Home Blog Page 155

પંચાંગ 29/03/2026

ક્યા દેશોમાં સૌથી વધારે ગરમી પડે છે?

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સૂર્યદેવ પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દર વર્ષે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. લોકો એસી કે કુલર વગર એક ક્ષણ પણ રહી શકતા નથી, ત્યારે વિશ્વમાં એવા કેટલાક દેશો છે જ્યાં ગરમી માત્ર એક ઋતુ નથી, પણ અસ્તિત્વની લડાઈ બની જાય છે.

અલબત્ત ગરમીના માપદંડ બે રીતે જોવામાં આવે છે. પ્રથમ તો એવા દેશો જ્યાં આખું વર્ષ સરેરાશ ગરમી રહે છે અને બીજા એવા દેશો જ્યાં ઉનાળામાં પારો અસહ્ય ઊંચાઈએ પહોંચી જાય છે.

ત્યારે જાણીએ વિશ્વના એવા દેશો વિશે જે સૌથી વધુ તપે છે.

કુવૈત

પર્શિયન ગલ્ફના કિનારે આવેલો આ નાનકડો આરબ દેશ ઉનાળામાં પૃથ્વી પરની સૌથી ગરમ જગ્યાઓમાંથી એક બની જાય છે. કુવૈતમાં મે મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ગરમીનો કહેર વર્તાય છે. અહીંનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહે છે અને અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયેલું છે. કુવૈતનો સૌથી ગરમ પ્રદેશ મિત્રિબાહ છે. અહીં ઉનાળામાં પારો એટલો ઊંચો જાય છે કે પક્ષીઓ પણ આકાશમાંથી નીચે પડી જાય એવી ગરમી અનુભવાય છે. અહીંના રસ્તાઓ અને સ્થાપત્યો આ ભયાનક ગરમીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યા છે.

ઈરાક

સાઉદી અરેબિયાની ઉત્તરે મધ્ય પૂર્વમાં આવેલો ઈરાક દેશ પણ પોતાની ભઠ્ઠી જેવી ગરમી માટે જાણીતો છે. અહીં જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ગરમીનું જોર સૌથી વધુ હોય છે. ઈરાકના દક્ષિણ ભાગમાં આવેલું બાસરા શહેર દેશનો સૌથી ગરમ પ્રદેશ છે, જ્યાં તાપમાન 53.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યું છે. ગરમી એટલી અસહ્ય હોય છે કે સરકાર ઘણીવાર જાહેર રજાઓ જાહેર કરવાની ફરજ પાડે છે. અહીંની સૂકી ગરમી અને ધૂળની ડમરીઓ જનજીવન માટે મોટો પડકાર છે.

પાકિસ્તાન

ભારતની પશ્ચિમે દક્ષિણ એશિયામાં આવેલો પાડોશી દેશ પાકિસ્તાન ગરમીના મામલે વિશ્વના અગ્રેસર દેશોમાંનો એક છે. અહીં એપ્રિલના અંતથી જુલાઈ મહિના સુધી ગરમીનું પ્રચંડ મોજું જોવા મળે છે. પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંતમાં તાપમાન અસહ્ય બની જાય છે, જ્યાં મહત્તમ તાપમાન 53.7 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયેલું છે. પાકિસ્તાનનો સૌથી ગરમ પ્રદેશ સિંધ છે અને ત્યાંનું જેકોબાબાદ શહેર વિશ્વના સૌથી ગરમ માનવ વસવાટ ધરાવતા સ્થળોમાંનું એક ગણાય છે.

સાઉદી અરેબિયા

મધ્ય પૂર્વના અરેબિયન દ્વીપકલ્પ પર આવેલો સાઉદી અરેબિયા રણ પ્રદેશ હોવાથી અહીં ઉનાળો અત્યંત લાંબો અને ભયાનક હોય છે. અહીં મે મહિનાથી સપ્ટેમ્બર સુધી સૂર્યનો પ્રકોપ સૌથી વધુ હોય છે. રણની રેતી તપવાને કારણે અહીં તાપમાન 52.2 ડિગ્રી સેલ્સિયસ ને પાર કરી જાય છે. સાઉદી અરેબિયાના સૌથી ગરમ વિસ્તારોમાં મક્કા અને રિયાધ જેવા શહેરોનો સમાવેશ થાય છે. અહીં વરસાદ નહિવત હોવાથી ગરમી એટલી તીવ્ર હોય છે કે એનાથી બચવા માટે લોકો મોટાભાગનું કામ રાત્રિના સમયે કરવાનું પસંદ કરે છે.

