નવી દિલ્હીઃ ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની નજીક પહોંચી ગઈ છે. પાર્ટીના વિશ્વસનીય સૂત્રોના હવાલાથી બહાર આવેલા મિડિયા રિપોર્ટ્સ મુજબ પક્ષ ન તો કોઈ મહિલાને અને ન તો કોઈ પછાત વર્ગ (OBC)ના નેતાને અધ્યક્ષ બનાવવાની યોજના ધરાવે છે. તેને બદલે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરના નામ પર મુહર લાગી ગઈ છે અને હવે ફક્ત સત્તાવાર જાહેરાત બાકી છે.
હરિયાણાના ભૂતપૂર્વ CM ખટ્ટર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના સાથીઓમાં ગણાય છે. આ ઉપરાંત તેમની પૃષ્ઠભૂમિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી જોડાયેલી છે, જે સામાન્ય રીતે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે. RSS ને BJPની થિંકટેન્ક તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં મનોહરલાલ ખટ્ટર મોદી કેબિનેટમાં કેન્દ્રીય આવાસ, શહેરી કલ્યાણ અને ઊર્જા મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
ભાજપના એક વડા અનુસાર એ લગભગ 90 ટકા નક્કી છે કે ખટ્ટર જ પાર્ટીના આગામી અધ્યક્ષ બનવાના છે.
નડ્ડાનો કાર્યકાળ 2023માં જ પૂરો થયો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે JP નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી, 2023માં જ પૂરો થઈ ગયો હતો. ત્યાર બાદ તેમનો કાર્યકાળ લોકસભા ચૂંટણી 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી બાદ મોદી 3.0 સરકારમાં નડ્ડાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદથી નડ્ડા કાર્યકાળ પૂરો થઈ ગયા પછી પણ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા રહ્યા, પણ હજુ સુધી પાર્ટીએ પોતાનો નવો અધ્યક્ષ જાહેર કર્યો નથી.
હવે ભાજપનાં સૂત્રો દાવો કરી રહ્યા છે કે મનોહરલાલ ખટ્ટરનું નામ આખરે ફાઈનલ થઈ ગયું છે અને આ જાહેરાત ત્યારે થશે જયારે PM મોદી વિદેશ યાત્રાથી પાછા ફરશે. ત્યાર બાદ પાર્ટી રાષ્ટ્રીય ચૂંટણી તારીખ જાહેર કરશે.
મોદીની ટીમમાં ખાસ સ્થાન ધરાવતા ખટ્ટર
મનોહરલાલ ખટ્ટર PM મોદીના સંઘ કાર્યકાળના દિવસોથી વિશ્વસનીય સાથી તરીકે ઓળખાય છે. મોદી પહેલી વખત PM બન્યા ત્યારથી જ ખટ્ટર તેમની ટીમનો ભાગ રહ્યા છે. હરિયાણામાં 2015માં ભાજપની જીત બાદ સ્થાનિક નેતાઓને કોરાણે મૂકી તેમને CM બનાવવામાં આવ્યા હતા.
71 વર્ષીય ખટ્ટર પાસે સંગઠન અને વહીવટી કામગીરીમાં અનેક દાયકાનો અનુભવ છે. હાલ તેઓ લોકસભામાં હરિયાણાની કરનાલ બેઠકમાંથી સાંસદ છે.
