કફ સિરપથી બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ કફ સિરપ પીવાથી અનેક રાજ્યોમાં બાળકોના મોત થયાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મુદ્દે વકીલ વિશાલ તિવારી તરફથી જાહેર હિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે મામલાની તપાસ રાષ્ટ્રીય ન્યાયિક પંચ અથવા CBI દ્વારા નિષ્ણાતોની સમિતિ મારફતે કરાવવામાં આવે અને તેની દેખરેખ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરાવવામાં આવે.

આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ દવાઓમાં વપરાતા ડાય ઇથેલિન ગ્લાયકોલ અને ઇથેલિન ગ્લાયકોલ જેવાં રસાયણોનાં વેચાણ અને દેખરેખ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવે. એ સાથે જ પીડિત પરિવારોને વળતર આપવામાં આવે અને બાળકોના મોતના કેસમાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલી FIRને એક જ સ્થળે ટ્રાન્સફર કરીને તપાસ કરાવવામાં આવે.

આ અરજીમાં એ પણ માગવામાં આવી છે કે કફ સિરપને નામે ‘ઝેરી’ સિરપ બનાવનાર કંપનીઓનાં લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે, તેમની ફેક્ટરીઓ બંધ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત આ કંપનીઓના પ્રોડક્ટ્સ બજારમાંથી પાછા મગાવવામાં આવે અને ડ્રગ્સ રિકોલ પોલિસી બનાવવામાં આવે.

તપાસ સમિતિને મળેલી માહિતીમાં ખુલાસો થયો છે કે કફ સિરપ બનાવતી કંપનીનું એડ્રેસ ચકાસવા તપાસ ટીમ પહોંચી ત્યારે જણાયું હતું કે ફેક્ટરી તામિલનાડુના કાંચીપુરમમાંથી ચલાવવામાં આવી રહી હતી. અહીં તપાસ દરમિયાન ટીમે જોયું કે માત્ર 3 BHK જેટલી જગ્યા પર 60 પ્રોડક્ટ્સ તૈયાર થઈ રહ્યા હતા.

રાજ્ય સરકારોને માનવ અધિકાર પંચની નોટિસ

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સરકારોને નોટિસ પાઠવી છે. પંચે આ રાજ્યોને આદેશ આપ્યો છે કે ઝેરી કફ સિરપને કારણે થયેલા બાળકોના મોતની તપાસ કરે અને નકલી દવાઓના વેચાણ પર તરત પ્રતિબંધ મૂકે.