વિશ્વને ભારતની જરૂર છેઃ ક્યુબાના રાજદૂત

નવી દિલ્હીઃ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કારાકાસ સ્થિત તેમના નિવાસસ્થાન પરથી ધરપકડ કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ સામે ન્યુ યોર્કમાં નાર્કો-આતંકવાદના આરોપોમાં કેસ ચલાવવામાં આવશે.

ભારતમાં ક્યુબાના રાજદૂત જુઆન કાર્લોસ માર્સેન એગ્વિલેરાએ સોમવારે વેનેઝુએલામાં કરવામાં આવેલી અમેરિકાની સૈન્ય કાર્યવાહીનું કડક શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે આ કાર્યવાહીને અપરાધિક અને આતંકી કૃત્ય ગણાવી અને કહ્યું હતું કે આ દ્વારા સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે કોઈ એકલો દેશ અમેરિકા દ્વારા લેવામાં આવતા આવા એકતરફી પગલાને રોકી શકતો નથી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમેરિકાના “પાગલપણા” સામે એકજૂટ થવાનું આહવાન કર્યું. મારા મત મુજબ વેનેઝુએલા સામે કરવામાં આવેલું અમેરિકાનું સૈન્ય આક્રમણ એક અપરાધ છે. આ એક આતંકી કૃત્ય છે. આ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદામાં સમાવાયેલા તમામ સિદ્ધાંતોનો ભંગ કરે છે. આ એક દેશ સામેની એકતરફી કાર્યવાહી છે, એમ તેમણે કહ્યું હતું.

કોઈ પણ એકલો દેશ અમેરિકા રોકી શકતો નથી

ક્યુબાના રાજદૂતે અમેરિકાની ટેરિફ યુદ્ધની નીતિ, ઈરાનને આપવામાં આવતી ધમકીઓ અને સૈન્ય હુમલાઓનો ઉલ્લેખ કરીને વૈશ્વિક એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે કોઈ પણ એકલો દેશ અમેરિકાને રોકી શકતો નથી અને ન તો રોકી શકશે. સૌએ સાથે મળીને આગળ આવવું પડશે. આ એકતાનો સમય છે.તેમણે ચેતવણી આપી હતી કે આ કાર્યવાહી દ્વારા વિશ્વને એક ખતરનાક સંદેશ આપવામાં આવ્યો છે.

વિશ્વને ભારતની જરૂર છે – ક્યુબાના રાજદૂત

ક્યુબાના રાજદૂતે વૈશ્વિક ભૂ-રાજનીતિક પરિપ્રેક્ષ્યમાં ભારતની કેન્દ્રીય ભૂમિકા ઉપર પ્રકાશ નાખતાં કહ્યું હતું કે વિશ્વને ભારતની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ભારત એક મોટી શક્તિ તરીકે જરૂરી સંતુલન ઊભું કરી શકે છે અને તમામ દેશો માટે સ્થિર ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે. મને પૂરો વિશ્વાસ છે કે ગ્લોબલ સાઉથની અવાજ તરીકે ભારતની ભૂમિકા ભવિષ્યમાં સતત મજબૂત બનતી જશે. દુનિયાને જે સંતુલનની જરૂર છે તે બનાવવા માટે અમને ભારતની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.