Home Blog Page 1801

રણજીતે ‘ગબ્બર સિંહ’ ની ભૂમિકા છોડી હતી

ફિલ્મ ‘શોલે’ (૧૯૭૫) વિશે જેટલી પણ વાત કરવામાં આવશે એ ઓછી જ લાગશે. એના વિશે જાણવાની દર્શકોની ઉત્સુકતા ક્યારેય ઓછી થતી નથી. ક્યાંક ને ક્યાંક એની જાણી – અજાણી વાતો કલાકારો પણ રજૂ કરતા રહે છે. ફિલ્મના 40 વર્ષ જ્યારે પૂરા થયા હતા ત્યારે અમિતાભને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘શોલે’ નું તમારી પસંદગીનું દ્રશ્ય કયું છે? ત્યારે એમણે પત્રકારને સામો પ્રશ્ન પૂછ્યો હતો કે તમને પસંદ ના આવ્યું હોય એવું કોઈ દ્રશ્ય બતાવી શકશો? અમિતાભે એ વાતનો એકરાર કર્યો છે કે વાર્તાના પાત્રો વિશે જાણીને એમણે ‘ગબ્બર સિંહ’ ની ભૂમિકા કરવાની ઈચ્છા દર્શાવી હતી.

બીજા ઘણા કલાકારોએ પણ એવું કહ્યું હતું. રમેશ સિપ્પીએ દરેકને એમની ભૂમિકા ભજવવાની વાત કરી ગબ્બરની આપી શકાય એમ ન હોવાનું કહ્યું હતું. હમણાં રણજીતે એક મુલાકાતમાં એવો ખુલાસો કર્યો હતો કે ‘ગબ્બર સિંહ’ ની ભૂમિકા એની પાસે આવી હતી પરંતુ ડેની ડેન્ગઝોન્પા સાથેની મિત્રતાને કારણે હા પાડી ન હતી. સૌથી પહેલાં ડેનીને આ ફિલ્મ માટે લેવામાં આવ્યો હતો. ત્યારે તે ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ કરી રહી રહ્યો હતો. નકારાત્મક ભૂમિકાઓ માટે જાણીતા રહેલા રણજીતના કહેવા મુજબ ડેનીને ‘શોલે’ ની ઓફર આવી એ જાણી ફિરોઝે એને કહ્યું હતું કે એમાં ત્રણ હીરો છે અને હેમામાલિની સાથે એક ગીત છે.

પાત્ર કેટલું દમદાર હશે એની કોઈને ખબર નથી. ‘ધર્માત્મા’ માં તારી ભૂમિકા દમદાર છે. તેથી ડેનીએ ‘શોલે’ને મહત્વ આપ્યું ન હતું. ડેની અફઘાનિસ્તાનમાં શુટિંગ કરતો હતો અને ‘શોલે’ માટે બેંગલોરમાં તૈયારી ચાલતી હતી. તેથી સંપર્ક કરવાનું સરળ ન હતું. રણજીતને ત્યારે ખબર ન હતી કે ‘ગબ્બર સિંહ’ માટે વાત કરવામાં આવી રહી છે. સિપ્પી ફિલ્મ્સ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે ડેની આવી રહ્યો નથી અને એમનું શુટિંગ શિડ્યુલ બની ગયું છે. તેથી તમે કામ કરો. રણજીતને ડેની સાથે સારી મિત્રતા હતી. બંનેએ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં તાલીમ લેવા ઉપરાંત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેથી રણજીતે કહ્યું કે એ કામ ન કરવાનો હોવાનો પત્ર એણે આપ્યો હોય તો હું કામ કરી શકું છું. પણ એવો કોઈ પત્ર ન હોવાથી રણજીતે ‘શોલે’ કરવાની ના પાડી દીધી હતી.

છેલ્લે અમજદ ખાન ‘ગબ્બર સિંહ’ બન્યા હતા. ફિલ્મ બની જવા આવી હતી ત્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. એ કારણે સેન્સરના નિયમો બદલાયા હતા. અમિતાભે એ સમયને યાદ કરતા કહ્યું હતું કે ફિલ્મમાં 90 ફૂટથી લાંબા એક્શન દ્રશ્યો રાખી શકાતા ન હતા. એટલે એ પ્રમાણે શુટિંગ કરવું પડતું હતું અથવા પછી એટલી લંબાઈ માટે દ્રશ્ય કાપવું પડતું હતું.

