પટનાઃ પટનામાં વિદ્યાર્થીઓ પછી હવે ખેડૂતોએ રસ્તા પર આંદોલન શરૂ કર્યું છે. સોમવારે સંયુક્ત ખેડૂત મોરચાના બેનર હેઠળ હજારો ખેડૂત પોતાની માગને લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. બક્સરના સાંસદ અને ખેડૂત નેતા સુધાકર સિંહના નેતૃત્વમાં ખેડૂતોએ બુદ્ધા પાર્કથી કૂચ શરૂ કરીને CMના નિવાસ તરફ વધવાનું શરૂ કર્યું, પરંતુ પોલીસે ડાકબંગલા ચાર રસ્તા પર બેરિકેડિંગ કરીને તેમને રોકી દીધા હતા.
હજારો ખેડૂતોનું પ્રદર્શન
ખેડૂતોના પ્રદર્શનને લીધે ભારે પોલીસ તહેનાત કરવામાં આવી છે. એ સાથે જ પરિસ્થિતિ બગડે નહીં તે માટે વોટર કેનન ગાડીઓ પણ બોલાવવામાં આવી છે. આ દરમિયાન પટના જંકશનથી ડાકબંગલા જવા અને આવવાના બંને રસ્તા સંપૂર્ણ બ્લોક થયા છે, જેને કારણે માર્ગ જામી ગયો છે.
ખેડૂત મોરચાનો આક્ષેપ છે કે સરકાર તેમની જમીનનું જબરદસ્તી અધિગ્રહણ કરી રહી છે અને તેમને ખૂબ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સંયુક્ત ખેડૂત મોરચાના અધ્યક્ષ રામ પ્રવેશ યાદવે કહ્યું છે કે ખેડૂતોને જમીન અધિગ્રહણને બદલે 2014ની દરે જ વળતર આપવામાં આવી રહ્યું છે, જ્યારે આજે 2025માં બજાર દર અનેક ગણો વધી ગયો છે. આ ખેડૂતો સાથે સીધો અન્યાય છે.
તેમણે કહ્યું હતું કે સરકારને અધિગ્રહણની પ્રક્રિયામાં આજના વાસ્તવિક બજાર દર મુજબ વળતર આપવું જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને તેમનો હક અને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને એવા સમયે આ આંદોલન ચૂંટણી મુદ્દો પણ બની રહ્યું છે. વિરોધ પક્ષ સતત નીતીશ સરકાર અને કેન્દ્ર પર હુમલો કરી રહ્યો છે. રાજકીય પંડિતોનું માનવું છે કે જો આંદોલન લાંબું ચાલે તો તે ચૂંટણીમાં મોટો મુદ્દો બની શકે છે.
