Home Blog Page 1802

NSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરને વટાવી ગયું

 મુંબઈઃ NSE પર ભારતીય લિસ્ટેડ કંપનીઓના બજાર મૂડીકરણે (માર્કેટ કેપ) 23 મે, 2023એ પાંચ ટ્રિલિયન ડોલર (રૂ. 416.57 ટ્રિલિયન)ના આંકને વટાવ્યો છે. તે જ દિવસે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 22,993.60ના સર્વોચ્ચ મથાળે સ્પર્શી ગયો હતો, જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સ પણ આજે 21,505.25ના મથાળે સ્પર્શ્યો હતો, જે ઇક્વિટી માર્કેટની વૃદ્ધિ ફક્ત મોટા જ નહીં, પરંતુ કેપિટલાઇઝ્ડ શેરોને પણ આભારી છે.

ભારતીય લિસ્ટેડ કંપનીઓના બજાર મૂડીકરણની યાત્રા બે ટ્રિલિયન ડોલર (જુલાઈ, 2017)થી શરૂ થઈ હતી, તે ત્રણ ટ્રિલિયન ડોલર (મે 2021) પર પહોંચતાં આશરે 46 મહિના લાગ્યા હતા, ત્રણ ટ્રિલિયન ડોલરથી ચાર ટ્રિલિયન ડોલર સુધી (ડિસેમ્બર, 2023) સુધી પહોંચતાં આશરે 30 મહિના લાગ્યા છે અને તાજેતરમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો થતાં ફક્ત છ મહિના લાગ્યા છે. બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ટોચની પાંચ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ લિમિટેડ, HDFC બેન્ક  લિમિટેડ અને ICICI બેન્ક લિમિટેડ અને ભારતી એરટેલ લિમિટેડનો સમાવેશ થાય છે.

છેલ્લાં 10 વર્ષોમાં નિફ્ટી 50 ઇન્ડેક્સે 13.4 ટકા રિટર્ન આપ્યું છે. (કુલ પ્રાઇસ ઇન્ડેક્સ CAGR). સમાન ગાળામાં ઘરેલુ સંચાલન હેઠળની મ્યુચ્યુઅલ ફંડ્ઝ અસ્કયામતો (ઇક્વિટી અને ડેટ)માં એપ્રિલ, 2014ના અંતમાં રૂ. 9.45 ટ્રિલિયનથી 506 ટકાના દરે વધીને એપ્રિલ, 2024ના અંતમાં વધીને રૂ. 57.26 ટ્રિલિયન થઇ છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ની સંચાલન હેઠળની મિલકતો (ઇક્વિટીથી ડેટ) 345 ટકા વધીને એપ્રિલ, 2024ના અંતમાં રૂ. 71.6 ટ્રિલિયન થઈ છે, જે એપ્રિલ 2014ના અંતમાં રૂ. 16.1 ટ્રિલિયનના સ્તરે હતી.

બજાર મૂડીકરણમાં વૃદ્ધિ માત્ર ટોચની કંપનીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ શેરોમાં જોવા મળે છે. નિફ્ટી 100 ઇન્ડેક્સના ઘટકો હવે એપ્રિલ, 2014 સુધીમાં કુલ બજાર મૂડીના 74.9 ટકાની તુલનાએ બજાર મૂડીના 61 ટકા હિસ્સો ધરાવે છે. કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં સેકન્ડરી માર્કેટમાં લિક્વિડિટીમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. ઇક્વિટી સેગમેન્ટનું દૈનિક સરેરાશ ટર્નઓવર FY15માં રૂ. 17,818 કરોડથી 4.5 ગણું વધીને FY24માં રૂ. 81,721 કરોડ થયું છે.

NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર, શ્રીરામ ક્રિષ્નનએ જણાવ્યું હતું કે હું લિસ્ટેડ કંપનીઓ, ટ્રેડિંગ સભ્યો, રોકાણકારો અને અન્ય તમામ હિતધારકોને આ મહત્વપૂર્ણ સીમાચિહનની સિદ્ધિ બદલ અભિનંદન આપું છું.

 

 

 

 

 

 

નેટફ્લિક્સ પર એનિમલ પર ભારે પડી લાપતા લેડીઝ ફિલ્મ

મુંબઈ: એવું કહેવાય છે કે ફિલ્મની વાર્તા જ રાજા હોય છે.કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’થિયેટરો પછી OTT પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ જ કારણ છે કે ઓટીટી પર આવ્યા બાદ પણ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.છેલ્લા એક મહિનામાં લાપતા લેડીઝને એટલો બધો પ્રેમ મળ્યો છે કે ફિલ્મે દર્શકોની સંખ્યાના મામલે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલને પાછળ છોડી દીધી છે.ફિલ્મના વ્યુઝ માત્ર એક મહિનામાં મિલિયન સુધી પહોંચી છે.

લાપતા લેડીઝ અને એનિમલ ફિલ્મ

રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ એનિમલ ગયા વર્ષે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની શાનદાર કમાણી પછી, તે 26 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ.લાપતા લેડીઝ થિયેટરોમાં સારી કમાણી કરી શકી નથી, પરંતુ તે OTT પર બમ્પર વ્યુઅરશિપ મેળવી રહી છે. રણબીર કપૂરની એનિમલને 1 કરોડ 36 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે લાપતા લેડીઝના વ્યૂઝ 1 કરોડ 38 લાખ સુધી પહોંચી ગયા છે. બંને અલગ-અલગ જોનરની ફિલ્મો છે, જેને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો છે.

એનિમલ પર ઘણો વિવાદ થયો હતો

જ્યારે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રીલિઝ થઈ ત્યારે તેના સીન અને કન્ટેન્ટ માટે તેની ભારે ટીકા થઈ હતી. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો ઉભા થયા, પરંતુ આ બધાની અસર રણબીર કપૂરની ફિલ્મ પર જોવા મળી ન હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને વિશ્વભરમાં 918 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, તૃપ્તિ ડિમરી, બોબી દેઓલ જેવા મોટા અને પ્રખ્યાત સ્ટાર્સ છે.

કેવી છે લાપતા લેડીઝ?

લાપતા લેડીઝની વાત કરીએ તો આ ફિલ્મ બિપ્લબ ગોસ્વામીની નવલકથા પર આધારિત છે. જેનું નિર્માણ આમિર ખાન અને જ્યોતિ દેશપાંડેએ કર્યું છે. આ ફિલ્મમાં પ્રતિભા રાંતા, નિતાંશી ગોયલ, સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશન લીડ રોલમાં છે. આ ફિલ્મની વાર્તા ગામડાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જ્યાં મુસાફરી દરમિયાન બે દુલ્હન રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે અને પછી જે વળાંકો આવે છે વાર્તામાં એ ખરેખર જોવા જેવા છે.

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દેશનાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 સીટો પર 25 મેએ મતદાન થશે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરની અનંતનાગ પર પણ મતદાન થશે. પહેલાં આ સીટ પર સાત મેએ મતદાન થવાનું હતું.

ADR (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) અને નેશનલ ઇલેક્શન વોચે છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડવાવાળા 869 ઉમેદવારોમાંથી 866 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. ત્યાર બાદ છઠ્ઠા તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો નોંધાયેલા છે. અહેવાલ મુજબ 866 ઉમેદવારોનાં એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 21 ટકા અથવા 180 ઉમેદવારોની વિરુદ્ધ ગુનાઇત કેસો નોંધાયેલા છે, જેમાંથી 141 એટલે કે 16 ટકા ઉમેદવારોએ તેમની પર ગંભીર ગુનાઇત કેસો જાહેર કર્યા છે, જેમાં છ પર હત્યાના આરોપ પણ છે.

