ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપોને ખોટા અને નિરાધાર ગણાવ્યા

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી એક વાર હુમલો કર્યો હતો. જોકે ચૂંટણી પંચે તેમના દાવાને ફરીથી ખોટો અને નિરાધાર ગણાવ્યો. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદારોનાં નામ ઓનલાઇન ડિલીટ કરી શકાય જ નહીં. ચૂંટણી પંચે કહ્યું હતું કે વર્ષ 2023માં આલંદ વિધાનસભામાં મતદારોનાં નામ દૂર કરવાની કેટલીક નિષ્ફળ કોશિશો કરવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે ચૂંટણી પંચે જ પોતે FIR નોંધાવી હતી. ચૂંટણી પંચે એ પણ કહ્યું હતું કે વર્ષ 2018માં આલંદ વિધાનસભા બેઠક પર ભાજપે અને વર્ષ 2023માં કોંગ્રેસે જીત નોંધાવી હતી.

રાહુલ ગાંધીએ શું આક્ષેપ કર્યા?

રાહુલ ગાંધીએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના સમર્થક મતદારોનાં નામોને મતદાર યાદીમાંથી દૂર કરવાની કોશિશ થઈ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર લોકશાહીની હત્યા કરનારાઓ તથા વોટ ચોરોને બચાવી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે જ્ઞાનેશ કુમારે આવા લોકોને રક્ષણ આપવાનું બંધ કરવું જોઈએ અને એક સપ્તાહમાં ચૂંટણી પંચે કર્ણાટકની CID સાથે સંપૂર્ણ માહિતી વહેંચવી જોઈએ.

રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર આલંદ વિધાનસભા વિસ્તારમાં 6018 મતદારોનાં નામ દૂર કરવા માટે અરજીઓ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ કોંગ્રેસના મતદારોને નિશાન બનાવીને કરવામાં આવ્યું. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મતદારોના નામ દૂર કરવા માટે જે મોબાઈલ નંબરનો ઉપયોગ થયો તે કર્ણાટકની બહારના હતા. તેમણે મંચ પર કેટલાક લોકોને રજૂ કર્યા જેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થયો હતો અથવા જેમના નામનો ઉપયોગ કરીને એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજૌરા વિધાનસભા વિસ્તારમાં પણ આ જ રીતનો ઉપયોગ કરીને 6850 નામો ઉમેરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે એક સપ્તાહમાં ચૂંટણી પંચ સંપૂર્ણ વિગત આપવી જોઈએ અને જો એવું ન થાય તો પછી સ્પષ્ટ થઈ જશે કે જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને મદદ કરી રહ્યા છે.