ત્રિપુરા : અમિત શાહે કોંગ્રેસ અને ડાબેરીઓ પર કર્યા પ્રહાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું કે તેમણે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે બંને પક્ષોએ અહીં 50 વર્ષ શાસન કર્યું, પરંતુ રાજ્યનો વિકાસ થયો નહીં, જ્યારે અમે 4 લાખ પરિવારોને ઘરે પીવાનું પાણી આપ્યું. તેમણે કહ્યું, “ડાબેરી ભાઈઓએ તેમના 27 વર્ષના શાસન દરમિયાન માત્ર 24,000 પરિવારોને પીવાનું પાણી પૂરું પાડ્યું હતું.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, જો તમે ઈચ્છો છો કે રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બને તો કમળનું બટન દબાવો. ડાબેરીઓએ તમને અંધકાર આપ્યો હતો, અમે તમને અધિકારો આપ્યા છે, અમે વિનાશને બદલે વિકાસ અને વિવાદને બદલે વિશ્વાસ આપ્યો છે. હવે અહીં સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.તેમણે કહ્યું, “ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં કેડર રાજ અને તોલા બાજીની પરંપરાનો અંત કરીને ત્રિપુરાને વિકાસના માર્ગે આગળ લઈ જવાનું કામ કર્યું છે. મહિલાઓ સામેના ગુનાઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, ‘પહેલાં આખું પૂર્વોત્તર બોમ્બ વિસ્ફોટોથી ગુંજતું હતું, હવે અહીં ટ્રેનો અને વિમાનોના અવાજ સંભળાય છે. અમે રાજ્યમાં સાતમા પગાર પંચનો અમલ કરીને તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો છે. અમે પરિવર્તનનું વચન આપ્યું હતું… 5 વર્ષમાં ભાજપે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. હવે આગામી 5 વર્ષમાં ભાજપ ત્રિપુરાને પૂર્વોત્તરનું સૌથી વિકસિત રાજ્ય બનાવવાનું કામ કરશે.

તેમણે જનતાને કહ્યું, “ભાઈઓ… ડાબેરીઓને મત આપવાનો અર્થ છે હિંસાનું શાસન ફરી સ્થાપિત કરવું. જો કોઈ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકી શકે છે તો ભાજપ તેમને રોકી શકે છે, અન્ય પક્ષો આ ઘૂસણખોરોને વોટબેંક માને છે. સામ્યવાદીઓના ‘કેડર રૂલ’નું સ્થાન હવે ભાજપના ‘બંધારણીય શાસન’એ લીધું છે. અમે ભયનું વાતાવરણ ખતમ કર્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વએ ત્રિપુરાને સાચા અર્થમાં વિકસિત રાજ્ય બનાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યની 55 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં તેના સહયોગી, ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) માટે પાંચ બેઠકો છોડી છે. ત્રિપુરામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 36 બેઠકો જીતી હતી, જ્યારે આઈપીએફટીના ઉમેદવારો આઠ બેઠકો પર વિજયી થયા હતા.