અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે છેલ્લાં ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ, મંગળવારે પણ સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ ખાબક્યો છે.