ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મોટા પાયે હિંદુઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાના વિરોધમાં રહેલા કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા ભગવાન રામના ચિત્રનું કથિત અપમાન કરવામાં આવ્યું હોવાના આરોપોને લઈને હજારો હિંદુઓએ ઢાકામાં મશાલ રેલી કાઢી અને “જય શ્રીરામ”ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ભગવાન રામનું અપમાન કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી.
આ વિરોધ ઉત્તર ગાઈબાંધા જિલ્લાના પલાશબાડી વિસ્તારમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણ પર રોક લગાવાયા પછી થોડા જ દિવસોમાં સામે આવ્યો છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિએ દાવો કર્યો છે કે અધિકારીઓને કેટલાંક ઇસ્લામી જૂથો તરફથી ધમકીઓ મળી હતી. આ ઘટનાએ મુસ્લિમ બહુમતી ધરાવતા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અધિકારો અંગેની ચિંતાઓને ફરી એક વાર ઉજાગર કરી છે.
રવિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર અપાશે
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે તાજેતરમાં એક હિંસક ટોળાએ ભગવાન રામની પ્રતિમા પર જૂતું મૂકીને તેનું અપમાન કર્યું હતું, જે હિંદુ ધર્મનું અપમાન છે. તેમણે 72 કલાકનું અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું કે જો નિર્ધારિત સમયગાળામાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો તેઓ રવિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર આપશે. આ ઉપરાંત તેમણે વડા પ્રધાન સાથે બેઠક તેમ જ વિવિધ રેલીઓ અને કાર્યક્રમો યોજવાની પણ જાહેરાત કરી છે.

‘જય શ્રીરામ’ના નારા સાથે મશાલ રેલી
પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી ઢાકાના શાહબાગ ચોરાહે હિંદુ સમાજનાં વિવિધ સંગઠનો અને વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા. મશાલ રેલી શાહબાગ ચોરાહેથી શરૂ થઈ હતી અને શાહબાગ સ્ક્વેર, મોટેશ્વર ભવન મારફતે નેશનલ પ્રેસ ક્લબ સુધી પહોંચી હતી. રેલી દરમિયાન “જય શ્રીરામ” સહિત અનેક નારા લગાવવામાં આવ્યા હતા.
ભગવાન રામના અપમાનના વિરોધમાં શુક્રવારે સવારે ઢાકામાં બે અલગ-અલગ કાર્યક્રમો પણ યોજાયા હતા. ‘હિંદુ મહાજોટ’ નામના સંગઠનનાં બે જુદાં જૂથોએ અલગ-અલગ કાર્યક્રમો યોજ્યા હતા. એક કાર્યક્રમ નેશનલ પ્રેસ ક્લબ સામે માનવ સાંકળ (હ્યુમન ચેઇન) સ્વરૂપે યોજાયો હતો, જ્યારે બીજો કાર્યક્રમ ઢાકા રિપોર્ટર્સ યુનિટીમાં પત્રકાર પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.






