કોલકાતાઃ ગૃહ મંત્રી અમિત શાહે કોલકાતામાં પશ્ચિમ બંગાળની TMC સરકાર વિરુદ્ધ ‘ચાર્જશીટ’ જાહેર કરી છે. કોલકાતામાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ એ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાંથી ઘૂસણખોરો ભારત દેશમાં પ્રવેશ કરી રહ્યા છે અને દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બંગાળની સરહદો મારફતે થતી ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતા છે.
દેશની સુરક્ષા બંગાળ ચૂંટણીનાં પરિણામો સાથે અતૂટ રીતે જોડાયેલી છે. હવે માત્ર એક જ માર્ગ બચ્યો છે જ્યાંથી ઘૂસણખોરો દેશમાં પ્રવેશ કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેથી બંગાળની ચૂંટણી અનેક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. ભાજપે તૃણમૂલ કોંગ્રેસના શાસન વિરુદ્ધ જનતાની ફરિયાદોને અવાજ આપવાનો સંકલ્પ કર્યો છે. આજનો કાર્યક્રમ TMC સરકારના પંદર વર્ષના શાસન સામે અમારી ‘ચાર્જશીટ’ રજૂ કરવાનો છે. બંગાળને દેશભરમાં ચાલી રહેલા વિકાસની ઝડપ સાથે આગળ વધવું પડશે- વિશ્વાસ અને ભયમુક્ત વાતાવરણ તરફની યાત્રા તરીકે. આ ચૂંટણી નિર્ણાયક સાબિત થશે એમ તેમણે કહ્યું હતું.
બંગાળની જનતાના શોષણની કહાની
શાહે આગળ કહ્યું હતું કે આ ચાર્જશીટ છેલ્લાં પંદર વર્ષમાં TMC દ્વારા કરવામાં આવેલા કથિત કાળાં કારનામાઓનો સંગ્રહ છે. તેમના અનુસાર ‘સોનાર બાંગ્લા’ના વચન પાછળ ‘સિન્ડિકેટ રાજ’ સ્થાપિત કરવામાં આવ્યું અને રાજ્યની જનતાનું શોષણ થયું. ઉપરથી નીચે સુધી સફેદપોશ ગુનેગારો દ્વારા જનતાને પરેશાન કરવામાં આવી રહી છે.
Kolkata, West Bengal: Union Home Minister Amit Shah says, “In today’s press conference, our chargesheet focuses on issues against the 15 years of governance by the Trinamool Congress government. While the Trinamool Congress may claim that this chargesheet belong to the Bharatiya… pic.twitter.com/rhl4Ba01d1
— IANS (@ians_india) March 28, 2026
તેમણે આરોપ લગાવ્યો હતો કે બંગાળ હવે એવી જગ્યામાં ફેરવાઈ ગયું છે જ્યાં ઘૂસણખોરોને સક્રિય રીતે સંરક્ષણ આપવામાં આવે છે અને સરકારનું મુખ્ય લક્ષ્ય રાજકીય તુષ્ટિકરણ બની ગયું છે. લાંબા સમય સુધી કોમ્યુનિસ્ટ શાસન બાદ જનતાએ ‘સોનાર બાંગલા’ના સપના સાથે બદલાવ માટે મત આપ્યો હતો, પરંતુ હવે કેટલાક લોકો કહે છે કે કોમ્યુનિસ્ટ શાસન વધુ સારું હતું.
‘ચાર્જશીટ’ શું છે?
‘ચાર્જશીટ’ એ એવો દસ્તાવેજ છે જેમાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અને કુશાસનની ઘટનાઓનો સંગ્રહ ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આવનારી ચૂંટણી પહેલા તેને જાહેર કરીને મમતા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




