અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ સિરીઝ એક્સપાયરીએ બજારમાં વેચવાલી ફરી વળી હતી. નિફ્ટીમાં કોવિડ પછી સૌથી મન્થલી ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ખાનગી બેન્કો PSU બેન્ક શેરો એક ટકાથી બે ટકા સુધી ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ, સ્મોલકેપ શેરોમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોના રૂ. 10 લાખ કરોડ સ્વાહા થયા હતા. લગભગ તમામ સેક્ટરમાં દબાણ જોવા મળ્યું હતું.
BSE સેન્સેક્સ 1,635.67 પોઇન્ટ તૂટીને 71,947.55 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 488.20 પોઇન્ટ તૂટીને 22,331.40 પર બંધ થયો હતો. બજારમાં વેચવાલી એટલી તેજ હતી કે સેન્સેક્સના મોટા ભાગના શેર નરમ બંધ થયા હતા.
બેન્કિંગ સેક્ટર પર સૌથી વધુ અસર
બેન્કિંગ શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું. RBI દ્વારા ફોરેક્સ નિયમો કડક બનાવ્યા બાદ HDFC બેંક, ICICI બેંક, SBI અને એક્સિસ બેંક* જેવા મોટા બેન્કોના શેર લગભગ 5 ટકા સુધી તૂટ્યા હતા. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 1999 અંક ઘટીને 50,275 પર બંધ થયો હતો
રૂપિયાનો નવો રેકોર્ડ નીચો સ્તર
ડોલર સામે રૂપિયા 95નો સ્તર પાર કરીને 95.22 સુધી પહોંચ્યો, જે અત્યાર સુધીનું સૌથી નબળું સ્તર છે. એ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો ચાલુ રહ્યો. બ્રેન્ટ ક્રૂડ $ 115 પ્રતિ બેરલથી ઉપર પહોંચતાં HPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં લગભગ 2 ટકા ઘટાડો નોંધાયો હતો.
અમેરિકા-ઇરાન યુદ્ધનો પ્રભાવમિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ખોરવાઈ જવાની ભીતિને કારણે વૈશ્વિક બજારો નબળાં રહ્યાં હતાં.
વિદેશી રોકાણકારોની સતત વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) સતત ભારતીય બજારમાંથી નાણાં બહાર કાઢી રહ્યા છે, જેને કારણે બજાર પર સતત દબાણ જોવા મળી રહ્યું છે.
BSE પર કુલ 4593 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 876 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3563 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 154 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 64 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 1546 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 153 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 414 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના 10,921 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના 8,886 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળ ગુજરાતમાં ₹10,921 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નિર્માણાધીન છે. આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન ખાવડાના RE પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ 3645 કરોડ રૂપિયાના ખર્ચે) કરવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા હજારો મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું રાષ્ટ્રીય ગ્રીડ સાથે અસરકારક જોડાણ સુનિશ્ચિત કરવામાં આવશે, જેના કારણે હરિત ઊર્જાનો વ્યાપ વધશે અને ઊર્જા સુરક્ષા મજબૂત બનશે.
આ ઉપરાંત, ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (705 કરોડ રૂપિયાના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (575 કરોડ રૂપિયાના ખર્ચે) ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ 1 (1298 કરોડ રૂપિયાના ખર્ચે), પેકેજ 2 (1415 કરોડ રૂપિયાના ખર્ચે), પેકેજ 3 (1034 કરોડ રૂપિયાના ખર્ચે) અને પેકેજ 4નું (1358 કરોડ રૂપિયાના ખર્ચે) લોકાર્પણ કરવામાં આવશે. ભારત સરકારના રેલવે મંત્રાલયના 891 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વૉડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવશે. આમ, કુલ મળીને ભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ 10,921 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ 5295.5 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ 8886 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ 5295.5 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. શહેરી વિકાસ વિભાગના આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ ખાતે ખારીકટ કેનાલનો વિકાસ, અમદાવાદ મહાનગરપાલિકાની BRTS અને AMTS બસ સર્વિસનું મોડર્નાઇઝેશન, હાલના સુભાષબ્રિજને તોડી નાંખીને નવા ફોર લેન બ્રિજનું કન્સ્ટ્રક્શન, આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
ગાંધીનગર ખાતે આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અડાલજ TSPS સુધી ખુલ્લા ખોદકામ અને માઇક્રોટનલિંગ દ્વારા 1800 મીમી ગટર ટ્રંક નાખવી, પેથાપુર ખાતે 15 એમએલડી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન, રાંધેજા ખાતે 4 તળાવોનું ઇન્ટરલિંકિંગ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે, જેનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે.m
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશની ડિજિટલ સુરક્ષા મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. પહેલી એપ્રિલથી ભારતમાં ઈન્ટરનેટથી ચાલતા ચીની CCTV કેમેરાની વેચાણ પર અસરકારક રીતે પ્રતિબંધ લાગશે. સરકારનું આ પગલું વિદેશી સર્વેલન્સ ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા અને સાયબર જાસૂસીના ખતરા દૂર કરવા માટે લેવામાં આવ્યું છે.
