નવી દિલ્હીઃ ઈરાનમાં રસ્તાઓ પર ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનોએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે. અમેરિકા સ્થિત ‘હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ’ નામની સંસ્થા દ્વારા મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો છે, એમ અહેવાલ કહે છે. એજન્સીના જણાવ્યા મુજબ વિરોધ પ્રદર્શનો દરમિયાન ઓછામાં ઓછા 2300 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નબળા અર્થતંત્ર સામે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. દેશનાં 50થી વધુ શહેરોમાં હિંસા ફેલાઈ ગઈ છે અને અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખોમિની સરકારે ઈરાનમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એ સાથે જ એર સ્પેસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈરાનની પરિસ્થિતિ પર અમેરિકા પણ કડક નજર રાખી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાનમાં ગોળીબાર થાય અને કોઈ નિર્દોષની જાન જાય, તો અમેરિકા તરફથી આકરો જવાબ આપવામાં આવશે.
‘ટ્રમ્પને પકડી લો’- ઈરાની અધિકારીનું સૂચન
ઈરાનના એક અધિકારી હસન રહીમપુર અઝગાદીએ ઈરાનમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો અંગે વોશિંગ્ટનના વલણના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પકડી લેવાનું સૂચન કર્યું છે.
ટ્રમ્પની ખુલ્લી ધમકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે જો પ્રદર્શનકારો પરના હુમલા નહીં અટકે, તો ત્યાં હુમલો કરવામાં આવશે જ્યાં સૌથી વધુ દુઃખ પહોંચશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથ લોહીથી રંગાયેલા છે’, ખોમિની
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીએ છેલ્લાં બે સપ્તાહથી ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો પર શુક્રવારે આકરી ચેતવણી આપી. તેમણે કહ્યું હતું કે ઇસ્લામિક રિપબ્લિક કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં. ખોમિનીએ આરોપ લગાવ્યો કે આ પ્રદર્શનો વિદેશી શક્તિઓના સમર્થનથી કરાવવામાં આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ દેશને અસ્થિર કરવાનો છે.