અહેવાલ મુજબ ભાજપના 51માંથી 28 (55 ટકા), કોંગ્રેસના 25માંથી આઠ (32 ટકા), SPના 12માંથી નવ (75 ટકા), RJDના ચારમાંથી ચાર (100 ટકા), આપના પાંચમાંથી પાંચ (100 ટકા), TMCના નવમાંથી ચાર (44 ટકા) અને BJD છમાંથી 12(33 ટકા) ઉમેદવારો વિરુદ્ધ  ગુનાઇત કેસો નોંધાયેલા છે.અહેવાલ મુજબ આ ઉમેદવારોમાંથી સ્નાતક થયેલા 12, બિનસ્નાતક 13, પાંચથી 12ની વચ્ચે શૈક્ષણિક યોગ્યતા ધરાવતા 332, સ્નાતક અને એનાથી વધુની યોગ્યતા 487 અને ડિપ્લોમાહોલ્ડર 22 ઉમેદવારો છે.  અહેવાલ મુજબ છઠ્ઠા તબક્કામાં 25-40 વર્ષના 271 ઉમેદવારો છે, જ્યારે 41-60 વર્ષના સૌથી વદુ 436 ઉમેદવારો છે, જ્યારે 61થી 80 વર્ષના 159 ઉમેદવારો છે, જ્યારે છઠ્ઠા તબક્કામાં 92 મહિલા મેદવારો મેદાનમાં છે.

 

 

 

 

 

 

 

 

 

રાજસ્થાનમાં ભીષણ હીટવેવને કારણે 12 લોકોનાં મોત

જયપુરઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસોમાં હીટ સ્ટ્રોકને કારણે 12 લોકોનાં મોત થયાં છે. રાજસ્થાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રી ડો. કિરોડી લાલ મીણાએ આની સત્તાવાર પુષ્ટિ કરી હતી. તેમણે આ બધા લોકોના પરિવારને રાહત આપવા પેકેજનું એલાન કર્યું હતું.

રાજ્યમાં આકરી ગરમી છે, જેનાથી 12 લોકોનાં મોત થયાં છે, એમ તેમણે કહ્યું હતું. પ્રદેશવાસીઓને ડિઝાસ્ટર વિભાગે સાવધાન રહેવાનો નિર્દેશ આપ્યા છે. આ કુદરતી આપત્તિ છે. મે મહિનામાં આટલું બધું ટેમ્પરેચર હોતું નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગ મોટું કારણ છે. વિભાગે નાગરિકોને સાવધાની વર્તવાની સલાહ આપી હતી.                           બીજી બાજુ, જયપુરમાં હીટ વેવથી થનારાં મોતને લઈને વધારાના મુખ્ય સચિવ શુભ્રા સિંહ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં આરોગ્ય વિભાગના બધા ઉચ્ચ અધિકારી સામેલ થયા છે. આ બેઠકમાં ગરમીની સીઝનમાં આરોગ્ય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાથે મળીને જરૂરી પગલાં ઉઠાવવા નિર્દેશ આપ્યા હતા. સીઝનલ બીમારીઓ માટે હોસ્પિટલો માટે જરૂરી સુવિધા કરવા સાથે લોકો સામે જરૂરી દિશા-નિર્દેશ જારી કરવા માટે કહેવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક પહેલાં ગરમીને કારણે મોતનો આંકડો નવ પર હતો. આ બધા બાડમેર, બાલતોરા, ઝાલોર અને ભીલવાડામાં થઈ હતી. રાજ્સ્થાનના બાડમેરમાં આ સપ્તાહે તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના અધિકારીઓએ રાજ્યના કેટલાય ભાગોમાં ભીષણ હીટવેવની સ્થિતિને લઈને ચેતવણી આપી છે. હવામાન વિભાગે  રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસો સુધી રેડ એલર્ટ જારી કર્યું છે.

