રખડતા કૂતરાઓને મુદ્દે રાજ્ય સરકારોને ભારે દંડની ‘સુપ્રીમ’ ચેતવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે રખડતા કૂતરાઓ સંબંધિત મામલે સુનાવણી ચાલુ રાખતાં ચેતવણી આપી હતી કે જો કૂતરાના કરડવાથી બાળકો અથવા વૃદ્ધોનાં મોત થાય અને રાજ્ય કંઈ પગલાં ન લે, તો દરેક એવા કેસમાં રાજ્ય સરકારને વળતર ચૂકવવું પડશે. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું છે કે જે લોકો રખડતા કૂતરાઓને ખોરાક આપે છે, તેમની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

આ મામલાની સુનાવણી ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ત્રણ સભ્યોની ખંડપીઠે કરી. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે કહ્યું હતું કે કૂતરાના કરડવાથી બાળકો અથવા વૃદ્ધોના મોત કે ઇજા થવાના દરેક કેસમાં, જ્યારે આપણે કંઈ કરી રહ્યા નથી, ત્યારે રાજ્ય દ્વારા ભારે વળતર નક્કી થવાની શક્યતા છે. એ સાથે-સાથે, જે લોકો કહે છે કે અમે કૂતરાઓને ખોરાક આપી રહ્યા છીએ, તેમની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. જો તમે આવું કરો છો, તો તેમને પોતાને ઘરે લઈ જાઓ. કૂતરાઓ કેમ રસ્તાઓ પર ગંદકી ફેલાવે છે, કેમ લોકોને કરડે છે અને કેમ લોકોને ડરાવે છે?

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સવાલ પણ કર્યો હતો કે જ્યારે એક નવ વર્ષના બાળકનું મોત એવા કૂતરાઓના હુમલાથી થાય છે, જેને કોઈ ખાસ સંસ્થા દ્વારા પોષણ આપવામાં આવે છે, તો જવાબદાર કોણ ગણાશે? શું એ સંસ્થાને નુકસાનની ભરપાઈ માટે જવાબદાર ન ઠેરવવી જોઈએ?

ન્યાયમૂર્તિ સંદીપ મહેતાએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે માનો કે કોઈ રહેણાક સોસાયટી છે જ્યાં 95 ટકા લોકો કૂતરાઓ રાખવા માગતા નથી, તો શું કૂતરાઓ રાખવા ઇચ્છતા પાંચ ટકા લોકો બધાની તરફથી નિર્ણય લેશે? જ્યારે નગરપાલિકાના અધિકારીઓ કૂતરાઓને પકડવાનો પ્રયાસ કરે છે, ત્યારે કથિત ડોગ લવર્સ તેમના પર હુમલો કરે છે. કોર્ટો પણ અસુરક્ષિત બની ગઈ છે.