મેક્સિકો

ઉત્તર અમેરિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો મેક્સિકો દેશ પણ એના ગરમ રણ પ્રદેશો માટે જાણીતો છે. અહીં જૂનથી સપ્ટેમ્બર મહિના વચ્ચે તાપમાનનો પારો ઊંચો જાય છે. મેક્સિકોનો સૌથી ગરમ પ્રદેશ ઉત્તર ભાગમાં આવેલું મેક્સિકાલી છે, જ્યાં તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી જાય છે. મેક્સિકાલી ચારે બાજુથી પહાડો અને રણથી ઘેરાયેલું હોવાથી ગરમ હવા ત્યાં કેદ થઈ જાય છે, જેના કારણે આ શહેર એક જીવંત ઓવન જેવું બની જાય છે.

ભારત

દક્ષિણ એશિયામાં આવેલો ભારત દેશ પોતાની ભૌગોલિક વિવિધતા માટે જાણીતો છે, પરંતુ અહીંનો ઉનાળો અત્યંત આકરો હોય છે. ભારતમાં મુખ્યત્વે માર્ચની શરૂઆતથી અને ઘણીવાર ફેબ્રુઆરી અંતથી જૂન મહિના સુધી સખત ગરમી પડે છે, જેમાં મે અને જૂન મહિનામાં ગરમીનો પ્રકોપ એની ચરમસીમાએ હોય છે. ભારતમાં ઉનાળા દરમિયાન તાપમાન સામાન્ય રીતે 40થી 45 ડિગ્રી સેલ્સિયસ રહે છે, પરંતુ રાજસ્થાન જેવા રાજ્યોમાં એ 50થી 51 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ભારતનો સૌથી ગરમ પ્રદેશ રાજસ્થાન છે, જેમાં ફલોદી અને બિકાનેર જેવા શહેરોમાં રેકોર્ડબ્રેક ગરમી નોંધાય છે.

ઓસ્ટ્રેલિયા

દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે જ્યાં ભારતમાં શિયાળો હોય ત્યારે ત્યાં કાળઝાળ ઉનાળો હોય છે. અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન પ્રચંડ ગરમી પડે છે. ઓસ્ટ્રેલિયાનો મધ્ય અને પશ્ચિમ ભાગ, જેને ‘આઉટબેક’ કહેવામાં આવે છે, એ સૌથી વધુ ગરમ છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઓનસ્લો વિસ્તારમાં તાપમાન 50.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યું છે. અહીંની તીવ્ર ગરમીના કારણે જંગલોમાં લાગતી આગ એક મોટી પર્યાવરણીય સમસ્યા બની જાય છે.

વર્ષભર ભઠ્ઠીની જેમ તપતા આફ્રિકન દેશો

 

વિશ્વના મોટાભાગના દેશોમાં ઋતુચક્ર મુજબ ઠંડી-ગરમીનો અનુભવ થાય છે, પરંતુ પશ્ચિમ આફ્રિકાના બુર્કિના ફાસો અને માલી જેવા દેશોમાં આખું વર્ષ સૂર્યનો પ્રતાપ જળવાઈ રહે છે. અહીં શિયાળામાં પણ કકડતી ઠંડી પડતી નથી અને સરેરાશ વાર્ષિક તાપમાન 29થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. સહરાના રણની નજીક હોવાથી અહીં ‘હરમેટન’ જેવા અતિશય ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે, જે આ પ્રદેશને સતત તપતો રાખે છે. વરસાદની અછત અને વધતા રણ વિસ્તારને કારણે અહીં ઉનાળામાં તાપમાન 45 થી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ અસહ્ય ગરમી સામે ટકી રહેવા અહીંના લોકો ખાસ માટીના ઘરો અને સુતરાઉ વસ્ત્રોનો ઉપયોગ કરે છે. ખેતી અને પાણી માટે સતત સંઘર્ષ કરતા આ દેશો વિશ્વના નકશા પર ‘સતત તપતા પ્રદેશો’ તરીકે ઓળખાય છે.

હેતલ રાવ

યુદ્ધને લીધે MSME યુનિટોમાં કાચા માલ, મજૂરોની અછતની સમસ્યા

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પર દેખાવા લાગી છે. કાચા માલની કિંમતોમાં ભારે વધારો અને મજૂરોની અછતને કારણે MSME મેન્યુફેક્ચરિંગ યુનિટ્સનું ઉત્પાદન લગભગ 50 ટકા ઘટી ગયું છે. MSME ઉદ્યોગોએ કાચા માલના ભાવ કાબૂમાં રાખવા માટે સરકાર પાસે GST ઘટાડવા અને જથ્થાબંધ સંગ્રહ (જમાખોરી) રોકવાની માગ કરી છે. પશ્ચિમ એશિયાનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલતા MSME ઉદ્યોગોની સ્થિતિ ગંભીર બની રહી છે.

