કમ્યુટર એન્જિનિયર ભજીયાની લારી પર ડ્રગ્સનું વેચાણ કરતો પકડાયો

સુરત: લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જીનીયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે. તેમના પર શહેરના હોડી બંગલાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એમ.ડી.ડ્રગ્સ વેચવાનો આરોપ છે. ભરૂચ હાજીખાના બજારના અતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુ.એસ.ડી.ટી. અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું. નુકસાન થતાં મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખીયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેઈડ કરી ત્યાંથી રૂ.12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે મોઈનુદ્દીન, તેના બે મિત્રો કાપડ દલાલ મોહમદ જાફર મોહમદ સિદ્દીક ગોડીલ અને શ્રમજીવી રાસીદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારીની ધરપકડ કરી હતી. કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સના બંધાણી કાપડ દલાલ મોહમદ જાફર ગોડીલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઈનુદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડયું હતું. તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાસીદ જમાલ ઉર્ફે બનારસી શોધી લાવતો હતો. ગ્રાહકો સાથે ‘દવા’ કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું. લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમદ જાફર ગોડીલની પુછપરછ કરતા તે ડ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર મારફતે અતહર મંસુરી પાસેથી મંગાવતો હોવની કબૂલાત કરતા લાલગેટ પોલીસની એક ટીમે ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જીનીયર 27 વર્ષીય અતહર આરીફ મંસુરીને ઝડપી લીધો હતો.પુછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખીયા પાસેથી મંગાવતો હોય પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજાના ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફીટીંગનું કામ કરતા 30 વર્ષીય અશરફ સોખીયાને પણ ઝડપી લીધો હતો.ઝડપાયેલા અતહર અને અશરફે મુંબઈથી અગાઉ બે વખત ડ્રગ્સ મંગાવ્યું હતું.અશરફ ડ્રગ્સના પાર્સલ બનાવી ખાનગી ટ્રાવેલ્સમાં ભરૂચ અતહરને મોકલતો હતો. ડ્રગ્સ જોઈતું હોય ત્યારે ‘સામાન જોઈએ છે’ ડિલિવરી વેળા પોલીસ નજીકમાં દેખાય તો ‘મહેમાન હૈ’ કોડવર્ડનો ઉપયોગ કરતા. અતહર પાર્સલ મેળવી મિત્ર ઝમીર મારફતે ભરૂચમાં અને મોહમદ જાફર ગોડીલને સુરત આપવા આવતો હતો.બંને ડ્રગ્સ જોઈતું હોય ત્યારે સામાન જોઈએ છે અને ડિલિવરી વખતે નજીકમાં પોલીસ દેખાય તો મહેમાન હૈ તેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા.