ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સૂર્યદેવ પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દર વર્ષે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે.
લોકો એસી કે કુલર વગર એક ક્ષણ પણ રહી શકતા નથી, ત્યારે વિશ્વમાં એવા કેટલાક દેશો છે જ્યાં ગરમી માત્ર એક ઋતુ નથી, પણ અસ્તિત્વની લડાઈ બની જાય છે.
અલબત્ત ગરમીના માપદંડ બે રીતે જોવામાં આવે છે. પ્રથમ તો એવા દેશો જ્યાં આખું વર્ષ સરેરાશ ગરમી રહે છે અને બીજા એવા દેશો જ્યાં ઉનાળામાં પારો અસહ્ય ઊંચાઈએ પહોંચી જાય છે.
ત્યારે જાણીએ વિશ્વના એવા દેશો વિશે જે સૌથી વધુ તપે છે.

કુવૈત

પર્શિયન ગલ્ફના કિનારે આવેલો આ નાનકડો આરબ દેશ ઉનાળામાં પૃથ્વી પરની સૌથી ગરમ જગ્યાઓમાંથી એક બની જાય છે. કુવૈતમાં મે મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ગરમીનો કહેર વર્તાય છે. અહીંનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહે છે અને અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયેલું છે. કુવૈતનો સૌથી ગરમ પ્રદેશ મિત્રિબાહ છે. અહીં ઉનાળામાં પારો એટલો ઊંચો જાય છે કે પક્ષીઓ પણ આકાશમાંથી નીચે પડી જાય એવી ગરમી અનુભવાય છે. અહીંના રસ્તાઓ અને સ્થાપત્યો આ ભયાનક ગરમીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યા છે.
ઈરાક

સાઉદી અરેબિયાની ઉત્તરે મધ્ય પૂર્વમાં આવેલો ઈરાક દેશ પણ પોતાની ભઠ્ઠી જેવી ગરમી માટે જાણીતો છે. અહીં જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ગરમીનું જોર સૌથી વધુ હોય છે. ઈરાકના દક્ષિણ ભાગમાં આવેલું બાસરા શહેર દેશનો સૌથી ગરમ પ્રદેશ છે, જ્યાં તાપમાન 53.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યું છે. ગરમી એટલી અસહ્ય હોય છે કે સરકાર ઘણીવાર જાહેર રજાઓ જાહેર કરવાની ફરજ પાડે છે. અહીંની સૂકી ગરમી અને ધૂળની ડમરીઓ જનજીવન માટે મોટો પડકાર છે.
પાકિસ્તાન

ભારતની પશ્ચિમે દક્ષિણ એશિયામાં આવેલો પાડોશી દેશ પાકિસ્તાન ગરમીના મામલે વિશ્વના અગ્રેસર દેશોમાંનો એક છે. અહીં એપ્રિલના અંતથી જુલાઈ મહિના સુધી ગરમીનું પ્રચંડ મોજું જોવા મળે છે. પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંતમાં તાપમાન અસહ્ય બની જાય છે, જ્યાં મહત્તમ તાપમાન 53.7 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયેલું છે. પાકિસ્તાનનો સૌથી ગરમ પ્રદેશ સિંધ છે અને ત્યાંનું જેકોબાબાદ શહેર વિશ્વના સૌથી ગરમ માનવ વસવાટ ધરાવતા સ્થળોમાંનું એક ગણાય છે.
સાઉદી અરેબિયા

મધ્ય પૂર્વના અરેબિયન દ્વીપકલ્પ પર આવેલો સાઉદી અરેબિયા રણ પ્રદેશ હોવાથી અહીં ઉનાળો અત્યંત લાંબો અને ભયાનક હોય છે. અહીં મે મહિનાથી સપ્ટેમ્બર સુધી સૂર્યનો પ્રકોપ સૌથી વધુ હોય છે. રણની રેતી તપવાને કારણે અહીં તાપમાન 52.2 ડિગ્રી સેલ્સિયસ ને પાર કરી જાય છે. સાઉદી અરેબિયાના સૌથી ગરમ વિસ્તારોમાં મક્કા અને રિયાધ જેવા શહેરોનો સમાવેશ થાય છે. અહીં વરસાદ નહિવત હોવાથી ગરમી એટલી તીવ્ર હોય છે કે એનાથી બચવા માટે લોકો મોટાભાગનું કામ રાત્રિના સમયે કરવાનું પસંદ કરે છે.
મેક્સિકો