MSME યુનિટોમાં ઉત્પાદન અડધું

યુદ્ધને કારણે એલ્યુમિનિયમ, કોપર અને PVC જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં એલોય એલ્યુમિનિયમના ભાવમાં આશરે 30 ટકા વધારો થયો છે. એલોય એલ્યુમિનિયમનો ભાવ 240 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 310 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. એલોય એલ્યુમિનિયમનો મોટો ભાગ યુરોપ અને અમેરિકા પરથી આયાત થાય છે. MSME યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિવસ 100 ટનથી ઘટીને 56 ટન રહી ગઈ છે.

MSME ઉદ્યોગો કોપર અને PVC જેવા કાચા માલની અછતનો સામનો કરી રહ્યા છે. કોપરના ભાવમાં લગભગ 40 ટકા અને PVCના ભાવમાં લગભગ 80 ટકા વધારો થયો છે. કોપરનો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 1400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. PVC કમ્પાઉન્ડનો ભાવ 110 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 210 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આ સામગ્રીમાંથી ઓડિયો કેબલ બનાવવામાં આવે છે, જે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોમાં ઉપયોગ થાય છે.

LPGની અછતને કારણે મજૂરો ગામડાઓ તરફ પાછા જઈ રહ્યા છે. નોઈડામાં લગભગ 8500થી વધુ MSME મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કાર્યરત છે. MSME ઉદ્યોગોએ કાચા માલ પર લાગતા 18 ટકા GST ઘટાડવાની માગ કરી છે.

ગુજરાતમાં પણ અસર

યુદ્ધની અસર ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્ર પર પણ પડી છે. રાજ્યના ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ અનેક માગ અને સૂચનો રજૂ કર્યાં છે. ઉદ્યોગોને મતે યુદ્ધને કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેથી લોજિસ્ટિક્સ અને શિપિંગમાં રાહત આપવી જરૂરી છે. કન્ટેનરના ભાડા વધી ગયા છે અને તેની ઉપલબ્ધતા ઘટી છે. આ સમસ્યાનો સામનો કરવા MSME અને નાના નિકાસકારો રાહત પેકેજ માગે છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શનિવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. જેમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી.આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઇ સોલંક પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો સાથે શુક્રવારે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે આપેલા દિશા-નિર્દેશોના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શનિવારે રાજ્યના વરિષ્ઠ સચિવોની બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,  રાજ્યમાં પી.એન.જી. કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પી.એન.જી. કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવા સૂચના આપવામાં આવી.

ગુજરાત દેશમાં સૌથી વધુ ૨૩ ટકા પી.એન.જી. ગેસ કનેક્શન ધરાવતું રાજ્ય છે. આ ઉપરાંત દેશના ૧૨ ટકા સી.એન.જી. ફિલીંગ સ્ટેશન પ્ણ રાજ્યમાં કાર્યરત છે. ઉપરાંત છેલ્લાં ૧૦ દિવસમાં ૧૨ હજારથી વધુ નવા પી.એન.જી. કનેક્શન્સ અને ૩૦૦થી વધુ નવા કોમર્શીયલ કનેક્શન્સ અપાયાં છે.

આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રજૂ થયેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ૧.૨૮ કરોડ ડોમેસ્ટિક એલ.પી.જી. કનેક્શન છે. એટલું જ નહિં આ ડોમેસ્ટિક કનેક્શન ધારકોને ગેસનો પુરવઠો નિયમિત મેળવવામાં કોઇ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે રાજ્ય સરકાર સતત સંકલનમાં છે.

મુખ્યમંત્રીએ પેટ્રોલ, ડિઝલ, ગેસ જેવી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર નિગરાની રાખવા તથા કડકાઈથી દાખલારૂપ સજા થાય તે માટે તાકીદ કરી હતી. તેમણે કહ્યું કે આના પરિણામે લોકોના મનમાંથી અછત કે તંગીનો જે ખોટો ભય છે તે દૂર કરી શકાશે.

રાજ્યમાં ફર્ટીલાઇઝરનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને ખરીફ સીઝન માટે ખાતરની કોઈ સમસ્યા રહે નહીં તેવું આયોજન કૃષિ વિભાગે કર્યું છે. તેની પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના પોર્ટ્સ પર કાર્ગોનું સરળ સંચાલન અને મોનિટરીંગ થાય તેમજ કન્જેશન થવાને કારણે સપ્લાય ચેનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં શ્રમિકોને પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે આર્થિક મુશ્કેલી સહન કરવી ન પડે તે માટે તેમને મહેનતાણાની ચૂકવણી સમયસર થાય તે જોવાની સૂચના સબંધિત વિભાગોને આપવામાં આપી હતી. કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડિનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા સ્તરની આવી કોર્ડીનેશન કમિટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાર્યરત થશે.

બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો, કારણો સમજવાથી ઉપાય સરળ બને

મુંબઈ: બ્રેઈન સ્ટ્રોક માનવીના સૌથી મહત્વના અંગ મગજ પરનું એક જોખમી આક્રમણ હોવાથી તેના પરિણામ પણ બહુ ગંભીર હોય છે. આનો નકકર અને સચોટ કોઈ ઉપાય હોય તો એ સ્ટ્રોક બાદ તાત્કાલિક ધોરણે મળનારી યોગ્ય સારવાર ગણાય. તાત્કાલિક એટલે સ્ટ્રોકના પ્રથમ ચાર કલાક, જેને ગોલ્ડન અવર્સ કહેવાય છે. જો આ સારવાર યોગ્ય સમયમાં મળી જાય તો તેના ઈલાજની સફળતા ઊંચી બની જાય છે. આ શબ્દો છે, ન્યુરોલોજિસ્ટ ડો. કેયુર પંચાલના.  આ સાથે બીજા વકતા ન્યુરોસર્જન ડો. દર્પણ ઠાકરેએ પણ બ્રેઈન સ્ટ્રોકના સંકેતો, લક્ષણો અને કારણો તેમજ ઉપાય વિશે સમજણ આપી હતી.આપણી બદલાયેલી જીવનશૈલી અને સ્ટ્રેસને કારણે નવાનવા રોગોનો પ્રવેશ અને જુના રોગોની તીવ્રતા વધી રહી છે. અગાઉ આપણે હાર્ટએટેક વિષે કયારેક જ સાંભળતા અને આજે હાર્ટ એટેક કોઈપણ વયજૂથ માટે સામાન્ય થઈ પડ્યો છે. હવે બ્રેઇન એટેક એટલે કે બ્રેઇન સ્ટ્રોકનાં મામલામાં પણ એવો જ ગંભીર માહોલ આકાર પામી રહયો છે. જોકે છેલ્લા દસ વર્ષમાં સ્ટ્રોકની સારવારમાં મેડિકલ સાયન્સે નોંધપાત્ર પ્રગતિ કરી છે.હવે આ સામાન્ય થઈ પડેલા રોગ વિષે આપણે પણ જાગરૂકતા કેળવવી ઘટે. અચાનક આવતા આ આક્રમણ વિષે જો જાગરૂકતા કેળવાય તો કોઇનું જીવન બચાવી શકાય છે. આ જ વિચારને લઈને કાંદિવલીમાં, ૨૧મી માર્ચ ૨૦૨૬ની સાંજે આ વિષયની જાગૃતિ માટે એઇડ્ઝ કૉમ્બેટ ઇન્ટરનેશનલ (ACI) અને મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્તપણે કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના સૌજન્યથી એક માહિતીસભર અને માર્ગદર્શક નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમયનું અદકેરું મહત્વ

જાણીતા ન્યુરોલૉજિસ્ટ ડૉ. કેયૂર પંચાલે આ અવેરનેસ સેમિનારમાં પોતાના સરળ અને સચોટ વકતવ્યમાં કહયું કે સ્ટ્રોકની સારવારના પરિણામ માટે સમયનું મહત્વ ખૂબ જ છે. સ્ટ્રોકના દર્દીને જેટલું બની શકે એટલું ઝડપથી યોગ્ય હોસ્પિટલમાં પહોંચાડી શકાય તો દર્દીની રિકવરીના પરિણામો સારા મેળવી શકાય છે. આવા દર્દીને ક્યારે, ક્યાં અને કેટલી ઝડપથી પહોંચવામાં આવે છે તેની ઉપર દર્દીની રિકવરી અને બાકીની જિંદગીનો આધાર રહેલો છે. બ્રેઇન સ્ટ્રોક માટે સમયના મહત્વ પર ભાર મુકતા તેમણે કહયું હતું કે સ્ટ્રોકના લક્ષણો દેખાય એ પછીના ચાર ક્લાકને ‘ગોલ્ડન અવર્સ’ કહેવામાં આવે છે.

સ્ટ્રોક કેવી રીતે થાય છે?

