વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસના વીડિયો અને તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, પરંતુ હવે આ મામલે ભારતમાં મોટો રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ભારતની જાણીતી ‘મેલોડી’ ટૉફી ગિફ્ટ કરી હતી, જેનો વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, દેશમાં એક તરફ આર્થિક તોફાન આવવાનું છે અને બીજી તરફ વડાપ્રધાન વિદેશમાં જઈને ટૉફીઓ વહેંચી રહ્યા છે.
आर्थिक तूफान सिर पर है और प्रधानमंत्री इटली में टॉफी बांट रहे हैं pic.twitter.com/sJfthd5jru
— Congress (@INCIndia) May 20, 2026
‘જનતા પરેશાન અને સરકાર રીલ્સ બનાવવામાં વ્યસ્ત’
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને પીએમ મોદીની આ મુલાકાત પર તીખો હુમલો કર્યો છે. રાહુલે લખ્યું કે, “આજે દેશના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકાર દેશના વાસ્તવિક અને ગંભીર મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે વિદેશોમાં જઈને ટૉફીઓ વહેંચવા અને રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે.
देश संकट में है और हिंदुस्तान के प्रधानमंत्री मेलोनी के साथ ‘मेलोडी’ टॉफी खा रहे हैं। pic.twitter.com/1pLKk8Xu0C
— Congress (@INCIndia) May 20, 2026
રાયબરેલીની સભામાં પીએમ મોદીના બેવડા ધોરણો પર ઉઠાવ્યા સવાલ
પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં ‘બહુજન સ્વાભિમાન સભા’ને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદીની તાજેતરની અપીલનો ઉલ્લેખ કરીને જનતા સામે ઘણા પ્રશ્નો મૂક્યા હતા. તેમણે કહ્યું કે, “ભારત છોડતા પહેલા અને ઇટાલીમાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળવા જતા પહેલા પીએમ મોદીએ દેશની જનતાને કહ્યું હતું કે દેશમાં આર્થિક તોફાન આવવાનું છે. તેમણે લોકોને ઓછું પેટ્રોલ વાપરવા, સોનાની ખરીદી મર્યાદિત કરવા, ઓછા પૈસા ખર્ચવા અને વિદેશ પ્રવાસ ટાળવા સલાહ આપી હતી. રાહુલે વધુમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે, જનતાને આટલી બધી શિખામણ આપ્યાના ઠીક 1 દિવસ પછી, વડાપ્રધાન ખુદ 3000 થી 4000 કરોડ રૂપિયાના આલીશાન વિમાનમાં સવાર થઈને, પોતાની ગજવામાં ટૉફીઓ ભરીને ઇટાલી ઉપડી ગયા! ત્યાં જઈને તેમણે ઇટાલીના પીએમને મેલોડી ચોકલેટ ગિફ્ટ કરી. આ દેશના લોકોની મજાક ઉડાવવા સિવાય બીજું કંઈ નથી.”
મોંઘવારી, નોટબંધી અને ઉદ્યોગપતિઓનો મુદ્દો ગાજ્યો
રાહુલ ગાંધીએ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, અત્યારે દેશમાં પેટ્રોલ અને ગેસની અછત વર્તાઈ રહી છે, મોંઘવારી આસમાને છે, નાના વ્યવસાયો ઠપ થઈ રહ્યા છે અને કારખાનાઓ બંધ થવાના આરે છે. ખેડૂતોને સમયસર ખાતર પણ મળી રહ્યું નથી, જેના કારણે આખી ઔદ્યોગિક અને કૃષિ વ્યવસ્થા હચમચી જશે. આ દરમિયાન તેમણે નોટબંધીના નિર્ણયની પણ આકરી ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે સામાન્ય જનતાના પૈસા અને સરકારી સંસ્થાઓની સંપત્તિ દેશના થોડાક જ ચુનંદા ઉદ્યોગપતિઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.