ઉત્તર અમેરિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો મેક્સિકો દેશ પણ એના ગરમ રણ પ્રદેશો માટે જાણીતો છે. અહીં જૂનથી સપ્ટેમ્બર મહિના વચ્ચે તાપમાનનો પારો ઊંચો જાય છે. મેક્સિકોનો સૌથી ગરમ પ્રદેશ ઉત્તર ભાગમાં આવેલું મેક્સિકાલી છે, જ્યાં તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી જાય છે. મેક્સિકાલી ચારે બાજુથી પહાડો અને રણથી ઘેરાયેલું હોવાથી ગરમ હવા ત્યાં કેદ થઈ જાય છે, જેના કારણે આ શહેર એક જીવંત ઓવન જેવું બની જાય છે.
ભારત

દક્ષિણ એશિયામાં આવેલો ભારત દેશ પોતાની ભૌગોલિક વિવિધતા માટે જાણીતો છે, પરંતુ અહીંનો ઉનાળો અત્યંત આકરો હોય છે. ભારતમાં મુખ્યત્વે માર્ચની શરૂઆતથી અને ઘણીવાર ફેબ્રુઆરી અંતથી જૂન મહિના સુધી સખત ગરમી પડે છે, જેમાં મે અને જૂન મહિનામાં ગરમીનો પ્રકોપ એની ચરમસીમાએ હોય છે. ભારતમાં ઉનાળા દરમિયાન તાપમાન સામાન્ય રીતે 40થી 45 ડિગ્રી સેલ્સિયસ રહે છે, પરંતુ રાજસ્થાન જેવા રાજ્યોમાં એ 50થી 51 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ભારતનો સૌથી ગરમ પ્રદેશ રાજસ્થાન છે, જેમાં ફલોદી અને બિકાનેર જેવા શહેરોમાં રેકોર્ડબ્રેક ગરમી નોંધાય છે.
ઓસ્ટ્રેલિયા

દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે જ્યાં ભારતમાં શિયાળો હોય ત્યારે ત્યાં કાળઝાળ ઉનાળો હોય છે. અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન પ્રચંડ ગરમી પડે છે. ઓસ્ટ્રેલિયાનો મધ્ય અને પશ્ચિમ ભાગ, જેને ‘આઉટબેક’ કહેવામાં આવે છે, એ સૌથી વધુ ગરમ છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઓનસ્લો વિસ્તારમાં તાપમાન 50.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યું છે. અહીંની તીવ્ર ગરમીના કારણે જંગલોમાં લાગતી આગ એક મોટી પર્યાવરણીય સમસ્યા બની જાય છે.
| વર્ષભર ભઠ્ઠીની જેમ તપતા આફ્રિકન દેશો
વિશ્વના મોટાભાગના દેશોમાં ઋતુચક્ર મુજબ ઠંડી-ગરમીનો અનુભવ થાય છે, પરંતુ પશ્ચિમ આફ્રિકાના બુર્કિના ફાસો અને માલી જેવા દેશોમાં આખું વર્ષ સૂર્યનો પ્રતાપ જળવાઈ રહે છે. અહીં શિયાળામાં પણ કકડતી ઠંડી પડતી નથી અને સરેરાશ વાર્ષિક તાપમાન 29થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. સહરાના રણની નજીક હોવાથી અહીં ‘હરમેટન’ જેવા અતિશય ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે, જે આ પ્રદેશને સતત તપતો રાખે છે. વરસાદની અછત અને વધતા રણ વિસ્તારને કારણે અહીં ઉનાળામાં તાપમાન 45 થી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ અસહ્ય ગરમી સામે ટકી રહેવા અહીંના લોકો ખાસ માટીના ઘરો અને સુતરાઉ વસ્ત્રોનો ઉપયોગ કરે છે. ખેતી અને પાણી માટે સતત સંઘર્ષ કરતા આ દેશો વિશ્વના નકશા પર ‘સતત તપતા પ્રદેશો’ તરીકે ઓળખાય છે. |
હેતલ રાવ





