રણજીતે ‘ગબ્બર સિંહ’ ની ભૂમિકા છોડી હતી

ફિલ્મ ‘શોલે’ (૧૯૭૫) વિશે જેટલી પણ વાત કરવામાં આવશે એ ઓછી જ લાગશે. એના વિશે જાણવાની દર્શકોની ઉત્સુકતા ક્યારેય ઓછી થતી નથી. ક્યાંક ને ક્યાંક એની જાણી – અજાણી વાતો કલાકારો પણ રજૂ કરતા રહે છે. ફિલ્મના 40 વર્ષ જ્યારે પૂરા થયા હતા ત્યારે અમિતાભને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘શોલે’ નું તમારી પસંદગીનું દ્રશ્ય કયું છે? ત્યારે એમણે પત્રકારને સામો પ્રશ્ન પૂછ્યો હતો કે તમને પસંદ ના આવ્યું હોય એવું કોઈ દ્રશ્ય બતાવી શકશો? અમિતાભે એ વાતનો એકરાર કર્યો છે કે વાર્તાના પાત્રો વિશે જાણીને એમણે ‘ગબ્બર સિંહ’ ની ભૂમિકા કરવાની ઈચ્છા દર્શાવી હતી.

બીજા ઘણા કલાકારોએ પણ એવું કહ્યું હતું. રમેશ સિપ્પીએ દરેકને એમની ભૂમિકા ભજવવાની વાત કરી ગબ્બરની આપી શકાય એમ ન હોવાનું કહ્યું હતું. હમણાં રણજીતે એક મુલાકાતમાં એવો ખુલાસો કર્યો હતો કે ‘ગબ્બર સિંહ’ ની ભૂમિકા એની પાસે આવી હતી પરંતુ ડેની ડેન્ગઝોન્પા સાથેની મિત્રતાને કારણે હા પાડી ન હતી. સૌથી પહેલાં ડેનીને આ ફિલ્મ માટે લેવામાં આવ્યો હતો. ત્યારે તે ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ કરી રહી રહ્યો હતો. નકારાત્મક ભૂમિકાઓ માટે જાણીતા રહેલા રણજીતના કહેવા મુજબ ડેનીને ‘શોલે’ ની ઓફર આવી એ જાણી ફિરોઝે એને કહ્યું હતું કે એમાં ત્રણ હીરો છે અને હેમામાલિની સાથે એક ગીત છે.

પાત્ર કેટલું દમદાર હશે એની કોઈને ખબર નથી. ‘ધર્માત્મા’ માં તારી ભૂમિકા દમદાર છે. તેથી ડેનીએ ‘શોલે’ને મહત્વ આપ્યું ન હતું. ડેની અફઘાનિસ્તાનમાં શુટિંગ કરતો હતો અને ‘શોલે’ માટે બેંગલોરમાં તૈયારી ચાલતી હતી. તેથી સંપર્ક કરવાનું સરળ ન હતું. રણજીતને ત્યારે ખબર ન હતી કે ‘ગબ્બર સિંહ’ માટે વાત કરવામાં આવી રહી છે. સિપ્પી ફિલ્મ્સ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે ડેની આવી રહ્યો નથી અને એમનું શુટિંગ શિડ્યુલ બની ગયું છે. તેથી તમે કામ કરો. રણજીતને ડેની સાથે સારી મિત્રતા હતી. બંનેએ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં તાલીમ લેવા ઉપરાંત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેથી રણજીતે કહ્યું કે એ કામ ન કરવાનો હોવાનો પત્ર એણે આપ્યો હોય તો હું કામ કરી શકું છું. પણ એવો કોઈ પત્ર ન હોવાથી રણજીતે ‘શોલે’ કરવાની ના પાડી દીધી હતી.

છેલ્લે અમજદ ખાન ‘ગબ્બર સિંહ’ બન્યા હતા. ફિલ્મ બની જવા આવી હતી ત્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. એ કારણે સેન્સરના નિયમો બદલાયા હતા. અમિતાભે એ સમયને યાદ કરતા કહ્યું હતું કે ફિલ્મમાં 90 ફૂટથી લાંબા એક્શન દ્રશ્યો રાખી શકાતા ન હતા. એટલે એ પ્રમાણે શુટિંગ કરવું પડતું હતું અથવા પછી એટલી લંબાઈ માટે દ્રશ્ય કાપવું પડતું હતું.

ફિલ્મનો અંત ‘ગબ્બર સિંહ’ મારી જાય એવો જ લખવામાં આવ્યો હતો. પરંતુ કટોકટી કાળને કારણે અંતના પણ બે અલગ દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યા હતા. સેન્સરના નિયમને કારણે અંતમાં ‘ઠાકુર’ પોતાની ખીલીવાળી મોજડીથી ‘ગબ્બર સિંહ’ ને મારી નાખે છે એ મૂળ દ્રશ્ય મૂકી શકાયું ન હતું. એના બદલે બીજો અંત ‘ગબ્બર સિંહ’ ને પોલીસ પકડી જાય છે એવો રાખવામાં આવ્યો હતો. કેમકે ભલે ફિલ્મમાં ‘ઠાકુર’ પોલીસના પૂર્વ અધિકારી હતા પણ કોઈ વ્યક્તિગત રીતે ન્યાય કરે એવું બતાવી શકાય એમ ન હતું.