વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટારે કેમ છોડવું પડ્યું અમેરિકા?

અમેરિકા: દુનિયાના સૌથી વધુ ફોલોઅર ધરાવતા ટિકટોક સ્ટાર ખાબી લેમે (Khaby Lame) અમેરિકા છોડવું પડ્યું છે. લાસ વેગાસમાં વિઝાની ડેડલાઈન કરતાં વધારે રોકાવા બદલ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. ICEએ આ મામલે કહ્યું કે, ‘સેનેગલમાં જન્મેલા અને ઈટાલીના નાગરિક ખાબી લેમની શુક્રવારે (સાતમી જૂન) હેરી રીડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી.’

અમેરિકામાં ઈમિગ્રેશન નિયમોનો કડક અમલ 

ખાબી લેમ 30 એપ્રિલે અમેરિકા આવ્યો હતો, પરંતુ તેના પર વિઝાની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જો કે, ICEએ તેમને સ્વેચ્છાએ અમેરિકા છોડવાની મંજૂરી આપી, તેથી તેમની સામે ઔપચારિક ડિપોર્ટેશનનો આદેશ જાહેર કરાયો ન હતો. આનો ફાયદો એ થશે કે તેઓ ભવિષ્યમાં ફરીથી અમેરિકા આવી શકશે.

25 વર્ષીય ખાબી લેમે આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપી નથી. તેમનું અમેરિકા છોડવું એવા સમયે થયું છે જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોનો કડક અમલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, લોસ એન્જલસ સહિત ઘણી જગ્યાએ આ નીતિઓ સામે વિરોધ પ્રદર્શનો થયા છે.

TikTok પર ખાબી લામેના 162 મિલિયનથી વધુ ફોલોઅર્સ

ટિકટોક સ્ટાર ખાબી લામે કોરોના મહામારી દરમિયાન તેમના વીડિયો દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. જેમાં તેમણે વિચિત્ર અને જટિલ ‘લાઇફ હેક્સ’ પર કંઈ પણ કહ્યા વિના રમૂજી રીતે પ્રતિક્રિયા આપી હતી. ટિકટોક પર તેમના 162 મિલિયનની વધુ ફોલોઅર્સ છે.