શબરીમાલા સોનું ચોરી મામલે ભૂતપૂર્વ TDB સભ્યને સુપ્રીમ ફટકાર

નવી દિલ્હી: શબરીમાલા સોનું ચોરી મામલે ભૂતપૂર્વ ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (TDB)ના સભ્ય કે.પી. શંકરદાસની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એસ.સી. શર્માની બેન્ચે કેરળ હાઈકોર્ટની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ દૂર કરવાની તેમની માગ નકારી કાઢી હતી.

શંકરદાસ જવાબદારીથી બચી શકતા નથી

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દેવાસ્વમ બોર્ડની બેઠકના મિનિટ્સ પર હસ્તાક્ષર કર્યા પછી શંકરદાસ જવાબદારીથી બચી શકતા નથી. કોર્ટે હાઈકોર્ટના તે પાંચ પેરાગ્રાફ પણ દૂર કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં સોનું ચોરી મામલે દેવાસ્વમ બોર્ડના સભ્યો કે.પી. શંકરદાસ અને વિજયકુમારની જવાબદારી હોવાનું કહેવામાં આવ્યું હતું.

શંકરદાસે અરજીમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટે તેમની વાત સાંભળ્યા વિના તેમના વિરુદ્ધ ટિપ્પણીઓ કરી છે, જેને કારણે નિષ્પક્ષ તપાસ પ્રભાવિત થઈ શકે છે. તેમણે પોતાની ઉંમર અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કરીને પણ રાહત માગી હતી.

પ્રાયોજક ઉન્નીકૃષ્ણન પોટ્ટીએ 9 ડિસેમ્બર, 2019એ ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (TDB)ને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું હતું કે શબરીમાલા મંદિરના ગર્ભગૃહના મુખ્ય દરવાજા અને દ્વારપાલક પર સોનાનું કામ પૂર્ણ થયા બાદ થોડું સોનું બચ્યું છે. તેઓ આ વધારાના સોનાનો ઉપયોગ TDBના સંકલનમાં એક જરૂરતમંદ યુવતીનાં લગ્ન માટે કરવા માગે છે. આ બાબતે તેમણે TDB પાસેથી મૂલ્યવાન અભિપ્રાય માગ્યો હતો.

હકીકતમાં, મંદિરના ગર્ભગૃહની બહાર દ્વારપાલકની પથ્થરની મૂર્તિઓ પર સોનાની પરત ચઢાવેલી તાંબાની શીટ્સ લગાવવામાં આવેલી છે. આ શીટ્સને લઈને સોનું ચોરી અને ગેરવહીવટના આરોપો લગાવવામાં આવ્યા છે. હાઈકોર્ટે આ મામલે સ્વયં સંજ્ઞાન લીધું હતું અને લગભગ 4.54 કિલોગ્રામ સોનાનો કોઈ પત્તો ન લાગતાં ચિંતા વ્યક્ત કરી હતી. જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019માં જ્યારે મૂર્તિઓની ફરીથી પ્લેટિંગ કરવામાં આવી હતી, ત્યારે જ આ સોનું ગાયબ થયું હતું. અંદાજ મુજબ આ સોનાની કિંમત આશરે 7 કરોડ રૂપિયા છે.