NSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરને વટાવી ગયું

 મુંબઈઃ NSE પર ભારતીય લિસ્ટેડ કંપનીઓના બજાર મૂડીકરણે (માર્કેટ કેપ) 23 મે, 2023એ પાંચ ટ્રિલિયન ડોલર (રૂ. 416.57 ટ્રિલિયન)ના આંકને વટાવ્યો છે. તે જ દિવસે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 22,993.60ના સર્વોચ્ચ મથાળે સ્પર્શી ગયો હતો, જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સ પણ આજે 21,505.25ના મથાળે સ્પર્શ્યો હતો, જે ઇક્વિટી માર્કેટની વૃદ્ધિ ફક્ત મોટા જ નહીં, પરંતુ કેપિટલાઇઝ્ડ શેરોને પણ આભારી છે.

ભારતીય લિસ્ટેડ કંપનીઓના બજાર મૂડીકરણની યાત્રા બે ટ્રિલિયન ડોલર (જુલાઈ, 2017)થી શરૂ થઈ હતી, તે ત્રણ ટ્રિલિયન ડોલર (મે 2021) પર પહોંચતાં આશરે 46 મહિના લાગ્યા હતા, ત્રણ ટ્રિલિયન ડોલરથી ચાર ટ્રિલિયન ડોલર સુધી (ડિસેમ્બર, 2023) સુધી પહોંચતાં આશરે 30 મહિના લાગ્યા છે અને તાજેતરમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો થતાં ફક્ત છ મહિના લાગ્યા છે. બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ટોચની પાંચ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ લિમિટેડ, HDFC બેન્ક  લિમિટેડ અને ICICI બેન્ક લિમિટેડ અને ભારતી એરટેલ લિમિટેડનો સમાવેશ થાય છે.

છેલ્લાં 10 વર્ષોમાં નિફ્ટી 50 ઇન્ડેક્સે 13.4 ટકા રિટર્ન આપ્યું છે. (કુલ પ્રાઇસ ઇન્ડેક્સ CAGR). સમાન ગાળામાં ઘરેલુ સંચાલન હેઠળની મ્યુચ્યુઅલ ફંડ્ઝ અસ્કયામતો (ઇક્વિટી અને ડેટ)માં એપ્રિલ, 2014ના અંતમાં રૂ. 9.45 ટ્રિલિયનથી 506 ટકાના દરે વધીને એપ્રિલ, 2024ના અંતમાં વધીને રૂ. 57.26 ટ્રિલિયન થઇ છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ની સંચાલન હેઠળની મિલકતો (ઇક્વિટીથી ડેટ) 345 ટકા વધીને એપ્રિલ, 2024ના અંતમાં રૂ. 71.6 ટ્રિલિયન થઈ છે, જે એપ્રિલ 2014ના અંતમાં રૂ. 16.1 ટ્રિલિયનના સ્તરે હતી.

બજાર મૂડીકરણમાં વૃદ્ધિ માત્ર ટોચની કંપનીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ શેરોમાં જોવા મળે છે. નિફ્ટી 100 ઇન્ડેક્સના ઘટકો હવે એપ્રિલ, 2014 સુધીમાં કુલ બજાર મૂડીના 74.9 ટકાની તુલનાએ બજાર મૂડીના 61 ટકા હિસ્સો ધરાવે છે. કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં સેકન્ડરી માર્કેટમાં લિક્વિડિટીમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. ઇક્વિટી સેગમેન્ટનું દૈનિક સરેરાશ ટર્નઓવર FY15માં રૂ. 17,818 કરોડથી 4.5 ગણું વધીને FY24માં રૂ. 81,721 કરોડ થયું છે.

NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર, શ્રીરામ ક્રિષ્નનએ જણાવ્યું હતું કે હું લિસ્ટેડ કંપનીઓ, ટ્રેડિંગ સભ્યો, રોકાણકારો અને અન્ય તમામ હિતધારકોને આ મહત્વપૂર્ણ સીમાચિહનની સિદ્ધિ બદલ અભિનંદન આપું છું.