ભારતમાં કયા રાજ્યમાં છે સૌથી વધુ ઘૂસણખોરો?

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ 15 ઓગસ્ટે દેશમાં હાજર ઘૂસણખોરોની વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આ ઘૂસણખોરો દેશના યુવાઓની નોકરી છીનવી રહ્યા છે. હવે એ જ વાત પીએમએ બિહારના ગયાજીમાં પણ પુનરાવર્તિત કરી હતી. એ સાથે જ તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે ડેમોગ્રાફી બદલાઈ રહી છે. કયા રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરોની સમસ્યા સૌથી વધુ વિકરાળ બની રહી છે.

ભારતમાં કુલ કેટલા ગેરકાયદે પ્રવાસી?

વર્ષ 2016માં સરકાર તરફથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને માહિતી આપવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ભારતમાં અંદાજે બે કરોડ બાંગ્લાદેશી ગેરકાયદે રીતે રહી રહ્યા છે, જે ઓસ્ટ્રેલિયાની આખી વસ્તી જેટલા છે. આ પહેલાં UPA સરકારે 2004માં 1.2 કરોડનો આંકડો આપ્યો હતો. આ આંકડો ફક્ત બાંગ્લાદેશી ઘૂસણખોરોનો છે, જ્યારે મ્યાનમાર, નેપાળ અને અન્ય દેશોથી પણ ગેરકાયદે રીતે લોકો ભારતમાં પ્રવેશ કરે છે. હવે 2025 સુધી આ આંકડો ઘણો વધી ગયો હોવાની શક્યતા છે.

કયા રાજ્યોમાં છે સૌથી વધુ ગેરકાયદે લોકો?

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ એવા લોકો છે, જે કોઈ પણ માન્ય દસ્તાવેજ વગર રહી રહ્યા છે. અહીં આવા લોકોની સંખ્યા 57 લાખથી પણ વધુ બતાવવામાં આવી હતી. તેના પછી બીજા નંબરે આસામ આવે છે, જ્યાં ગેરકાયદે ઘૂસણખોરોની સંખ્યા આશરે 50 લાખ બતાવવામાં આવી હતી. આ જ કારણ છે કે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ચલાવવામાં આવ્યું છે. જેમાં ગેરકાયદે પ્રવાસોની ઓળખ કરવામાં આવી. જ્યારે NRC ની અંતિમ યાદી બહાર પડી, ત્યારે તેમાંથી 19 લાખ લોકો બહાર રહી ગયા અને તેમની નાગરિકતા પર સવાલ ઊભા થયા છે.

શું પીએમ મોદી ચલાવશે ડેમોગ્રાફી મિશન?

NDA સરકારે નક્કી કર્યું છે કે દેશનું ભવિષ્ય ઘૂસણખોરો નક્કી નહીં કરે. મોદી સરકાર ગેરકાયદે રીતે દેશમાં આવેલા લોકો સામે એક નવું અભિયાન શરૂ કરવાની છે.