પાકિસ્તાનને ચેતવણી આપતાં મોદી આતંકવાદ પર વરસ્યા

ગાંધીનગરઃ PM મોદી ગુજરાતના બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેમણે પાકિસ્તાનને આકરો સંદેશ આપતાં કહ્યું હતું કે અમે કાંટો કાઢીને જ રહીશું. ઇંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના પાખંડને ઉજાગર કરતાં PM મોદે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી માર્યા ગયેલા આતંકવાદીઓન પાકિસ્તાનમાં રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમના તાબૂત પર પાકિસ્તાની ઝંડા લપેટવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓએ તેમને સલામી આપી હતી. તેમણે એ વાત પર ભાર આપ્યો હતો કે આતંકવાદીઓની ગતિવિધિઓ પર હવે પ્રોક્સી વોર નહીં.

તેમણે કહ્યું હતું કે 1947માં મા ભારતીના ટુકડા કરાયા. જંજીરો કાપવી જોઇતી હતી પણ એને બદલે હાથ કાપી નખાયા. દેશના ત્રણ ટુકડા કરી નાખવામાં આવ્યા અને એ જ રાત્રે કાશ્મીરની ધરતી પર પ્રથમ આતંકવાદી હુમલો થયો. મા ભારતીનો એક હિસ્સો આતંકવાદીઓ અને મુજાહિદીનને નામે પાકિસ્તાન દ્વારા દબાઈ લેવામાં આવ્યો. જો એ જ દિવસે એ મુજાહિદીનોને મોતને ઘાટ ઉતારી દીધા હોત અને સરદાર પટેલની વાત માની લીધી હોત તો 75 વર્ષથી ચાલતો આવતો આ આતંકનો સિલસિલો આજે જોવો ન પડત. આપણે 75 વર્ષથી આતંકવાદને સહન કરતા આવ્યા છે અને પાકિસ્તાન સાથે જ્યારે પણ યુદ્ધ સુધી પહોંચ્યા છીએ, ત્યારે સેનાએ પાકિસ્તાનને ધૂળ ભેગું કર્યું છે. હવે પાકિસ્તાન એ સમજી ચૂક્યું છે કે એ આપણાથી લડાઈમાં જીતી નથી શકતું, એમ તેમણે કહ્યું હતું.

ગાંધીનગરમાં સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે હું છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છું. ગઈ કાલે વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ અને આજે ગાંધીનગરમાં છું. હું જ્યાં પણ ગયો ત્યાં ગર્જના કરતા સિંદૂરી સાગર અને લહેરાતા તિરંગા સાથે જન-જનના હૃદયમાં માતૃભૂમિ માટે અપાર પ્રેમ અને દેશભક્તિનો ઉછાળો જોવા મળ્યો છે. આ દ્રશ્ય માત્ર ગુજરાત પૂરતું નથી, પણ આખા હિંદુસ્તાનના દરેક ખૂણે છે, દરેક ભારતીયના દિલમાં છે.