ફિલ્મનો અંત ‘ગબ્બર સિંહ’ મારી જાય એવો જ લખવામાં આવ્યો હતો. પરંતુ કટોકટી કાળને કારણે અંતના પણ બે અલગ દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યા હતા. સેન્સરના નિયમને કારણે અંતમાં ‘ઠાકુર’ પોતાની ખીલીવાળી મોજડીથી ‘ગબ્બર સિંહ’ ને મારી નાખે છે એ મૂળ દ્રશ્ય મૂકી શકાયું ન હતું. એના બદલે બીજો અંત ‘ગબ્બર સિંહ’ ને પોલીસ પકડી જાય છે એવો રાખવામાં આવ્યો હતો. કેમકે ભલે ફિલ્મમાં ‘ઠાકુર’ પોલીસના પૂર્વ અધિકારી હતા પણ કોઈ વ્યક્તિગત રીતે ન્યાય કરે એવું બતાવી શકાય એમ ન હતું.

રાશિ ભવિષ્ય 25/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજ ના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 25/05/2024

૨૫ મે, ૨૦૨૪

કેવોક છે 108 વર્ષ જૂનો કોચરબ આશ્રમ આજે?

સત્યાગ્રહ આશ્રમ એમ તમને કોઇ કહે તો ઝડપથી યાદ ન આવે, પણ કોચરબ આશ્રમ એમ કાને પડે તો તરત જ અમદાવાદ અને મહાત્મા ગાંધી યાદ આવે, ખરું ને? સ્વતંત્રતાની લડત અને ગાંધીજી સાથે જેનું નામ અભિન્નપણે જોડાયેલું છે એ અમદાવાદના આ ઐતિહાસિક આશ્રમને આજે 108 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આવો, જાણીએ એની કલ, આજ ઔર કલની કેટલીક રસપ્રદ વાતો…

આઝાદીની લડતમાં અગ્રેસર

આઝાદીની લડતમાં આ આશ્રમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સટોય આશ્રમની સ્થાપના કરી. સાથે જ સાદુ જીવન અને ઉચ્ચ સિદ્ધાંતની એક નવી વિચારશૈલી લોકો સમક્ષ મૂકી. જેના પરિણામ સ્વરૂપે તેઓ દક્ષિણ આફ્રિકાથી મોહનમાંથી મહાત્મા બનીને 1915માં સ્વદેશ પરત આવ્યા ત્યારે એવી જ જીવનશૈલી પ્રમાણે કામને આગળ વધારવાનો નિર્ધાર કર્યો અને આશ્રમ ક્યાં સ્થાપવો તેની વિચારણા શરૂ થઈ.

કોચરબ ગામની પસંદગી

ગાંધીજીએ ઘણા લોકો સાથે ચર્ચા વિચારણા કરી. વિવિધ સલાહ અને મનોમંથન બાદ એમની નજર અમદાવાદ નજીક કોચરબ ગામ પર ઠરી. શહેરના પૂર્વ વિસ્તારમાં પહેલા હાથવણાટના મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે. એ વિચાર સાથે ગાંધીજીએ જીવણલાલ વ્રજરાય દેસાઈ (બેરિસ્ટર)નો બંગલો ભાડે રાખ્યો. 25 મે 1915માં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. જો કે પાછળથી આ બંગલો જીવણલાલ દેસાઈએ ભેટ સ્વરૂપે ગાંધીજીને આપ્યો હતો. જેનો સત્તાવાર કબજો 20 જુલાઈ 1915ના મળ્યો.

સત્યાગ્રહ આશ્રમ નામ કેમ રાખ્યું?