 

 

 

 

 

બૉલિવૂડને લઈ જેકલીન ફર્નાન્ડીઝે કર્યા કેટલાક ખુલાસા

મુંબઈ: જેકલીન ફર્નાન્ડીઝ આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવી રહી છે. દરરોજ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ પોતાના કરિયરના શરૂઆતના દિવસો વિશે ઘણા ખુલાસા કર્યા હતા. આ સાથે જ તેણે બોલિવૂડમાં અભિનેત્રીઓના સંઘર્ષ વિશે પણ ઘણી વાતો કહી.

બોલિવૂડમાં લુક્સનું છે મહત્વ

બોલિવૂડમાં અભિનય ઉપરાંત જેકલીન ફર્નાન્ડિઝ ઘણીવાર તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. જ્યારે જેકલીનને પૂછવામાં આવ્યું કે કરિયરની શરૂઆતમાં તેને સૌથી ખરાબ સલાહ કઈ આપવામાં હતી. આ સવાલના જવાબમાં અભિનેત્રી કહે છે, ‘એકવાર હું જીમમાં હતી અને તે સમયે હું બોલિવૂડમાં આવી જ હતી. એક સિનિયર એક્ટર પણ ત્યાં જિમ કરી રહ્યો હતો. જ્યારે મેં તેને કહ્યું કે હું મારા ઉચ્ચારને સુધારવા માટે ટ્યુશન લઈ રહી છું, ત્યારે તેણે કહ્યું,’મારે તેની જરૂર નથી’.

કોઈની સલાહ ન સાંભળી
જેકલીન ફર્નાન્ડિઝ આગળ કહે છે, ‘તેણે મને વધુમાં કહ્યું કે અહીં ટકી રહેવું જ મહત્ત્વનું લાગે છે. જો તમે સુંદર દેખાશો તો તમારા માટે બધું સરળ બની જશે. મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું. ઘણી વખત ઘણા લોકોએ મને કહ્યું કે મારે નાકની સર્જરી કરાવવી જોઈએ કારણ કે તે મારા ચહેરા પર બરાબર દેખાતું નથી, પરંતુ મેં તેમ કર્યું નહીં.

ઉંમર છુપાવવા કહ્યું

જેકલીન ફર્નાન્ડીઝનું માનવું છે કે બોલિવૂડમાં પણ ઘણા સુંદર ફેરફારો થઈ રહ્યા છે. તે કહે છે, ‘જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે 30 વટાવી ચૂકેલી અભિનેત્રીઓ માટે ફિલ્મોમાં કામ મેળવવું થોડું મુશ્કેલ હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. મને યાદ છે કે જ્યારે હું ત્રીસ વર્ષની થવાની હતી ત્યારે કોઈએ મને કહ્યું હતું કે મારી ઉંમર દરેકને જણાવવાની જરૂર નથી. હવે એવું નથી અને હું આ પરિવર્તનથી ખુશ છું. હવે દરેક ઉંમરની અભિનેત્રીઓને કામ મળી રહ્યું છે.

UAE સરકાર તરફથી રજનીકાંતને મળ્યું ગોલ્ડન વિઝાનું સન્માન

મુંબઈ: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અભિનેતાએ આ સિદ્ધિ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ચાહકોને જાણ કરી છે. રજનીકાંત તાજેતરમાં અબુધાબી ગયા હતા. અભિનેતાને ત્યાં આ સન્માન પ્રાપ્ત થયું છે. આ સન્માન માટે રજનીકાંતે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ યુસુફ અલીનો તેમના પ્રયાસો માટે આભાર માન્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે.

રજનીકાંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે UAE સરકાર તરફથી મળેલા ગોલ્ડન વિઝા માટે અબુ ધાબી સરકારનો આભાર માની રહ્યા છે. તેમજ અત્યંત સન્માનની લાગણી અનુભવે છે. સુપરસ્ટારે વીડિયોમાં કહ્યું કે, “અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત છું.”

