યુનેસ્કોએ દિવાળીને સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં કરી સામેલ

નવી દિલ્હીઃ ભારત માટે ગૌરવની ક્ષણ છે. યુનેસ્કોએ ભારતના મુખ્ય પર્વ દિવાળીને તેની સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage)ની યાદીમાં સામેલ કરી લીધી છે. યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે ભારતની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક સ્તરે નવી માન્યતા મળી છે.

શા માટે છે આ મહત્વપૂર્ણ?

આ પર્વ ભારતની આધ્યાત્મિકતા, વિવિધતા અને સામાજિક એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. યુનેસ્કોનું આ પગલું ભારતીય પરંપરાઓને સંરક્ષિત કરવા અને વિશ્વભરમાં તેમના મહત્વને વધારવામાં મદદરૂપ થશે.

દિવાળી માત્ર એક તહેવાર નથી, પરંતુ અંધકારથી પ્રકાશ તરફ આગળ વધવાનું પ્રતીક છે. આ તહેવાર આપણને આંતરિક પ્રકાશ પ્રગટાવવા, બૂરાઈ પર અચ્છાઇની જીત અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ આપે છે, જેમ કે ભગવાન શ્રીરામ અયોધ્યા પરત આવ્યા ત્યારે દીપો વડે નગરને શણગારવાની પરંપરા છે.

યુનેસ્કોની યાદીમાં ભારતીય પરંપરાઓ

દિવાળી પહેલાં પણ ભારતની અનેક સાંસ્કૃતિક પરંપરાઓ યુનેસ્કોની યાદીમાં સામેલ થઈ ચૂકી છે, જેમ કે:

  • કુંભ મેળો
  • ગરબા
  • દુર્ગા પૂજા
  • યોગ

 યુનેસ્કોને મળ્યાં 78 દેશોના 67 નામાંકન

યુનેસ્કોની બેઠકમાં 150 દેશોના 700થી વધુ પ્રતિનિધિઓએ અમૂર્ત ધરોહરો પર વિચાર કર્યો. આ વર્ષે 78 દેશોના 67 નામાંકન સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા માટે આવ્યા હતા. દિવાળી અંગે ભારતે દલીલ કરી કે દિવાળી માત્ર તહેવાર જ નથી, પરંતુ બૂરાઈ પર સારા, શાંતિ અને સમૃદ્ધિના પ્રતીકરૂપે ઊજવાય છે. આ પર્વ પેઢીથી પેઢીને વારસામાં મળેલી પરંપરા તરીકે મનાવવામાં આવે છે.

દિલ્હી આજે સાંજે ફરી ઊજવશે દિવાળી

આ નિર્ણય સાથે જ દિલ્હીની અનેક જગ્યાઓએ આજે દિવાળી ઊજવાઈ રહી છે. લાલ કિલ્લો, ચાંદની ચોક, ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, કર્તવ્ય પથ જેવી દિલ્હીની જાણીતી જગ્યાઓ પર રંગોળી બનાવવામાં આવી રહી છે. દીવા પ્રગટાવવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. અનેક સરકારી ઈમારતોને પણ દિવાળીની જેમ ઉજાસથી ઝળાહળાં બનાવી દેવામાં આવશે.

દિલ્હીના સંસ્કૃતિ મંત્રી કપિલ મિશ્રાના જણાવ્યા મુજબ શહેરની તમામ મુખ્ય ઐતિહાસિક અને સરકારી ઈમારતોને દીવડાઓ અને શણગારતી લાઇટ્સથી શોભાયમાન કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ લાલ કિલ્લા પરિસરમાં થશે, જ્યારે તેની આસપાસનું ચાંદની ચોક પરિસર રંગોળી, પ્રકાશ અને ફટાકડાઓથી રોશન થશે.