શા માટે લગાવવામાં આવી રહ્યો છે પ્રતિબંધ?
અધિકારીઓએ સર્વેલન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધતી સુરક્ષા ખામીઓ અને આયાતી ડિવાઇસ સાથે જોડાયેલાં જોખમોને આ નિર્ણયનું મુખ્ય કારણ ગણાવ્યું છે:
ડેટા ચોરીનો ભય: ઈન્ટરનેટ સાથે જોડાયેલા કેમેરા દ્વારા અનધિકૃત રિમોટ એક્સેસ અને જાસૂસીનો ખતરો રહે છે.
હાર્ડવેર તપાસ: નવા નિયમો મુજબ કંપનીઓએ પોતાના હાર્ડવેરના ‘ઓરિજિન’ વિશે માહિતી આપવી પડશે અને કડક ‘વલ્નરેબિલિટી ટેસ્ટિંગ’માંથી પસાર થવું પડશે.
સરકારી સંસ્થાઓ: હવે સરકારી કચેરીઓ અને જાહેર માળખામાં માત્ર વિશ્વસનીય અને પ્રમાણિત ઉપકરણોનો જ ઉપયોગ કરવામાં આવશે.
કઈ કંપનીઓ પર પડશે અસર? દેશી કંપનીઓને મળશે લાભ
નવા નિયમોને કારણે ચીનની મોટી ટેક કંપનીઓ માટે ભારતીય બજાર લગભગ બંધ થઈ શકે છે. Hikvision, Dahua અને TP-Link જેવી કંપનીઓના ઈન્ટરનેટ-કનેક્ટેડ પ્રોડક્ટ્સ ત્યારે જ વેચી શકાશે જ્યારે તે ભારતનાં નવાં સુરક્ષા ધોરણો પર ખરા ઊતરશે.
આ નિર્ણયથી ભારતીય CCTV બજારમાં મોટો ફેરફાર આવવાની શક્યતા છે અને સ્થાનિક કંપનીઓને મોટો ફાયદો મળશે. CP Plus અને Qubo જેવા દેશી બ્રાન્ડ્સના માર્કેટ શેરમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોને મતે આ પગલું ભારતમાં CCTV કેમેરાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને વધુ સુરક્ષિત સપ્લાય ચેન બનાવશે.
સામાન્ય ગ્રાહકો પર શી અસર પડશે?
બજાર વિશ્લેષકોના કહેવા મુજબ આ બદલાવના કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ જોવા મળી શકે છે. ચીની કંપનીઓ બહાર થતાં સ્પર્ધા ઘટી શકે છે અને સર્ટિફિકેશન ખર્ચ વધવાથી CCTV કેમેરાની કિંમતો વધી શકે છે. ગ્રાહકોને હવે સસ્તા ચીની કેમેરાની જગ્યાએ પ્રમાણિત અને સુરક્ષિત ભારતીય વિકલ્પો પસંદ કરવા પડશે.
ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને રવિવાર (23 એપ્રિલે યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું, તેમાં મહિલાઓ માટે ઘરેલુ ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદવા અથવા બદલવા માટે રૂ. 8000ની ‘ઇલ્લૈરાસી’ કૂપન યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મહિલાઓના કલ્યાણ માટે મોટું પગલું ભરીને DMKએ માસિક આર્થિક સહાય રૂ. 1000માંથી વધારીને રૂ. 2000 કરવાની ખાતરી આપી છે. આ ઘોષણાપત્રમાં ખેડૂતોને મફત પમ્પસેટ આપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે, જેનો હેતુ કૃષિ ઉત્પાદન વધારવો અને ગ્રામિણ વિસ્તારોને સહારો આપવાનો છે.
શિક્ષણ અને યુવાનો પર ખાસ ધ્યાન
શિક્ષણ અને યુવાનોને ધ્યાનમાં રાખીને ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સ્ટાલિને જાહેરાત કરી હતી કે ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા લગભગ 35 લાખ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે. જ્યારે ‘પુધુમાઈ પેન’ અને ‘તમિલ પુધલવન’ યોજનાઓ હેઠળ દરેક વિદ્યાર્થીને રૂ. 1500ની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે DMK ફરી સત્તામાં આવશે તો શિક્ષણ, ઉદ્યોગ અને કૃષિ સહિતનાં અનેક ક્ષેત્રોમાં કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. તેમણે પાર્ટીનાં ચૂંટણી વચનોને ‘સુપરસ્ટાર’ ગણાવ્યાં હતાં.
મહિલાઓને મળશે કૂપન
DMK અધ્યક્ષે જણાવ્યું હતું કે મહિલાઓને આપવામાં આવતી કૂપનનો ઉપયોગ ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, મિક્સર, માઇક્રોવેવ ઓવન અને ઇન્ડક્શન સ્ટોવ જેવાં ઘરેલુ ઉપકરણો ખરીદવા અથવા બદલવા માટે કરી શકાશે.
તેમણે કહ્યું હતું કે “નવી ‘ઇલ્લૈરાસી’ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના હેઠળ આવકવેરા હેઠળ ન આવતી પરિવારોની મહિલાઓને તેમના નિવાસસ્થાન નજીકની દુકાનોમાંથી ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવા માટે રૂ. 8000ની એક કૂપન આપવામાં આવશે.
તમિળ ભાષામાં ‘ઇલ્લૈરાસી’નો શાબ્દિક અર્થ ‘ઘરની રાણી’ થાય છે. સ્ટાલિને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 23 એપ્રિલની ચૂંટણીમાં પાર્ટીનું ગઠબંધન 234માંથી 200થી વધુ બેઠકો જીતશે.
વિપક્ષે ઉઠાવ્યા સવાલ
AIADMKના મહાસચિવ ઇ. કે. પલાનિસ્વામીએ DMKના ચૂંટણી વચનો પર કડક પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે મહિલાઓને રૂ. 8000નું કૂપન આપવાનો હેતુ ‘કમિશન’ મેળવવાનો છે.
નવી દિલ્હીઃ ઈરાન યુદ્ધને કારણે દેશના ઓઇલ અને ગેસ સપ્લાય પર ગંભીર અસર પડી છે, ત્યારે ONGCના દમણ અપસાઈડ પ્રોજેક્ટમાંથી ગેસ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. સરકારી તેલ કંપની ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)એ અરબી સમુદ્રમાં આવેલા પોતાના ‘દમણ અપસાઈડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ (DUDP)માંથી સફળતાપૂર્વક ગેસ ઉત્પાદન શરૂ કર્યું છે.
મુંબઈથી લગભગ 180 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલા આ પ્રોજેક્ટ ONGCએ ‘મિશન મોડ’માં પૂર્ણ કર્યો છે. લગભગ એક અબજ ડોલર (અંદાજે રૂ. 8300 કરોડ)ના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ ટેન્ડર મળ્યા બાદ માત્ર બે વર્ષમાં કાર્યરત કરી દેવામાં આવ્યો છે. 29 માર્ચ, 2026એ પ્લેટફોર્મ B-12-24P પરથી ગેસનો પ્રવાહ શરૂ થયો, જેને સીધો ગુજરાતના હજીરા પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવ્યો છે.ઈરાન સંકટ વચ્ચે કેમ મહત્વપૂર્ણ છે આ પ્રોજેક્ટ?
ઈરાન પર અમેરિકી હુમલા બાદ તહેરાને હોર્મુઝ અને બાબ અલ-મંદેબ જેવા મહત્વપૂર્ણ સમુદ્રી ઓઇલ માર્ગોને બ્લોક કરવાની ધમકી આપી છે. ભારત પોતાની જરૂરિયાતની 50 ટકાથી વધુ નેચરલ ગેસ આયાત કરે છે. આવી સ્થિતિમાં દેશના અંદર ગેસ ઉત્પાદન વધવું ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.
ઘરેલુ ઉત્પાદન વધવાથી
* આયાત પર નિર્ભરતા ઘટશે
* વિદેશી ચલણની બચત થશે
* વૈશ્વિક સંકટ સમયે ઊર્જા સપ્લાય સ્થિર રહેશે
કેમ ખાસ છે આ સિદ્ધિ?
ભારતની ઘરેલુ ગેસ ઉત્પાદન ક્ષમતા વધશે.
આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
ઊર્જા સપ્લાય વધુ સુરક્ષિત અને સ્થિર બનશે.
વૈશ્વિક સપ્લાય શોકથી બચાવ થશે.
