નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિહારના ભૂતપૂર્વ CM અને RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના વિરોધમાં ચાલતાં ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડના કેસમાં નીચલી અદાલતમાં ચાલી રહેલી સુનાવણી પર સ્ટે લગાવવાનો ઈનકાર કર્યોં છે. આ મામલે ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ એન. કોટિશ્વર સિંહની બેંચે લાલુ યાદવની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં લાલુ યાદવે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેસ પર સ્ટે લગાવવાની યાચિકા ફગાવવાનો નિર્ણય પડકાર્યો હતો.
આ વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટએ લાલુ યાદવની તે અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે નીચલી અદાલતની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગ કરી હતી. આ કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે.
ન્યાયમૂર્તિ સુંદરેશે કહ્યું હતું કે અમે આ કેસ પર સ્ટે નહીં લગાવીએ. અમે અરજીને ફગાવી દઈશું. પહેલાં મુખ્ય કેસમાં નિર્ણય આવવા દો. બેંચે એમ પણ કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવને કેસની કાર્યવાહીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાની જરૂર નથી. બેંચે હાઈકોર્ટને કહ્યું કે લાલુ યાદવની અરજી પર વહેલી તકે સુનાવણી કરે.
લાલૂ યાદવની તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને CBIની તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ પેશ થયા હતા. લેન્ડ ફોર જોબ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. આરોપ છે કે તે સમય દરમિયાન ઘણી જગ્યાઓએ જમીનને બદલે નોકરીઓ આપી દેવામાં આવી હતી.
લાલુ યાદવ પર શું આરોપ છે?
CBIએ આરોપ મૂક્યો છે કે 2004થી 2009 દરમિયાન રેલવેમાં ગ્રુપ-ડીની નોકરીઓના બદલામાં લાલુ યાદવે તેમના પરિવારજનોને નામે જમીનના સ્વરૂપમાં આર્થિક લાભ મેળવ્યો હતો. CBIના જણાવ્યા પ્રમાણે આ જમીનો લાલુ યાદવની પત્ની અને ભૂતપૂર્વ CM રાબડી દેવી તથા તેમની બે પુત્રીઓ મિસા ભારતી અને હેમા યાદવને નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.
એજન્સીએ આ કેસમાં 30 સરકારી અધિકારીઓ સહિત કુલ 78 લોકોને આરોપી બનાવ્યા છે. CBIએ મે 2022માં લાલુ, તેમના પુત્રો, પુત્રીઓ અને રાબડી દેવી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લાલુ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
