કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મૈસુરના ફિલ્મ નિર્માતાએ જીત્યું પ્રથમ ઈનામ

આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીયોનું સારુ પ્રદર્શન રહ્યું છે.યુપીની નેન્સી આકષર્ણનું કેન્દ્ર બની તો બીજી બાજુ લા સિનેફ સ્પર્ધા જીતનાર પણ ભારતીય છે. ચિદાનંદ એસ નાઈકની ફિલ્મ ‘સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લા સિનેફ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું છે. તબીબી વ્યવસાય પછી ફિલ્મ નિર્માણમાં આવેલા મૈસુરના વતની નાઈકે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII), પૂણેની ટેલિવિઝન વિંગમાં તેમના એક વર્ષના અભ્યાસક્રમના અંતે આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મની વાર્તા કન્નડ ભાષાની લોકકથા પર આધારિત છે. આ વાર્તા એક વૃદ્ધ મહિલાની છે જે એક ચિકન ચોરી કરે છે અને તેના પછી તેનું ગામ અંધકારમાં ડૂબી જાય છે.

કાન્સમાં યોજાયેલી લા સિનેફ સ્પર્ધાનું ત્રીજું ઇનામ ભારતમાં જન્મેલી માનસી મહેશ્વરીની એનિમેશન ફિલ્મ ‘બન્નીહૂડ’ને ગુરુવારે આપવામાં આવ્યું હતું. મેરઠમાં જન્મેલી અને NIFT, દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી મહેશ્વરીએ બ્રિટનની નેશનલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્કૂલમાં અભ્યાસ દરમિયાન આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. લા સિનેફ સ્પર્ધામાં બીજું ઇનામ કોલંબિયા યુનિવર્સિટીના અસ્યા સેગાલોવિચ દ્વારા નિર્દેશિત ‘આઉટ ઓફ ધ વિડો થ્રુ ધ વોલ’ અને ગ્રીસની એરિસ્ટોટલ યુનિવર્સિટી ઓફ થેસ્સાલોનિકીના નિકોસ કોલિકોસ દ્વારા ‘ધ કેઓસ શી લેફ્ટ બિહાઇન્ડ’ને મળ્યું હતું.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ પુરસ્કાર વિજેતાને 15,000 યુરો, બીજું ઇનામ 11,250 યુરો અને ત્રીજા ઇનામને 7,500 યુરો આપવામાં આવે છે. પુરસ્કાર વિજેતા ફિલ્મો 3 જૂને સિનેમા ડુ પેન્થિઓન ખાતે અને 4 જૂને MK2 ક્વાઈ ડી સેઈન ખાતે દર્શાવવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષમાં નાઈકને મળેલો આ પહેલો અને ભારતમાં આવનાર બીજો એવોર્ડ છે. વર્ષ 2020 માં FTII ના અશ્મિતા ગુહા નિયોગીએ પણ તેમની ફિલ્મ ‘કેટડોગ’ માટે આ એવોર્ડ જીત્યો હતો.