અભિનેતાએ વધુમાં કહ્યું, ‘હું આ વિઝાની સુવિધા આપવા અને તમામ સહયોગ માટે અબુ ધાબી સરકાર અને મારા સારા મિત્ર યુસુફ અલી, લુલુ ગ્રુપના સીએમડીનો હૃદયપૂર્વક આભાર માનું છું.’ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ સમાચારથી રજનીકાંતના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.

ગુજરાતમાં ગરમી બની જીવલેણ

રાજ્યમાં અગનગોળા બની ગરમી વરસી રહી છે. આ વર્ષે ગુજરાતમાં ગરમી સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જ્યાં મહત્મ તાપમાન 45 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારે વધતી ગરમી સામે રાજ્યમાં રોગચાળો પણ વધી રહ્યો છે. તો આ સાથે જ રાજ્યમાં હીટવેવના કારણે મૃત્યુનો આંક પણ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ગરમીનું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે કેટલાક નિષ્ણાંતો દ્વારા ઘરની બહાર ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. હીટવેવથી બચવા વારંવાર પાણી, લીંબુ સરબત પીવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. ગરમીમાં લૂ લાગવા સહિતના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં સુરતમાં 9, વડોદરામાં 5 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત થયા છે. માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ 23 લોકોના મોત થયા છે. દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે.

ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 5 દર્દી દાખલ છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.

વડોદરામાં હીટવેવના કારણે વધુ 5ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 23 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 5ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સુરતમાં આકરી ગરમીના કારણે ઢળી પડતાં વધુ 9નાં મોત નિપજ્યા છે. ગરમીના કારણે લૂ, ડીહાઇડ્રેજન તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરત સિવિલમાં 3 અને સ્મીમેર હોસ્પિટલમાં 1 દર્દી લૂને પગલે સારવાર હેઠળ છે.

આ તારીખે આકાશમાં સર્જાશે ખગોળીય ઘટના, દેખાશે એકસાથે છ ગ્રહો

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની રાશિઓ સતત બદલાતી રહે છે અને તેના કારણે કેટલાક યોગ બને છે. સૌરમંડળના તમામ ગ્રહોની સતત હિલચાલને કારણે ઘણી વાર દુર્લભ અને આશ્ચર્યજનક ખગોળીય ઘટનાઓ બને છે. આવી જ એક દુર્લભ ખગોળીય ઘટના 3 જૂન, 2024 ના રોજ પણ બનવા જઈ રહી છે, જ્યારે આપણે આકાશમાં 6 ગ્રહો એક સીધી રેખામાં જોઈ શકીશું. એક સીધી રેખામાં 6 ગ્રહો હોવા ખૂબ જ વિશેષ છે અને ખગોળશાસ્ત્રમાં તેને ‘Parade of the Planets’ અથવા ‘ ગ્રહોની પરેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.સૂર્યોદયના બે કલાક પહેલા એકસાથે છ ગ્રહો જોઈ શકાશે

 

‘પરેડ ઓફ ધ પ્લેનેટ્સ’ ખૂબ જ દુર્લભ છે

‘પરેડ ઓફ ધ પ્લેનેટ્સ’ એક ખૂબ જ દુર્લભ અને આશ્ચર્યજનક ખગોળીય ઘટના છે, જેમાં ઘણા ગ્રહો એક સીધી રેખામાં એક સાથે આવે છે. આ અનોખી ઘટના 3 જૂન, 2024 ના રોજ બનશે, જ્યારે આપણે ગુરુ, બુધ, મંગળ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનને એક સીધી રેખામાં ગતિ કરતા જોઈ શકીશું. ગ્રહોની આ પરેડ ઉત્તરીય ગોળાર્ધમાં સરળતાથી જોઈ શકાય છે. વિશ્વમાં પ્રથમ વખત આ ઘટના ન્યુયોર્ક શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જોઈ શકાય હતી. 3 જૂને સૂર્યોદય પહેલા 6 ગ્રહો એક સીધી રેખામાં જોવા મળશે.