‘ડ્રિલ-ડેક’ ટેકનોલોજીની કમાલ
ONGCએ આ પ્રોજેક્ટમાં આધુનિક ‘ડ્રિલ-ડેક’ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ડ્રિલિંગ અને પ્રોડક્શન ટીમ વચ્ચેના સારા સમન્વયને કારણે ઓછા સમયમાં ગેસ ઉત્પાદન શક્ય બન્યું. આવનારા સમયમાં તમામ કૂવાઓમાંથી તબક્કાવાર ગેસ ઉત્પાદન વધારવામાં આવશે.
આ ગેસથી સામાન્ય લોકો અને ઉદ્યોગોને સીધો લાભ મળશે:
* ખાતર (ફર્ટિલાઈઝર) પ્લાન્ટની ઉત્પાદન કિંમત ઘટશે
* ઘરગથ્થુ અને વાહન માટે CNG/PNG સપ્લાય વધુ સ્થિર બનશે
શું હવે LPG સંકટ દૂર થશે?
હજીરા પ્લાન્ટ ભારતના સૌથી મહત્વપૂર્ણ ગેસ ટર્મિનલોમાંનો એક છે. અહીંથી ગેસ HBJ (હજીરા-વિજયપુર-જગદીશપુર) પાઈપલાઇનમાં મોકલવામાં આવે છે, જે ઉત્તર ભારતના ખાતર કારખાનાઓ અને વીજ ઉત્પાદન પ્લાન્ટોને ઈંધણ પૂરું પાડે છે.
હજીરા પરથી મળતી ગેસ દેશની ખાદ્ય સુરક્ષા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે અનેક યુરિયા કારખાનાઓ આ ગેસ પર નિર્ભર છે. ઉપરાંત, ગેસ આધારિત ઘણા વીજ પ્લાન્ટોને પણ અહીંથી ઈંધણ મળે છે.
નવી દિલ્હીઃ તમામ પડકારો વચ્ચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ફરી એક વાર સત્તા મેળવવા માટે પ્રયત્નશીલ છે. ચૂંટણીપ્રચાર દરમિયાન પાર્ટી પોતાના કાર્ય પ્રદર્શનના આધાર પર સત્તામાં વાપસીનો દાવો કરી રહી છે, પરંતુ ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસ તથા હુમાયુ કબીર–AIMIM ગઠબંધનના પ્રવેશથી TMCને મત નુકસાનની ચિંતા સતાવી રહી છે.
રાજકીય જાણકારોના મતે હાલ પણ TMCનો પક્ષ મજબૂત રહેવાની શક્યતા છે. કારણ કે ભાજપ સિવાય અન્ય તમામ પક્ષો અથવા ગઠબંધનોના ઉમેદવારો ચૂંટણીમાં ઊતરવાથી તૃણમૂલ કોંગ્રેસને મતનું નુકસાન તો થઈ શકે, પરંતુ તેનો ભાજપને ખાસ ફાયદો મળશે તેવી સંભાવના ઓછી માનવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલે મતદાન થશે. TMCનો મુખ્ય મુકાબલો ભાજપ સાથે છે. બંને પક્ષોએ તમામ વર્ગોને પોતાના પક્ષે આકર્ષવા માટે કોઈ કસર છોડી નથી. કોંગ્રેસે તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ રાજકીય સમીકરણોમાં વધુ ફેરફાર થવાની અટકળો ચાલી રહી છે.
કોંગ્રેસ અને AIMIM–હુમાયુ કબીર ગઠબંધનને કેટલીક બેઠકો પર મતલાભ મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસ બેરોજગારી, મોંઘવારી અને વિકાસ જેવા મુદ્દાઓના આધાર પર ચૂંટણી મેદાનમાં ઊતરી રહી છે, જેને પશ્ચિમ બંગાળમાં પાર્ટીની હાજરી દર્શાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
રાજકીય વિશ્લેષક પી. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ભાજપે મમતા બેનર્જી સરકારના 15 વર્ષના શાસન વિરુદ્ધ જે ‘ચાર્જશીટ’ જાહેર કરી છે, તેમાં ઘૂસણખોરી, મહિલાઓની સુરક્ષા અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેનો મોટો પ્રભાવ પડશે તેવી શક્યતા ઓછી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના મતદાતાઓ ધ્રુવીકરણ અને ઘૃણાભર્યાં ભાષણોને ખાસ મહત્વ આપતા નથી, તેથી તેઓ અન્ય પક્ષોની તરફેણ કરી શકે છે.
તૃણમૂલ કોંગ્રેસે છેલ્લા સમયમાં પોતાના વિરુદ્ધ ઊભી થયેલી સત્તા વિરોધી લહેરને ઘટાડવા માટે પોતાના અગાઉનાં કામો અને પ્રચાર દ્વારા મતદાતાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને પરિણામે સત્તાવિરોધી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થતી દેખાઈ રહી છે. જોકે હુમાયુ કબીર અને કોંગ્રેસના ચૂંટણીમાં ઊતરવાથી તૃણમૂલ કોંગ્રેસને મતનું નુકસાન થવાની શક્યતા છે.
