PM મોદીએ મેલોની સાથે કરી ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસે બંને દેશોના સંબંધોને એક અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડી દીધા છે. રોમમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે યોજાયેલી એક હાઈ-પ્રોફાઈલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (Special Strategic Partnership) તરીકે અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેના સહયોગને એક તદ્દન નવી દિશા અને વેગ આપશે. આ સાથે જ પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન મેલોનીને ભારત આવવાનું ભાવભર્યું આમંત્રણ પણ આપ્યું છે.

બે પ્રાચીન સંસ્કૃતિઓનું ઐતિહાસિક મિલન

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ રોમ અને ભારતના સંબંધોને ભાવનાત્મક રીતે જોડતા કહ્યું કે, રોમ આખી દુનિયામાં ‘ઇટરનલ સિટી’ (શાશ્વત નગર) તરીકે ઓળખાય છે, તો ભારતમાં કાશી (વારાણસી)ને પણ અનાદિ અને શાશ્વત નગર માનવામાં આવે છે. જ્યારે આવી બે પ્રાચીન સભ્યતાઓ એકબીજાને મળે છે, ત્યારે તેમની વાતચીત માત્ર ઔપચારિક એજન્ડા સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ તેમાં ઇતિહાસની ઊંડાઈ, ભવિષ્યની દ્રષ્ટિ અને મિત્રતાની સહજતા પણ સ્પષ્ટપણે જોવા મળે છે. છેલ્લા લગભગ 3.5 વર્ષોમાં પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે ઘણી વખત મુલાકાતો થઈ છે, જે બંને દેશોની નિકટતા દર્શાવે છે. પીએમ મોદીએ નોંધ્યું કે મેલોનીના નેતૃત્વમાં દ્વિપક્ષીય સંબંધોને એક નવો આત્મવિશ્વાસ મળ્યો છે.

એક્શન પ્લાન 2025-2029 અને 20 Billion Euroનો લક્ષ્યાંક

બંને નેતાઓએ આગામી સમયના રોડમેપ તરીકે ‘જોઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-2029’ પર વિગતવાર ચર્ચા કરી છે. આ પ્લાન બંને દેશોની ભાગીદારીને વધુ વ્યવહારિક અને ભવિષ્યલક્ષી બનાવશે. હાલમાં ભારત અને ઇટાલી વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને બંને દેશો 20 Billion Euroના વિશાળ વ્યાપારી લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ભારતમાં 800થી વધુ ઇટાલિયન કંપનીઓ સક્રિય છે, જે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, “ઇટાલી તેના ઉત્કૃષ્ટ ડિઝાઇનિંગ અને પ્રિસિઝન માટે જાણીતું છે, જ્યારે ભારત સ્કેલ, ટેલેન્ટ અને એફોર્ડેબલ ઇનોવેશનનું પાવરહાઉસ છે. હવે બંને દેશો ‘ડિઝાઇન એન્ડ ડેવલપ ઇન ઇન્ડિયા એન્ડ ઇટાલી, એન્ડ ડિલિવર ફોર ધ વર્લ્ડ’ના મંત્ર સાથે આગળ વધશે.” આ સહયોગ ફેશન, ફિનટેક, લેસર, લોજિસ્ટિક્સ, મોબિલિટી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં વ્યાપક સ્તરે જોવા મળશે. પીએમ મોદીએ ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)માં ઇટાલીના સહયોગ બદલ આભાર પણ માન્યો હતો.

ટેકનોલોજી, ડિફેન્સ અને બ્લુ ઇકોનોમી પર ફોકસ

આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને ઇનોવેશનને આ ભાગીદારીનું મુખ્ય એન્જિન ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ ટેકનોલોજી, સ્પેસ (અંતરિક્ષ) અને સિવિલ ન્યુક્લિયર એનર્જી જેવા ક્ષેત્રોમાં બંને દેશો સાથે મળીને કામ કરશે. આ માટે ‘ઇન્ડિયા-ઇટાલી ઇનોવેશન સેન્ટર’ સ્થાપવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.

સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધ્યો છે. ‘ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ રોડમેપ’ દ્વારા કો-ડેવલપમેન્ટ (સહ-વિકાસ) અને કો-પ્રોડક્શન (સહ-ઉત્પાદન)ના નવા રસ્તાઓ ખૂલ્યા છે. આ ઉપરાંત, દરિયાઈ ક્ષેત્રે કનેક્ટિવિટી વધારવા અને શિપિંગ મોર્ડનાઇઝેશન તેમજ બ્લુ ઇકોનોમી (દરિયાઈ અર્થતંત્ર) પર સાથે કામ કરવા સહમતિ સધાઈ છે. એટલું જ નહીં, બંને દેશો પોતાની પાર્ટનરશિપને આફ્રિકા ખંડના ત્રીજા દેશો સુધી લઈ જઈને ત્યાં પણ સંયુક્ત પ્રોજેક્ટ્સ શરૂ કરશે.

આતંકવાદના ફાઇનાન્સિયલ નેટવર્કને તોડવાનો આકરો સંદેશ

વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદના મુદ્દે ભારતે ઇટાલી સાથે મળીને દુનિયાને બહુ કડક સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે, આતંકવાદ એ સમગ્ર માનવતા માટે મોટો ખતરો છે. ટેરર ફાઇનાન્સિંગ (આતંકવાદીઓને મળતું આર્થિક ભંડોળ) રોકવા માટે ભારત અને ઇટાલીની સંયુક્ત પહેલ વિશ્વ માટે એક ઉદાહરણ છે. જવાબદાર લોકશાહીઓ માત્ર આતંકવાદની નિંદા નથી કરતી, પરંતુ તેના નાણાકીય નેટવર્કને મૂળમાંથી તોડવા માટે મજબૂત પગલાં પણ ભરે છે. બીજી તરફ, યુક્રેન અને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના તણાવપૂર્ણ સંકટો અંગે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ રાખતા કહ્યું કે, તમામ સમસ્યાઓનો ઉકેલ માત્ર યુદ્ધથી નહીં પરંતુ સંવાદ અને ડિપ્લોમેસી (રાજદ્વારી વાતચીત) દ્વારા જ શક્ય છે.

સાંસ્કૃતિક સંબંધો અને આગામી વર્ષે ‘ઈયર ઓફ કલ્ચર’

ભારત અને ઇટાલી વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો પણ ખૂબ જ રસપ્રદ છે. ઇટાલીમાં ભારતીય કલા, યોગ, આયુર્વેદ અને ભારતીય ભોજનનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ભાષાકીય દ્રષ્ટિએ પણ સંસ્કૃત અને લેટિન જેવી પ્રાચીન ભાષાઓ એક જ ભાષા પરિવારમાંથી આવે છે, જે બંને દેશોની સદીઓ જૂની સમાનતા દર્શાવે છે.