સ્ટ્રોક બાબતે સમજાવતા તેમણે કહયું હતું કે બે પ્રકારે બ્રેઇન સ્ટ્રોક આવે છે. એક, જ્યારે મગજને લોહી પૂરું પાડતી રક્તવાહિનીમાં કલૉટ થાય ત્યારે મગજના ચોક્કસ હિસ્સામાં લોહીનો પુરવઠો રૂંધાય છે અને બીજું, રક્તવાહિની ફાટી જાય તો બ્લીડિંગ થાય અને બ્રેઇન હેમરેજ થાય ત્યારે સ્ટ્રોક આવે છે. ભારતમાં ૮૦ થી ૯૦ ટકા બ્રેઇન સ્ટ્રોક કલૉટને કારણે થાય છે. ૧૦ ટકા બ્લીડિંગને કારણે થાય છે. સ્ટ્રોકના લક્ષણો દેખાવાના બે કલાકની અંદર જો હોસ્પિટલમાં પહોંચી શકાય ત્યાર બાદ એક કલાકમાં સિટી સ્કેન અને એમઆરઆઈનાં રિપોર્ટ જોઈને ડૉક્ટર આગળની ટ્રીટમેન્ટ બાબતે નિર્ણય લઈ શકે છે.

સ્ટ્રોકસના પ્રકાર
ડૉ. દર્પણ જે. ઠાકરેએ જણાવ્યું કે બ્રેઈનને ઑક્સિજન તેમજ ન્યુટ્રીયન્ટ્સનો સતત પ્રવાહ જોઈએ છે. જો નસમાં બ્લોક થવાથી અથવા નસ ફાટી જવાથી આ પુરવઠામાં વિક્ષેપ પડે તો બ્રેઇન સ્ટ્રોક આવે છે. આથી વ્યક્તિનું ગણતરીની મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે. ત્રણ પ્રકારના સ્ટ્રોક્સ હોય છે. રક્તવાહિનીમાં કલૉટ થવાથી જે થાય છે તે આઇઝેમીક સ્ટ્રોક કહેવાય છે. જ્યારે નસ ફાટી જવાથી બ્લીડિંગ થાય છે ત્યારે હેમોર્હાજીક સ્ટ્રોક અને ત્રીજો પ્રકાર ટ્રાન્ઝિયન્ટ આઇઝેમીક અટેક છે જે ઝડપથી સુધરી જાય છે. પરંતુ એ ભવિષ્યમાં સ્ટ્રોક થવાની નિશાની છે. તેમનું કહેવું હતું કે જ્યારે બધા જ પ્રયત્નો થઈ ચૂક્યા હોય અને બ્રેઈનમાં લોહીનો પુરવઠો શરૂ કરવાના પ્રયત્નો નકામા થઈ જાય ત્યારે ન્યૂરોસર્જીનની ભૂમિકા શરૂ થાય છે.

સ્ટ્રોકનાં લક્ષણો કેવી રીતે સમજાય ?

ડૉ. કેયૂર સમયનું મહત્વ સમજાવતા કહે છે કે આખી દુનિયામાં સ્ટ્રોકને ઓળખવા માટે BEFAST ન્યૂમૉનિક્સ વપરાય છે.

B – Balance : અચાનક જ શરીરનું સંતુલન ખોરવાય, શરીરના અંગોનો તાલમેલ ન રાખી શકાતુ હોય એવું લાગે અથવા ચક્કર આવે

E – Eyes : એક અથવા બંને આંખે ધૂંધળાપણું આવે, અંધારા આવે અથવા ડબલ દેખાવા માંડે અથવા દેખાતું બંધ થઈ જાય

F – Face drooping: ચહેરાની એક બાજુ ખેંચાઇ જાય અથવા ખોટી પડતી લાગે.

A – Arm weakness: એક હાથ અથવા પગમાં ઝણઝણાટી થતી હોય એવું લાગે અથવા નબળાઈ લાગે

S – Speech difficulty : બોલવામાં તકલીફ પડે, બોલવામાં લડખડાતા હોય એવું લાગે અથવા બીજાને સમજવામાં તકલીફ પડે

T – Time to call emergency : ઉપરના કોઈ પણ લક્ષણો જણાય તો ત્વરિત તબીબી સહાય માટે એમ્બ્યુલન્સ બોલાવીને યોગ્ય હોસ્પિટલમાં પહોંચવું.

મમતા સરકાર વિરુદ્ધ અમિત શાહે જાહેર કરી ‘ચાર્જશીટ’

કોલકાતાઃ ગૃહ મંત્રી અમિત શાહે કોલકાતામાં પશ્ચિમ બંગાળની TMC સરકાર વિરુદ્ધ ‘ચાર્જશીટ’ જાહેર કરી છે. કોલકાતામાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ એ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાંથી ઘૂસણખોરો ભારત દેશમાં પ્રવેશ કરી રહ્યા છે અને દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બંગાળની સરહદો મારફતે થતી ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતા છે.