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન મુદ્દે તેમની સરકારના ટોચના સહયોગીઓ વચ્ચે મતભેદ છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમની સરકારનાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને રોકવાના મામલે તેમના કરતાં “થોડાં નરમ” છે. ટ્રમ્પે એ પણ સૂચવ્યું હતું કે તહેરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે કોઈ સમજૂતી જલદી થઈ શકે છે. જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે શું તેમને તુલસી ગબાર્ડ પર વિશ્વાસ છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, “હા, બિલકુલ.”
ટ્રમ્પે આ વાત એર ફોર્સ વન વિમાનમાં કરી હતી, જ્યારે તેઓ ફ્લોરિડામાં આવેલા તેમના માર-એ-લાગો નિવાસસ્થાને વીકએન્ડ પસાર કરીને વોશિંગ્ટન પરત ફરી રહ્યા હતા. ગબાર્ડ વિશે તેમણે કહ્યું હતું કે તેમની વિચારધારા મારા કરતાં થોડા અલગ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ સેવા આપવા યોગ્ય નથી. હું આ બાબતે ખૂબ કડક છું કે હું ઈચ્છતો નથી કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય, કારણ કે જો તેમની પાસે પરમાણુ હથિયાર હશે તો તેઓ તેનો તરત ઉપયોગ કરશે. મને લાગે છે કે આ મુદ્દે તેઓ કદાચ થોડા નરમ છે, પરંતુ તે ઠીક છે.
ઈરાન પરમાણુ હથિયાર બનાવવા નજીક હતું કે નહીં?
ટ્રમ્પની સરકારે ઈરાનના પરમાણુ કાર્યક્રમની સ્થિતિ અંગે અલગ-અલગ અને પરસ્પર વિરોધાભાસી દાવા કર્યા છે. યુદ્ધ શરૂ થવા પહેલાં, સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવા માટે માત્ર થોડાં સપ્તાહ દૂર હતું. જોકે કેટલાક અન્ય અધિકારીઓ — જેમાં પોતે રાષ્ટ્રપતિ પણ સામેલ છે — એ કહ્યું હતું કે ગયા વર્ષે ઉનાળામાં થયેલા અમેરિકા-ઇઝરાયેલ અભિયાનમાં ઈરાનના હથિયાર કાર્યક્રમને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ, ઈરાન સતત દાવો કરતું રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટે છે.
માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે વૈશ્વિક સપ્લાય ચેઈનને છિન્નભિન્ન કરી દીધી છે. ખાડી દેશોમાંથી આવતા તેલના ટેન્કરો પર થતા હુમલાઓને કારણે અનેક દેશોએ શ્રીલંકાને તેલ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ગંભીર સ્થિતિમાં 24 માર્ચ 2026ના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ ભારતે ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ તાત્કાલિક મદદ મોકલવાનો નિર્ણય કર્યો હતો. 28 માર્ચના રોજ ભારતથી મોકલેલો 38,000 મેટ્રિક ટન તેલનો જથ્થો કોલંબોના કિનારે પહોંચતા શ્રીલંકાએ રાહતનો શ્વાસ લીધો છે.
A fuel tanker carrying 20,000 MT of diesel and 18,000 MT of petrol will arrive in Colombo March (28) following discussions between President Anura Kumara Dissanayake and Indian Prime Minister Narendra Modi, highlighting India’s timely support for Sri Lanka’s energy security.… pic.twitter.com/rjN2LpMrj2
શ્રીલંકામાં ઉર્જા સંકટ એટલું ઘેરું બન્યું છે કે સરકારે વીજળી અને ઈંધણ બચાવવા માટે કડક પગલાં ભરવા પડ્યા છે. દેશમાં અત્યારે 4 દિવસનું વર્કિંગ વીક અમલી બનાવવામાં આવ્યું છે, જેના કારણે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. અનેક આઈટી કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. વીજળીના વપરાશમાં 25% ઘટાડો કરવા માટે સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવામાં આવી છે અને સરકારી અધિકારીઓને એસી (AC) ના બદલે ટેબલ ફેન વાપરવાની સૂચના અપાઈ છે. ઈલેક્ટ્રિક વાહન માલિકોને પણ રાત્રે ચાર્જિંગ ન કરવા અને સોલાર ઉર્જાનો ઉપયોગ કરવા જણાવાયું છે.