રક્ષક જ ભક્ષકઃ રેલયાત્રી પાસેથી પોલીસોએ સોનાની કરી લૂંટ

નવી દિલ્હીઃ બિહારના ગયામાં ચાલતી ટ્રેનમાં સોનું લૂંટવાને મામલે GRPના થાનાધ્યક્ષ સહિત ચાર જવાનો સામે પટના રેલ એસપી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુનાખોરી સામે કડક કાર્યવાહી માટે ઓળખાતા ગયા GRP  થાણાધ્યક્ષ રાજેશ કુમાર સિંહ અંતે પોતે જ જેલની સળિયાં પાછળ પહોંચી ગયા છે.

શું છે મામલો?

22307 હાવડા-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વેપારીના સ્ટાફ પાસેથી એક કિલો સોનું લૂંટવાની ઘટના ગયા 21 નવેમ્બરે બની હતી. આ મામલે ગયા રેલવે પોલીસ સ્ટેશને 29 નવેમ્બરે FIR નોંધાવી હતી. પટના રેલ એસપીના નેતૃત્વમાં રચાયેલી તપાસ ટીમે CDR (કોલ ડિટેઈલ રેકોર્ડ)ને આધારે ખુલાસો કર્યો કે તમામ GRP જવાનો અને થાણાધ્યક્ષની સંડોવણી હતી.

આ ઘટના બાદ ગયા રેલ થાણાધ્યક્ષ રાજેશ કુમાર સિંહની ધરપકડ કરી તેમને રેલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ મોકલવામાં આવ્યા છે. સોનાના લૂંટ કેસની તપાસ માટે ત્રણ DSPની SIT ટીમ બનાવવામાં આવી છે.

આપી હતી ધમકી

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પીડિત ધનંજય શાશ્વત પાસેથી GRPના જવાનોએ મારપીટ કરીને 1.44 કરોડ  રૂપિયાનું એક કિલો સોનું લૂંટી લીધું હતું. ગયા જંક્શન પહોંચતાં પહેલાં જ GRP જવાનોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાર બાદ પીડિતને ટિકિટ કરાવી મોકલી દીધો હતો. એ સાથે-સાથે કોઈને પણ કંઈ ન કહેવાની ધમકી આપી હતી.

રેલ થાણાધ્યક્ષ રાજેશ કુમાર સિંહની ધરપકડ બાદ સંડોવાયેલા ચાર જવાનો કરણ કુમાર, અભિષેક ચતુર્વેદી, રણંજય કુમાર અને આનંદ મોહન સહિત પરવેઝ આલમ અને રેલ પોલીસ સ્ટેશનનો ભૂતપૂર્વ ડ્રાઈવર સીતારામ ફરાર છે. તેમની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.