દેશની સુરક્ષા બંગાળ ચૂંટણીનાં પરિણામો સાથે અતૂટ રીતે જોડાયેલી છે. હવે માત્ર એક જ માર્ગ બચ્યો છે જ્યાંથી ઘૂસણખોરો દેશમાં પ્રવેશ કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેથી બંગાળની ચૂંટણી અનેક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. ભાજપે તૃણમૂલ કોંગ્રેસના શાસન વિરુદ્ધ જનતાની ફરિયાદોને અવાજ આપવાનો સંકલ્પ કર્યો છે. આજનો કાર્યક્રમ TMC સરકારના પંદર વર્ષના શાસન સામે અમારી ‘ચાર્જશીટ’ રજૂ કરવાનો છે. બંગાળને દેશભરમાં ચાલી રહેલા વિકાસની ઝડપ સાથે આગળ વધવું પડશે-  વિશ્વાસ અને ભયમુક્ત વાતાવરણ તરફની યાત્રા તરીકે. આ ચૂંટણી નિર્ણાયક સાબિત થશે એમ તેમણે કહ્યું હતું.

બંગાળની જનતાના શોષણની કહાની

શાહે આગળ કહ્યું હતું કે આ ચાર્જશીટ છેલ્લાં પંદર વર્ષમાં TMC દ્વારા કરવામાં આવેલા કથિત કાળાં કારનામાઓનો સંગ્રહ છે. તેમના અનુસાર ‘સોનાર બાંગ્લા’ના વચન પાછળ ‘સિન્ડિકેટ રાજ’ સ્થાપિત કરવામાં આવ્યું અને રાજ્યની જનતાનું શોષણ થયું. ઉપરથી નીચે સુધી સફેદપોશ ગુનેગારો દ્વારા જનતાને પરેશાન કરવામાં આવી રહી છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે બંગાળ હવે એવી જગ્યામાં ફેરવાઈ ગયું છે જ્યાં ઘૂસણખોરોને સક્રિય રીતે સંરક્ષણ આપવામાં આવે છે અને સરકારનું મુખ્ય લક્ષ્ય રાજકીય તુષ્ટિકરણ બની ગયું છે. લાંબા સમય સુધી કોમ્યુનિસ્ટ શાસન બાદ જનતાએ ‘સોનાર બાંગલા’ના સપના સાથે બદલાવ માટે મત આપ્યો હતો, પરંતુ હવે કેટલાક લોકો કહે છે કે કોમ્યુનિસ્ટ શાસન વધુ સારું હતું.

‘ચાર્જશીટ’ શું છે?

‘ચાર્જશીટ’ એ એવો દસ્તાવેજ છે જેમાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અને કુશાસનની ઘટનાઓનો સંગ્રહ ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આવનારી ચૂંટણી પહેલા તેને જાહેર કરીને મમતા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

TCSથી માંડીને એમેઝોન સુધીઃ AIને કારણે એક લાખથી વધુ કર્મચારીઓની છટણી

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માર્કેટમાં મોટા ફેરફારો લાવી રહ્યું છે, અને ગયા વર્ષની મુશ્કેલીઓ બાદ દુનિયાભરની ટેક કંપનીઓમાં છટણી ચાલુ રહી છે. અત્યાર સુધીમાં 1,00,000થી વધુ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. આ નોકરીઓમાં મોટાભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંબંધિત કામો સામેલ હતા, કારણ કે કંપનીઓ મોંઘવારી અને ટેરિફના કારણે વધતા ખર્ચ વચ્ચે ખર્ચ ઘટાડવાના રસ્તા શોધી રહી છે, આવા સમયમાં ઓછા કર્મચારીઓ રાખીને AI પર વધુ નિર્ભર થવું કંપનીઓ માટે ટૂંકા ગાળાનો આકર્ષક ઉકેલ બની રહ્યો છે.

છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં છટણીની ગતિ થોડી ધીમી પડી છે, છતાં તેનો અસરકારક પ્રભાવ હજી પણ મોટો છે. અહેવાલ  અનુસાર 551 ટેક કંપનીઓમાંથી આશરે 1,22,549 ટેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. સૌથી મોટી છટણીઓમાં TCS, સેલ્સફોર્સ, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ સામેલ છે, જેમાં કુલ મળીને સેંકડો કર્મચારીઓ પ્રભાવિત થયા છે. કંપનીઓનું કહેવું છે કે વધતા ખર્ચ અને બદલાતા બિઝનેસ મોડલને કારણે તેઓ AIનો વધુ ઉપયોગ કરી રહી છે, જેને કારણે માનવીય કર્મચારીઓની જરૂરિયાત ઘટી રહી છે.