સત્યાગ્રહાશ્રમ નામ ગાંધીજીને ગમતું. કેમ કે એમનું જીવન સત્યને સમર્પિત હતું. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ કોચરબ ખાતેથી સ્વરાજ માટેની લડતના મંડાણ પણ કર્યા હતા. સત્યાગ્રહશ્રમ નામ રાખવા પાછળ ગાંધીજીનો અન્ય એક હેતુ એ પણ હતો કે, સત્યની શોધમાં એમને જે સાથીદારો મળે તેને તેઓ સાથે જ રાખવા માગતા હતા. દેશને માટે સમર્પિત થઈ સેવા કરવા તૈયાર થાય એ રીતનું સત્યાગ્રહી સૈન્ય તૈયાર કરવાની એમની ઇચ્છા હતી. જે પ્રમાણે એમણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કરીને લોકોને અનેક અધિકારો અપાવ્યા હતા એ રીતે જ અહીં કામ કરવાની આશા હતી.

આશ્રમની જીવનશૈલી

આ આશ્રમનો ઉદ્દેશ નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય અને સત્ય નજીક જવાનો હતો. જેથી અહીંના નીતિ નિયમો પણ એ જ પ્રમાણે બનાવવામાં આવ્યા હતા. આ આશ્રમમાં ગાંધીજીએ સત્ય, અહિંસા અને સ્વદેશી સહિતના 11 વ્રતો પાળવાના રાખ્યા હતાં. આ વ્રતનું પાલન કરવું દરેક આશ્રમવાસી માટે જરૂરી હતું. આ વ્રત એકાદશવ્રત તરીકે ઓળખાતાં. જેનો વિનોબાજીએ સંસ્કૃતમાં શ્લોક બનાવ્યો હતો. જયારે તેનો ગુજરાતી શ્લોક જુગતરામભાઈ દવેએ બનાવ્યો છે.

આ શ્લોકમાં એકાદશવ્રતનો સમાવેશ થાય છેઃ

“સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું,

બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવુ,

અભય સ્વદેશી, સ્વાદ, ત્યાગ ને સર્વધર્મ સરખા ગણવા.

આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવા.”

આશ્રમના સંચાલક રોનક રાણા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કેઃ “ છેલ્લા કેટલાક સમયથી આ આશ્રમ સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જ્યારે 12મી માર્ચે આ આશ્રમનું નવીનીકરણ કરી ફરી એક વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અહીં એક ગ્રંથાલય પણ છે. જેમાં લગભગ 10 હજાર જેટલા પુસ્તકો છે. જેનો લાભ પુસ્તક પ્રેમીઓ લઈ શકે છે. આ સાથે કોચરબ આશ્રમમાં ગાંધીજીના નિવાસ સ્થાન પર ગાંધી પ્રદર્શન પણ જોવા મળે છે. એટલું જ નહીં આશ્રમમાં દેશના લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

મહત્વની એક વાત એ પણ છે કે આ આશ્રમમાં કોઈપણ રાજકીય કાર્યક્રમો નથી થતા. જેથી આપણે એમ કહી શકાય કે કોચરબ આશ્રમ રાજકારણથી મુક્ત છે!

(તેજસ રાજપરા-અમદાવાદ)

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મૈસુરના ફિલ્મ નિર્માતાએ જીત્યું પ્રથમ ઈનામ

આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીયોનું સારુ પ્રદર્શન રહ્યું છે.યુપીની નેન્સી આકષર્ણનું કેન્દ્ર બની તો બીજી બાજુ લા સિનેફ સ્પર્ધા જીતનાર પણ ભારતીય છે. ચિદાનંદ એસ નાઈકની ફિલ્મ ‘સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લા સિનેફ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું છે. તબીબી વ્યવસાય પછી ફિલ્મ નિર્માણમાં આવેલા મૈસુરના વતની નાઈકે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII), પૂણેની ટેલિવિઝન વિંગમાં તેમના એક વર્ષના અભ્યાસક્રમના અંતે આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મની વાર્તા કન્નડ ભાષાની લોકકથા પર આધારિત છે. આ વાર્તા એક વૃદ્ધ મહિલાની છે જે એક ચિકન ચોરી કરે છે અને તેના પછી તેનું ગામ અંધકારમાં ડૂબી જાય છે.

