નિર્દેશક જે.પી. દત્તાએ ફિલ્મ ‘ગુલામી’ (1985) માટે ડાન્સર ગણાતા મિથુનને પસંદ કર્યો ત્યારે ભૂમિકાને કારણે તેના
માટે શંકા વ્યક્ત થઈ હતી. પરંતુ મિથુને ‘કોઈ શક?’ સંવાદ સાથે જાણે જવાબ આપી દીધો હતો. ફિલ્મ ‘ગુલામી’ માત્ર એક ફિલ્મ નથી પણ ભારતીય સિનેમાનો એક એવો દસ્તાવેજ છે જેણે રાજસ્થાનની રેતી અને સામંતશાહી પ્રથાને પહેલીવાર આટલી ભવ્યતા અને ગંભીરતાથી રૂપેરી પડદે રજૂ કરી હતી. આ ફિલ્મના સર્જન પાછળના કિસ્સાઓ એટલા જ રોમાંચક છે જેટલી ફિલ્મની વાર્તા છે.
મિથુન ચક્રવર્તી માટે આ ફિલ્મ એક મોટું જોખમ હતું. તે સમયે તેની ‘ડિસ્કો ડાન્સર’ ની છબી એટલી મજબૂત હતી કે કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે મિથુન રાજસ્થાની રણના એક ગંભીર અને વિદ્રોહી પાત્ર ‘જબ્બર’માં ફિટ બેસશે. દત્તાએ એકવાર જણાવ્યું હતું કે જ્યારે તેમણે મિથુનને સાઈન કર્યો ત્યારે ઘણા લોકોએ તેમને ચેતવ્યા હતા કે મિથુનનો અંદાજ આ ફિલ્મના વાતાવરણને બગાડી નાખશે પણ તેમને મિથુનની આંખોમાં રહેલા આક્રોશ પર ભરોસો હતો.

મિથુન માટે આ ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ બની હતી. તેણે સાબિત કર્યું હતું કે માત્ર ડાન્સમાં જ નહીં ગંભીર એક્ટિંગમાં પણ મહારથી છે. મિથુનના આઈકોનિક સંવાદ ‘કોઈ શક?’ ના જન્મની વાર્તા બહુ રસપ્રદ છે. હકીકતમાં આ સંવાદ સ્ક્રિપ્ટનો ભાગ જ નહોતો. શુટિંગ દરમિયાન મિથુન પોતાના પાત્ર ‘જબ્બર’ માં એટલા ડૂબેલા રહેતા કે સેટ પર સહ કલાકારો કે ટેકનિશિયનો સાથે વાત કરતી વખતે પણ ઘણીવાર અજાણતામાં પોતાના પ્રભાવશાળી અવાજમાં પૂછી લેતા કે ‘કોઈ શક?’
જે.પી. દત્તાએ જોયું કે આ શબ્દો મિથુનના વ્યક્તિત્વ અને ફિલ્મના વિદ્રોહી પાત્ર સાથે અદભૂત રીતે ફિટ બેસે છે. તેમણે મિથુનને સૂચન કર્યું કે તે આને પોતાના પાત્રનો તકિયાકલામ બનાવે. જ્યારે મિથુને પહેલીવાર કેમેરા સામે આ ડાયલોગ બોલ્યો ત્યારે આખા સેટ પર સન્નાટો છવાઈ ગયો હતો અને દત્તા સમજી ગયા હતા કે આ શબ્દો વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. ‘ગુલામી’ ના શુટિંગ દરમિયાન નડિયાદવાલા પ્રોડક્શન હાઉસ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું. જે.પી. દત્તાના વિઝન મુજબ રણની ભવ્યતાને કેદ કરવી અત્યંત ખર્ચાળ હતી. તે સમયે ધર્મેન્દ્ર એક સુપરસ્ટાર હતા અને દત્તાના અત્યંત નજીકના મિત્ર પણ હતા.

ધર્મેન્દ્રને જ્યારે ખબર પડી કે પૈસાના અભાવે ફિલ્મનું શુટિંગ અટકી શકે છે ત્યારે તેમણે પોતાની બાકીની ફી જ જતી નહોતી કરી પણ પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરી ખર્ચની વ્યવસ્થા કરવામાં દત્તાને પૂરતો ટેકો આપ્યો હતો. ધર્મેન્દ્ર માનતા હતા કે જે.પી. દત્તા જેવા પ્રતિભાશાળી નિર્દેશકની પહેલી ફિલ્મ અટકી જવી ના જોઈએ. મિથુન અને ધર્મેન્દ્ર બંનેએ એ સમયે સાથે મળીને નક્કી કર્યું હતું કે ભલે ગમે તે થાય આ ફિલ્મ પૂરી કરવી જ છે. ફિલ્મની સફળતા માત્ર બોક્સ ઓફિસના આંકડા પૂરતી મર્યાદિત નહોતી. તે એક ‘કલ્ટ ક્લાસિક’ સાબિત થઈ હતી.




