કોંગ્રેસની સભામાં ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા પર સંસદમાં હંગામો

નવી દિલ્હી: કોંગ્રેસની ગઈ કાલની એક સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે मोदी तेरी कब्र खुदेगी’ની’ વાત કરનાર નારા પર સોમવારે સંસદમાં ભારે હંગામો થયો હતો. વડા પ્રધાન મોદી વિરુદ્ધ કોંગ્રેસના નારા મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ભડક્યા હતા. જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે ખૂબ જ દુઃખ અને વ્યથિત મન સાથે એક ઘટના સામે લાવવી છે કે ગઈ કાલે કોંગ્રેસની સભામાં ‘મોદી તેરી કબર ખુદેગી, આજ તો નહીં તો કલ ખુદેગી’ જેવા નારા લાગ્યા. આવા નારા કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને માનસિકતા દર્શાવે છે. નડ્ડાએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી માટે વપરાયેલા અપશબ્દો બદલ સોનિયા ગાંધી દેશ પાસે માફી માગે.

નડ્ડાએ કોંગ્રેસને ઘેરીરાજ્યસભામાં સોમવારે ભાજપ નેતા જે.પી. નડ્ડાએ એક દિવસ પહેલાં કોંગ્રેસની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લાગેલા નારાઓની આકરી નિંદા કરી હતી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીની વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દેશથી માફી માગવાની અપીલ કરી હતી. આ મુદ્દે સત્તા પક્ષના સભ્યોના હંગામાને કારણે સંસદ સ્થગિત કરવી પડી હતી.

આ દેશ માટે ખૂબ દુખદ સમય- કિરણ રિજિજુ

લોકસભામાં કિરણ રિજિજૂએ કહ્યું હતું કે ગઈ કાલે કોંગ્રેસની સભામાં વડા પ્રધાન મોદીજીની કબર ખોદવાની વાત કરવામાં આવી હતી. આ દેશ માટે ખૂબ જ દુઃખદ સમય છે કે કોંગ્રેસ પાર્ટી આવા શબ્દોનો ઉપયોગ કરે છે. કોંગ્રેસના તમામ મોટા નેતાઓ તે સભામાં હાજર હતા અને વડા પ્રધાન મોદીની કબર ખોદવાનો નારો લાગ્યો.

રિજિજુએ કહ્યું હતું કે દેશ માટે આથી વધુ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ કંઈ હોઈ શકે નહીં કે દેશના વડા પ્રધાન 140 કરોડ લોકોના નેતા, વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને મજબૂત નેતા માટે આવા શબ્દો વપરાય છે.