કાન્સમાં યોજાયેલી લા સિનેફ સ્પર્ધાનું ત્રીજું ઇનામ ભારતમાં જન્મેલી માનસી મહેશ્વરીની એનિમેશન ફિલ્મ ‘બન્નીહૂડ’ને ગુરુવારે આપવામાં આવ્યું હતું. મેરઠમાં જન્મેલી અને NIFT, દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી મહેશ્વરીએ બ્રિટનની નેશનલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્કૂલમાં અભ્યાસ દરમિયાન આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. લા સિનેફ સ્પર્ધામાં બીજું ઇનામ કોલંબિયા યુનિવર્સિટીના અસ્યા સેગાલોવિચ દ્વારા નિર્દેશિત ‘આઉટ ઓફ ધ વિડો થ્રુ ધ વોલ’ અને ગ્રીસની એરિસ્ટોટલ યુનિવર્સિટી ઓફ થેસ્સાલોનિકીના નિકોસ કોલિકોસ દ્વારા ‘ધ કેઓસ શી લેફ્ટ બિહાઇન્ડ’ને મળ્યું હતું.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ પુરસ્કાર વિજેતાને 15,000 યુરો, બીજું ઇનામ 11,250 યુરો અને ત્રીજા ઇનામને 7,500 યુરો આપવામાં આવે છે. પુરસ્કાર વિજેતા ફિલ્મો 3 જૂને સિનેમા ડુ પેન્થિઓન ખાતે અને 4 જૂને MK2 ક્વાઈ ડી સેઈન ખાતે દર્શાવવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષમાં નાઈકને મળેલો આ પહેલો અને ભારતમાં આવનાર બીજો એવોર્ડ છે. વર્ષ 2020 માં FTII ના અશ્મિતા ગુહા નિયોગીએ પણ તેમની ફિલ્મ ‘કેટડોગ’ માટે આ એવોર્ડ જીત્યો હતો.

બંગાળમાં સત્તાવિરોધી લહેરથી ઝઝૂમી રહેલાં મમતા બેનરજી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં રસપ્રદ લડાઈ જોવા મળી છે. TMCને ઘણા મોટા મુદ્દા પરેશાન કરી રહ્યા છે. રાજ્યમાં ઉદ્યોગોની જરૂર છે, જેમાં રોજગારીનું સર્જન થઈ શકે. જો અહીં નાના-મોટા ઉદ્યોગ હોત તો યુવાનોએ નોકરીઓ માટે ઝઝૂમવું ના પડત. પશ્ચિમ બંગાળના હુગલી, પશ્ચિમી મેદિનીપુર અને બાંકુરા જિલ્લામાં નોકરીઓની અછતે લોકસભા ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.  અહીં મોદી સરકારના 10 વર્ષ અને મમતા બેનરજીના 13 વર્ષના શાસનની વચ્ચે છે.

રાજ્યમાં મમતા સમર્થક પણ માને છે કે ભ્રષ્ટાચારે રાજ્ય સરકારને નુકસાન પહોંચાડ્યું છે. TMCના એક સ્થાનિક નેતાએ એ વાત સ્વીકારી હતી કે શિક્ષક કૌભાંડે મમતા સરકાર પર ઘેરો ડાઘ લગાડ્યો છે. અધૂરામાં પૂરું હાલમાં હાઇકોર્ટે રદ કરેલા OBC સર્ટિફિકેટે પણ સરકારની છબિને નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યના એક વેપારીએ પણ જણાવ્યું હતું કે 13 વર્ષ પછી TMCને વામપંથીઓથી અલગ નથી જોતા, જેથી આપણે ભાજપની જેમ બીજાને પણ અજમાવવા જોઈએ. વળી, ભાજપ વર્ષ 2019ના દેખાવથી TMC હલી ગઈ હતી. પાર્ટીએ 18 લોકસભા જીતી હતી, જેથી TMCએ 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અટકાવી હતી. જો ભાજપે લોકસભા ચૂંટણીમાં વધુ સીટો જીતી હોત તો વિધાનસભા ચૂંટણીમાં લાભ થાત.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવાનો અને ઘૂસણખોરોને રાજ્યની ડેમોગ્રાફી બદલવાની મંજૂરી આપવાનું પાપ કરવાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આરોપ લગાવ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