મોડી રાત્રે શનિ આકાશમાં દેખાશે. તે પીળો રંગનો દેખાશે અને નરી આંખે પણ જોઈ શકાશે.
નેપ્ચ્યુન શનિની નજીક પણ જોઈ શકાય છે પરંતુ તેને જોવા માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે.
મંગળને તેના લાલ રંગથી ઓળખી શકાય છે. મંગળને નરી આંખે પણ જોઈ શકાય છે.
ગુરુ ખૂબ જ તેજસ્વી રંગનો દેખાશે અને તેને નરી આંખે પણ જોઈ શકાશે.
બુધને જોવામાં મુશ્કેલી આવી શકે છે. સૂર્યની નજીક હોવાને કારણે તે એકદમ અસ્પષ્ટ દેખાશે.
યુરેનસ પણ માત્ર દૂરબીન દ્વારા જ જોઈ શકાય છે. ખૂબ દૂર હોવાને કારણે તેને નરી આંખે જોઈ શકાતું નથી. પૂર્વીય ક્ષિતિજ પર યુરેનસ, ગુરુ, બુધ દેખાશે.

આ ક્રમમાં 6 ગ્રહો જોવા મળશે
છ ગ્રહોમાંથી ચાર નરી આંખે પણ જોઈ શકાય છે. ‘પરેડ ઓફ ધ પ્લેનેટ્સ’ દરમિયાન યુરેનસ અને મંગળની વચ્ચે ચંદ્ર પણ દેખાશે. 3 જૂન પછી 28 ઓગસ્ટે ફરી એકવાર ‘પરેડ ઓફ ધ પ્લેનેટ્સ’ જેવી ઘટના જોવા મળશે. આ પછી 28 ફેબ્રુઆરી 2025ના રોજ ‘પરેડ ઓફ ધ પ્લેનેટ્સ’ પણ જોવા મળશે. આ સમય દરમિયાન પ્લુટો સિવાયના તમામ ગ્રહો એક સીધી રેખામાં જોવા મળશે. 28 ફેબ્રુઆરી 2025 પછી ગ્રહોની પરેડ 8 સપ્ટેમ્બર 2040 અને 15 માર્ચ 2080ના રોજ જોવા મળશે.

દિલ્હીની સાત સહિત 58 સીટો પર ચૂંટણીપ્રચારના પડઘમ શાંત  

નવી દિલ્હીઃ દિલ્હીની બધી સાત સીટો સહિત છ રાજ્યોમાં અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 લોકસભા સીટો પર ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન માટે ગુરુવારે ચૂંટણીપ્રચાર થંભી ગયો હતો. છઠ્ઠા તબક્કામાં શનિવારે ઉત્તર પ્રદેશની 14 સીટો, હરિયાણાની બધી 10 સીટો, બિહાર ને પશ્ચિમ બંગાળની આઠ-આઠ સીટો, ઓડિશાની છ સીટો, ઝારખંડની ચાર સીટો અને જમ્મુ-કાશ્મીરની એક સીટ પર મતદાન થશે.

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 543 સીટોમાંતી 428 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. 25 મેએ છઠ્ઠા તબક્કામાં મતદાન પછી સાતમા અને છેલ્લા તબક્કા માટે પહેલી જૂને મતદાન થશે અને ચોથી જૂને ચૂંટણી પરિણામો આવશે.