AIને કારણે કઈ કંપનીઓએ નોકરીઓ ઘટાડી?

આ વર્ષે અનેક મોટી ટેક કંપનીઓએ મોટા પાયે છટણીની જાહેરાત કરી છે, જેમાં

એમેઝોન

ઈ-કોમર્સ દિગ્ગજ કંપનીએ ઓક્ટોબરમાં સૌથી મોટી છટણી જાહેર કરી હતી, જેમાં 14,000 કોર્પોરેટ નોકરીઓ ખતમ કરવામાં આવી. કંપની AI સહિતના મોટા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

માઇક્રોસોફ્ટ

અમેરિકાની ટેક કંપનીએ 2025 સુધીમાં કુલ 15,000 નોકરીઓ ઘટાડીને રિક્ન્સ્ટ્ક્ચરિંગ કર્યું હતું. જુલાઈમાં જાહેર થયેલી તાજેતરની યોજના હેઠળ 9000 કર્મચારીઓ અસરગ્રસ્ત થયા.

 TCS

દેશની સૌથી મોટી IT કંપનીએ પોતાના વર્કફોર્સમાં 2 ટકા ઘટાડો (લગભગ 12,000 નોકરીઓ) કરવાની જાહેરાત કરી. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય સીધો AI રિપ્લેસમેન્ટ નહીં, પરંતુ સ્કિલ ગેપ અને બદલાતા બિઝનેસ મોડલને કારણે લેવાયો છે.

શાંતિ એશિયાટિક સ્કૂલ, ખાતે ‘બેગ ફ્રી ડે’ની ઉજવણી

અમદાવાદ: શેલા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા તાજેતરમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘બેગ ફ્રી ડે’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકોના ભાર વગરના આ દિવસે શાળાનું વાતાવરણ અત્યંત ઉત્સાહવર્ધક અને આનંદમય જોવા મળ્યું હતું. આ ખાસ દિવસે વિદ્યાર્થીઓએ માત્ર મનોરંજન જ નહોતું કર્યું, પરંતુ ડાન્સ ટીચર્સ પાસેથી ડાન્સના નવા અને શાનદાર સ્ટેપ્સ પણ શીખ્યા હતા. શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર, વિદ્યાર્થીઓએ પોતાની કળા પ્રદર્શિત કરવા માટે ‘ઇન્ટર હાઉસ ફ્રેન્ડલી ડાન્સ કોમ્પિટિશન’ માં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડી, તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો હતો. સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ ફન, ફ્રેન્ડ્સ અને ડાન્સ એક્ટિવિટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. શાંતિ એશિયાટિક સ્કૂલનો આ પ્રયાસ વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક વિકાસ માટે અત્યંત પ્રશંસનીય રહ્યો હતો.

ઇરાન યુદ્ધથી અત્યાર સુધી અમેરિકાને રૂ. 27,000 કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ ઈરાન સાથેની જંગમાં ભલે ડોનાલ્ડ ટ્રમ્પ જીતનો દાવો કરી રહ્યા હોય, પરંતુ આ યુદ્ધ અમેરિકાને ભારે મોંઘું પડી રહ્યું છે. ખાસ વાત એ છે કે હાલમાં જંગ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી, તેથી આવનારા સમયમાં અમેરિકાનું નુકસાન વધુ વધી શકે છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા હુમલાઓ બાદ અમેરિકી સેનાને માત્ર સૈન્ય સાધનોમાં જ નહીં, પરંતુ ઓપરેશનલ ક્ષમતામાં પણ મોટું નુકસાન થયું છે. અત્યાર સુધી અંદાજે 2.9 અબજ ડોલર જેટલી અમેરિકી સૈન્ય સંપત્તિ નષ્ટ અથવા નુકસાનગ્રસ્ત થઈ ચૂકી છે, જે લગભગ રૂ. 27 હજાર કરોડ જેટલી થાય છે. આ રિપોર્ટ પેન્ટાગોનની ભૂતપૂર્વ અધિકારીના દાવા પર આધારિત છે.

 કેટલું થયું નુકસાન

આ યુદ્ધમાં અમેરિકાની એર પાવરને સીધું નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધી લગભગ 16 સૈન્ય વિમાનો નષ્ટ થયા હોવાની માહિતી છે, જેમાં આધુનિક ફાઇટર જેટ્સ જેમ કે F-35 અને F-16 પણ સામેલ છે. આ ઉપરાંત KC-135 સ્ટ્રેટોટૅન્કર વિમાનના ક્રેશમાં 6 અમેરિકન સૈનિકોનાં મોત થયાં હતાં,એમ અહેવાલ કહે છે.

