UAE સરકાર તરફથી રજનીકાંતને મળ્યું ગોલ્ડન વિઝાનું સન્માન

મુંબઈ: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અભિનેતાએ આ સિદ્ધિ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ચાહકોને જાણ કરી છે. રજનીકાંત તાજેતરમાં અબુધાબી ગયા હતા. અભિનેતાને ત્યાં આ સન્માન પ્રાપ્ત થયું છે. આ સન્માન માટે રજનીકાંતે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ યુસુફ અલીનો તેમના પ્રયાસો માટે આભાર માન્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે.

રજનીકાંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે UAE સરકાર તરફથી મળેલા ગોલ્ડન વિઝા માટે અબુ ધાબી સરકારનો આભાર માની રહ્યા છે. તેમજ અત્યંત સન્માનની લાગણી અનુભવે છે. સુપરસ્ટારે વીડિયોમાં કહ્યું કે, “અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત છું.”

અભિનેતાએ વધુમાં કહ્યું, ‘હું આ વિઝાની સુવિધા આપવા અને તમામ સહયોગ માટે અબુ ધાબી સરકાર અને મારા સારા મિત્ર યુસુફ અલી, લુલુ ગ્રુપના સીએમડીનો હૃદયપૂર્વક આભાર માનું છું.’ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ સમાચારથી રજનીકાંતના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.