ચૂંટણીના આ છઠ્ઠા તબક્કામાં જે મુખ્ય હસ્તીઓની કિસ્મત દાવ છે, એમાં ઓડિશાના સંબલપુરથી ચૂંટણી લડી રહેલા ધર્મેન્દ્ર પ્રધાન, ઉત્તર-પૂર્વ દિલ્હીથી ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કન્હૈયા કુમાર, ઉત્તર પ્રદેશના સુલતાનપુર સીટથી ભાજપનાં મેનકા ગાંધી અને જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજોરી સીટછી PdPનાં મહેબૂબા મુફ્તી સામેલ છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના તમલૂકથી ભાજપના અભિજિત ગંગોપાધ્યાય, હરિયાણાના કરનાલ સીટથી મનોહરલાલ ખટ્ટર, કુરુક્ષેત્રથી નવીન જિંદલ અને ગુરુગ્રામ સીટથી રાવ ઇન્દ્રજિત સિંહ પર છઠ્ઠા તબક્કામાં મતદાનમાં નજર રહેશે.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ભોજપૂરી ફિલ્મઅભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ સહિત 162 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ અને હરિયાણામાં એક-એક ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે ઇન્ડિયા બ્લોક પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગાયએ દૂધ આપ્યું નથી, ત્યાં ઘીને લઈને લડાઈ શરૂ થઈ ગઈ છે.

 

 

 

 

 

 

કેવો છે ભોજપુરી ભીખુ મ્હાત્રે?

ગોવિંદ નિહલાનીની દ્રોહકાલ, શેખર કપૂરની બેન્ડિટ ક્વીન અને રામગોપાલ વર્માની સુપરહિટ સત્યાથી, લઈને ગૅન્ગ્સ ઑફ વસેપુર અને ફૅમિલી મૅન (વેબસિરીઝ) સુધીની ફિલ્મસફરમાં મનોજ બાજપાઈ એની કરિયરની 100મી ફિલ્મ સાથે હાજર છેઃ ભૈય્યાજી. આ ફિલ્મે કેવી રીતે આકાર લીધો એ હું કલ્પી શકું છું- 135 મિનિટની વાર્તા ડિરેક્ટર અપૂર્વસિંહ કાર્કી અને એમના રાઈટર ઢગલાબંધ તેલુગુ મસાલા મૂવી જોઈને લખવા બેઠા હશે. પછી એમણે સોચ્યું હશે કે, મનોજ બાજપાઈને આપણે પુષ્પા રાજ (અલ્લુ અર્જુન) કે રૉકી ભાઈ (કેજીએફનો હીરો યશ) જેવો દેખાડીએ તો? બીડી ફૂંકતો ફૂંકતો સ્લો મોશનમાં આવે, ચહેરા પર ઠંડી ક્રૂરતા હોય, છાતીમાં વાટીકૂટીને ભરેલો આત્મવિશ્વાસ… બોલો? સાંભળીને એમના મળતિયાઓએ એકમેકને તાળી દઈને કહ્યું હશેઃ અફલાતૂન આઈડિયા. ને લો, બની ગઈ ભૈય્યાજી.

સીતામઢીમાં વસતા રામચરણ ઉર્ફે ભૈય્યાજી (મનોજ બાજપાઈ)નો ગામમાં ભારે રુઆબ છે. એક સમય હતો, જ્યારે ભૈય્યાજી હાથમાં પાવડો લઈને ભલભલાનાં માથાં ભાંગી નાખતા, એમનું નામ સાંભળીને પોલીસનાં ખાખી પૅન્ટ ભીનાં થઈ જતાં (એવું આપણને બતાવવામાં આવે છે). પણ હવે એ શાંત છે. ફિલ્મ ઓપન થાય છે રામચરણના મેરેજની તૈયારી સાથે. એમની વૂડ બી વાઈફ મીતાલી (ઝોયા હુસૈન) નૅશનલ રાઈફલ શૂટર રહી ચૂકી છે. દિલ્હીમાં પઢાઈ કરતો ભૈય્યાજીનો યુવા બ્રદર વેદાંત  (આકાશ મખીજા) લગનમાં મહાલવા બે મિત્રો સાથે નીકળે છે. દિલ્હી સ્ટેશન પાસે મોડી રાતે અમુક ગુંડાઓ સાથે એને માથાકૂટ થાય છે એમાં માથાભારે રાજકારણી ચંદ્રભાણસિંહ (સુવીંદર વિકી)ની બિગડેલી ઑલાદ અભિમન્યુ (જતીન ગોસ્વામી) વેદાંતનું મર્ડર કરી કાઢે છે. 12મા, 13માની વિધિ બાદ રામચરણ એનું અસ્સલ ભૈય્યાજીનું રૂપ ધારણ કરી દિલ્હી પહોંચે છે પ્રતિશોધ એટલે વેર વાળવા. તે પછીની વાર્તા અથવા ફિલ્મમાં હવે શું થશે એ તમે આસાનીથી કલ્પી શકો.