રાજ્યમાં વધ્યો ગરમીનો કહેર, સરકારી કર્મચારીઓની જાહેર રજાની માગ

રાજ્યમાં ગરમીનો કાળો કહેર વરસી રહ્યો છે. એક બાજુ હજુ પાંચ દિવસ હીટવેવની માગ કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ આગામી પાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓ માટે 12 થી 4 સુધી શૌક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ગરમીનો આકરો કહેર વરસતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક બાજું લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી ગરમીનો ઓરેજ એલર્ટ સાથે હીટવેવ થવાની સંભાવના આપવામાં આવી છે. ત્યારે રાજ્યના સરકારી કર્મતારીઓ આગામી પાંચ દિવસની રજાની માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં પહેલી વખત એવું બન્યું છે કે સરકારી કર્મચારીઓના મહામંડળ દ્વારા ગરમીના કારણે સરકારી કચેરીઓમાં આગામી સપ્તાહમાં જાહેર રજા આપવા માગણી કરાઇ છે. વિકટ પરિસ્થિતિમાં અસહ્ય ગરમીમાં ફરજ બજાવતા કર્મચારીઓને હીટ સ્ટ્રોક લાગતા તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી હોવાનું પણ જણાવાયું છે.

રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી રાજ્યમાં હવામાન વિભાગ જાહેર કરાયેલા હીટ વેવ અને રેડ એલર્ટના કારણે આગામી સપ્તાહમાં જાહેર રજા આપવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આગાઉ ગુજરાતમાં હીટસ્ટોક અને ગરમીને લઈ 20 જેટલા લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં ગરમીને લઈ રોગચાળો પણ વધ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

એર ઇન્ડિયાએ સંજય શર્માની CFO તરીકે નિમણૂક કરી

ગુરુગ્રામઃ એર ઇન્ડિયાએ 10 જૂનથી અમલમાં આવે એ રીતે સંજય શર્માની ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. શર્મા કંપનીના CEO અને MD કેમ્પબેલ વિલ્સનને રિપોર્ટ કરશે. તેમની પાસે કોર્પોરેટ, નાણા, ઇન્વેસ્ટમેન્ટ્સ બેન્કિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે અને તેઓ ટાટા પ્રોજેક્ટ્સ લિ.થી એરપ ઇન્ડિયામાં સામેલ થયા છે. ત્યાં તેઓ CFO હતા.

ટાટા પ્રોજેક્ટ્સથી પહેલાં તેઓ ટાટા રિયલ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના CFO અને ડોઇશ બેન્ક ગ્રુપમાં ઇક્વિટી કેપિટલ માર્કેટ્સના વડા અને MD હતા.  એ પહેલાં તેમણે મુંબઈમાં DSP મેરિલ લિંચ લિ. અને હોંગકોંગની મેરિલ લિન્ચ એશિયા પેસેફિકમાં વિવિધ પદોએ કામ કર્યું હતું.

શર્માએ કંપનીમાં વિનોદ હેજમાડીનું સ્થાન લીધું હતું, જે કંપનીના ત્રણ દાયકાથી વધુના સમયની સેવા આપીને નિવૃત્ત થયા હતા. શર્માની નિમણૂક પર ટિપ્પણી કરતાં કંપનીના MD અને CEO કેમ્પબેલ વિલ્સને કહ્યુંહ તું કે અમને સંજયને લીડરશિપ ટીમમાં સામેલ થવા પર ખુશી છે અને અમે કંપનીમાં ચાલી રહેલા ફેરફારોમાં તેમના યોગદાન માટે તત્પરતા અનુભવીએ છે. વલી, અમે કંપનીમાં ત્રણ દાયકાની સેવા આપ્યા પછી નિવૃત્ત થઈ રહેલા વિનોદનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

 

 

 

 

 

 

 

આગ ઓકતી ગરમીમાંથી વિદ્યાર્થીઓને મળશે રાહત!

રાજ્યમાં ગરમી અગન ગોળા વરસાવી રહી છે. તો બીજી બાજુ આગામી અભ્યાસને લઈ વિદ્યાર્થીઓના ટ્યુશન શરૂ થઈ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં ગરમીએ પાછલા સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યા છે. અને લગભગ 20 જેટલા લોકો ગરમીના હીટ સ્ટોકને લઈ જીવ ગુમાવી ચૂક્યા છે

અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4  શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય લેવાયો છે.

ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના પ્રમુખ હેમાંગ રાવલે માહિતી આપતા જણાવ્યું કે, સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.