રસપ્રદ વાત એ છે કે તમામ નુકસાન દુશ્મનના હુમલાથી થયું નથી. કુવૈતમાં “ફ્રેન્ડલી ફાયર” ઘટનામાં ભૂલથી 3 F-15E જેટ્સને નીચે પાડી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નજર રાખવા અને ચોક્કસ હુમલા માટે મહત્વપૂર્ણ ગણાતા લગભગ એક ડઝન MQ-9 રીપર ડ્રોન પણ નષ્ટ થઈ ચૂક્યાં છે.સમુદ્રમાં પણ પરિસ્થિતિ સરળ રહી નથી. અમેરિકી નૌસેનાનું આધુનિક એરક્રાફ્ટ કેરિયર એક ઓપરેશનલ ઘટનામાં નુકસાનગ્રસ્ત થયું હતું. જોકે આ દુશ્મનના હુમલાનું પરિણામ નહોતું, પરંતુ સતત યુદ્ધ કામગીરી દરમિયાન જોખમ વધે છે તે સ્પષ્ટ થાય છે.

 એર ડિફેન્સ સિસ્ટમ પર નિશાન

ઈરાને માત્ર વિમાનોને જ નહીં, પરંતુ અમેરિકાના ડિફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવ્યાં છે. જોર્ડનમાં થાડ સિસ્ટમ સાથે જોડાયેલા AN/TPY-2 રડાર પર હુમલો થયો હતો, જ્યારે કતાર, યુએઈ, બહરીન, કુવૈત અને સાઉદી અરેબિયામાં પણ રડાર અને કોમ્યુનિકેશન સિસ્ટમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. કતારના અલ ઉદૈદ એર બેઝ પર આવેલા AN/FPS-132 રડારને થયેલું નુકસાન ખાસ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે તે એક સાથે અનેક ખતરાઓને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે.

વડા પ્રધાન મોદીએ કર્યું નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન

નોઇડાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઝેવર ખાતે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામ મોહન નાયડૂ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી અને સમાજવાદી પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું.

આજે આખું વિશ્વ ચિંતિત છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને કારણે ઘણા દેશોમાં ખાદ્ય પદાર્થો, પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી જરૂરી ચીજવસ્તુઓની અછત ઊભી થઈ છે. દરેક દેશ આ સંકટનો સામનો કરવાની કોશિશ કરી રહ્યો છે અને આપણું ભારત પણ સંપૂર્ણ શક્તિ સાથે તેનો સામનો કરી રહ્યું છે. દેશવાસીઓની શક્તિના વિશ્વાસ પર આગળ વધી રહ્યું છે. ભારત મોટા પ્રમાણમાં કાચું તેલ અને ગેસ યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાંથી આયાત કરે છે. તેથી સરકાર એવાં તમામ પગલાં લઈ રહી છે કે જેથી સામાન્ય પરિવારો અને અમારા ખેડૂત ભાઈ-બહેનો પર ભાર ન પડે. સંકટના સમયમાં પણ ભારતે પોતાની ઝડપી વિકાસયાત્રા સતત ચાલુ રાખી છે.

સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે પહેલાં સપા સરકારે નોઇડાને પોતાની લૂંટનું ATM બનાવી દીધું હતું. પરંતુ આજે ભાજપ સરકારમાં એ જ નોઇડા ઉત્તર પ્રદેશના વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. પહેલા અંધશ્રદ્ધાને કારણે નોઇડાને અવગણવામાં આવતું હતું અને સત્તા ગુમાવવાના ડરથી અગાઉના શાસકો અહીં આવતાં પણ ડરતા હતા. મને યાદ છે કે જ્યારે અહીં સપા સરકાર હતી અને મેં નોઇડા આવવાનો કાર્યક્રમ બનાવ્યો, ત્યારે મુખ્ય મંત્રી એટલા ડરી ગયા હતા કે કાર્યક્રમમાં આવ્યા જ નહોતા.

મને પણ ડરાવવાનો પ્રયાસ થયો હતો — કહેવામાં આવ્યું કે ‘મોદીજી, નોઇડા ન જશો, તમે હમણાં જ પ્રધાનમંત્રી બન્યા છો.’ ત્યારે મેં કહ્યું હતું કે હું એ ધરતીના આશીર્વાદ લેવા જઈ રહ્યો છું, જે મને લાંબા સમય સુધી સેવા કરવાની તક આપશે. આજે એ જ વિસ્તાર સમગ્ર વિશ્વનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ વિસ્તાર આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવી રહ્યો છે.