ફિલ્મના ડિરેક્ટર અપૂર્વસિંહ કાર્કીએ આ પહેલાં મનોજ ભૈય્યાને લઈને સિર્ફ એક બંદા કાફી હૈ બનાવેલી. અપૂર્વની મુશ્કેલી છે નબળો સ્ક્રીનપ્લે (દીપક કિંગરાણી). આરંભમાં એવું લાગે કે, એક સરસમજાની જકડી રાખતી ફિલ્મ જોવા મળશે, પણ બે-ચાર તીન બાદ ધારણા ખોટી પડે છે. ઈન્ટરવલ પહેલાંનો મેલોડ્રામા માંડ સહન થાય છે, ઈન્ટરવલ પછી ફિલ્મ ચોવીસમા માળેથી ભફાંગ ભફાંગ પટકાતી જાય છે. એક પછી એક નબળા સીનની જાણે હારમાળા રચાય છે, પટકથામાં મોટાં મોટાં બાકોરાં દેખાવા માંડે છે. પાતળી કાઠીનો અને ઘવાયેલો ભૈય્યાજી બીડી ફૂંકતો ઊડાઊડ કરે છે, એકસાથે દસેક જણાનાં હાડકાં-ખોપરી ને પ્લાયવૂડનાં ફર્નિચર ભાંગે છે, ફિલ્મ સચ્ચાઈ, તર્કથી જોજનો દૂર જવા માંડે છે. બિહાર-દિલ્હીની ભૂગોળની પણ ઘોર અવગણના કરવામાં આવી છે. જેની જ્યારે ઈચ્છા થાય ત્યારે મોટરમાં બેસીને બિહારથી દિલ્હી (આશરે વીસ કલાક) પહોંચી જાય.

રણબીર કપૂરની ઍનિમલની જેમ આમાં પણ પોલીસ જેવો કોઈ પ્રકાર નથી. હા, એક સિનિયર પુલીસ અફ્સર (વિપિન શર્મા) વચ્ચે વચ્ચે દેખા દે છે, પણ એ કોમિક રિલીફથી વિશેષ કંઈ નથી. મનોજ બાજપાઈ ઉપરાંત માથાભારે ગુજ્જર નેતાની ભૂમિકામાં સુવિન્દર વિકી, ભૈય્યાજીની સાવકી માઁ, છોટી અમ્માની ભૂમિકામાં અભિનેત્રી ભાગીરથી બાઈ કદમ તથા ઈન્ટરવલ પછી ભૈય્યાજી સાથે વૉરમાં જોડાતી ઝોયા હુસૈન છાપ છોડી જાય છે. સંદીપ ચૌટાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાર્તાને અનુરૂપ, પણ વધારે પડતું લાઉડ છે.

આ ફિલ્મ સ્ટ્રિક્ટલી મનોજ બાજપાઈના ફૅન તથા બુદ્ધિ-તર્કવિહોણી ઍક્શન મૂવીના પ્રેમીઓ માટે છે. ભૈય્યાજી આજે (24 મેએ) થિએટરમાં રિલીઝ થઈ છે.