ઇમરાન ખાન અંગે સસ્પેન્સઃ પાકિસ્તાનમાં ઇમર્જન્સી લાગવાની શક્યતા

રાવલપિંડીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન જીવિત છે કે નહીં તે મુદ્દે સસ્પેન્સ વધુ ને વધુ ઊંડું થઈ રહ્યું છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાથી ઇમરાન ખાન વિશે તેમના પરિવારજનો અને નજીકના લોકો સુધી કોઈ માહિતી પહોંચી નથી. પાકિસ્તાનના સોશિયલ મિડિયા અને જાપાની મિડિયામાં ઇમરાન ખાનના જેલમાં મોત થયાના સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

એ વચ્ચે પાકિસ્તાને સાંજે સાડાપાંચ વાગ્યે નેશનલ એસેમ્બલીની ઇમર્જન્સી બેઠક બોલાવી છે, જેને કારણે મોટી અનિશ્ચિતતા અને ભયનો માહોલ સર્જાયો છે. પાકિસ્તાનમાં ઇમર્જન્સી લાગુ થવાની શક્યતા છે. આ જ આશંકાઓ વચ્ચે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય મંત્રી સોહેલ આફ્રિદી ગુરુવારે જ્યારે ઇમરાન ખાનને મળવા અડિયાલા જેલ પહોંચ્યા ત્યારે તેમને મુલાકાતની પરવાનગી આપવાને ઇનકાર કરવામાં આવ્યો હતો.

જેલ બહાર ધરણાં પર CM સોહેલ

CM સોહેલ આફ્રિદીએ જણાવ્યું હતું કે તેમને જેલમાં ઇમરાન ખાનને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. તેથી હવે તેઓ જેલના દરવાજા બહાર ધરણાં પર બેસી ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી ઇમરાન ખાનના મોતની અફવાઓ પાકિસ્તાનથી લઈને વિદેશી મિડિયા સુધી હાહાકાર મચાવી રહી છે. ઇમરાન ખાનની પાર્ટી પી.ટી.આઈ.નું ખૈબર પખ્તૂનખ્વામાં શાસન છે. સોહેલ આફ્રિદી ઇમરાન ખાનની પાર્ટીના એકમાત્ર મુખ્ય મંત્રી છે, છતાં પણ તેમને વડા પ્રધાન શહબાઝ શરીફની સરકારે ઇમરાન ખાનને મળવા દેવાનો ઇનકાર કર્યો છે.

મુનિર પર ઇમરાનની હત્યાનો આક્ષેપ

ઇમરાન ખાનના પરિવારજનો અને પીટીઆઈના કાર્યકર્તાઓ શહબાઝ શરીફ અને પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર પર જેલમાં જ ઇમરાન ખાનની હત્યા કરાવવાનો આરોપ મૂકી રહ્યા છે. ઘણા દિવસોથી હજારો ઇમરાન સમર્થકો અડિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. હવે આ પ્રદર્શન ધીમે-ધીમે અન્ય શહેરોમાં પણ ફેલાઈ રહ્યું છે.