રાજસ્થાનમાં ભીષણ હીટવેવને કારણે 12 લોકોનાં મોત

જયપુરઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસોમાં હીટ સ્ટ્રોકને કારણે 12 લોકોનાં મોત થયાં છે. રાજસ્થાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રી ડો. કિરોડી લાલ મીણાએ આની સત્તાવાર પુષ્ટિ કરી હતી. તેમણે આ બધા લોકોના પરિવારને રાહત આપવા પેકેજનું એલાન કર્યું હતું.

રાજ્યમાં આકરી ગરમી છે, જેનાથી 12 લોકોનાં મોત થયાં છે, એમ તેમણે કહ્યું હતું. પ્રદેશવાસીઓને ડિઝાસ્ટર વિભાગે સાવધાન રહેવાનો નિર્દેશ આપ્યા છે. આ કુદરતી આપત્તિ છે. મે મહિનામાં આટલું બધું ટેમ્પરેચર હોતું નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગ મોટું કારણ છે. વિભાગે નાગરિકોને સાવધાની વર્તવાની સલાહ આપી હતી.                           બીજી બાજુ, જયપુરમાં હીટ વેવથી થનારાં મોતને લઈને વધારાના મુખ્ય સચિવ શુભ્રા સિંહ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં આરોગ્ય વિભાગના બધા ઉચ્ચ અધિકારી સામેલ થયા છે. આ બેઠકમાં ગરમીની સીઝનમાં આરોગ્ય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાથે મળીને જરૂરી પગલાં ઉઠાવવા નિર્દેશ આપ્યા હતા. સીઝનલ બીમારીઓ માટે હોસ્પિટલો માટે જરૂરી સુવિધા કરવા સાથે લોકો સામે જરૂરી દિશા-નિર્દેશ જારી કરવા માટે કહેવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક પહેલાં ગરમીને કારણે મોતનો આંકડો નવ પર હતો. આ બધા બાડમેર, બાલતોરા, ઝાલોર અને ભીલવાડામાં થઈ હતી. રાજ્સ્થાનના બાડમેરમાં આ સપ્તાહે તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના અધિકારીઓએ રાજ્યના કેટલાય ભાગોમાં ભીષણ હીટવેવની સ્થિતિને લઈને ચેતવણી આપી છે. હવામાન વિભાગે  રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસો સુધી રેડ એલર્ટ જારી કર્યું છે.