સુરત: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા છેલ્લા ૪૫ વર્ષથી વિશ્વભરમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને માનવ મૂલ્યોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વના દરેક ખૂણામાં ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ ત્યારે આ દિવસે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુજરાતની ચાર વંદે ભારત ટ્રેનમાં યોગ સત્ર થયા હતા.

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે લાજપોર જેલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અનેક શાળાઓ અને કોલેજો, હેલ્થ સેન્ટર્સ, હોમગાર્ડ યુનિટ્સ, બહુમાળી, ભાનજી સ્ટેડિયમ (મોરાભાગળ)અને એલ.ડી. સ્કૂલ, સચિન ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં ૧૦૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
યોગના મહત્વ વિશે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે, “યોગ તમને પડકારોનો સામનો કરવા માટે ઊર્જા અને સ્થિતિસ્થાપકતા આપે છે. આજે જ્યારે વિશ્વ ગંભીર માનસિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે યોગ જ તેનો અત્યંત જરૂરી અને અસરકારક ઉપચારરૂપ જવાબ છે.” ગુરુદેવની આ પ્રેરણાદાયી વિચારધારાથી પ્રેરિત થઈ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દર વર્ષે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરે છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)






