસ્તાઓ તથા અન્ય પાયાગત સુવિધાઓને પણ નુકસાન થયું છે. અનેક ગામોમાં વીજળી અને પાણી પૂરવઠો ખોરવાઈ ગયો છે. ગાંસૂ પ્રાંતના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, 4,700થી વધારે મકાનો/ઘરોને નુકસાન થયું છે.