પ્રકાશ મહેરાએ ‘દેવદાસ’ ને ‘સિકંદર’ બનાવ્યો!

પ્રકાશ મહેરા શરૂઆતમાં ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ (1978) ને ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’ નો એક નવો ઓપ આપીને આધુનિક સમયના હિસાબે બનાવવા માંગતા હતા. જેમાં અમિતાભ બચ્ચન, શર્મિલા ટાગોર અને હેમામાલિની મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, નિર્માતા કૈલાશ ચોપરા સાથે વાર્તા બાબતે સમજૂતી ન થતા તેમણે આ પ્રોજેક્ટ છોડીને પોતાની રીતે ‘મુકદ્દર કા સિકંદર’ બનાવવાનું નક્કી કર્યું. તેઓ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘દેવદાસ’ થી ખૂબ પ્રભાવિત હતા પણ તેમને લાગતું હતું કે દેવદાસનો અંત બહુ નિરાશાજનક હોય છે. તેમને એક એવો ‘દેવદાસ’ બનાવવો હતો જે નસીબ સામે લડે. તેમણે કહ્યું હતું કે મેં દેવદાસને દારૂના નશામાં મરતો નહીં પણ નસીબને મુઠ્ઠીમાં કરતો જોયો હતો. એટલે જ મેં ‘દેવદાસ’નું નામ ‘સિકંદર’ રાખ્યું. જે હારીને પણ જીતવાનો દમ રાખે છે.

મહેરાએ દેવદાસના પાત્રને ‘સિકંદર’ તરીકે ગલીઓમાં ઉછરેલા એક હિંમતવાન વ્યક્તિ તરીકે રજૂ કર્યો જ્યારે પારુને ‘કામના’ (રાખી), ચંદ્રમુખીને ‘ઝોહરા’ (રેખા) અને ચુન્ની બાબુને ‘પ્યારેલાલ’ (રામ સેઠી) નું નવું સ્વરૂપ આપ્યું. મજેદાર વાત એ છે કે જે મૂળ ‘દેવદાસ’ અટકી પડી હતી તે પાછળથી ગુલઝારના નિર્દેશનમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે શરૂ તો થઈ પણ ક્યારેય પૂર્ણ ન થઈ શકી. ‘મુકદ્દર કા સિકંદર’ માં વિનોદ ખન્નાના ‘વિશાલ’ના પાત્ર માટે અગાઉ શત્રુઘ્ન સિન્હા વિશે વિચારવામાં આવ્યું હતું. પરંતુ મહેરા ઈચ્છતા હતા કે રાખી જે વ્યક્તિના પ્રેમમાં પડે તે અમિતાભ જેટલો જ અથવા તેનાથી પણ વધુ દેખાવડો હોવો જોઈએ. તેથી વિનોદ ખન્નાની પસંદગી થઈ. ખન્નાએ શરત રાખી હતી કે તેમને અમિતાભ જેટલી જ ફી મળવી જોઈએ. જે મેહરાએ સ્વીકારી હતી. રેખાના પાત્ર વિશે એક કિસ્સો છે કે જ્યારે તે વિદેશમાં હતી ત્યારે પ્રકાશ મહેરાએ રીના રોયને કાસ્ટ કરવાનું મન બનાવી લીધું હતું. રેખાને ખબર પડતા જ તે તાત્કાલિક શૂટિંગ માટે હાજર થઈ ગઈ હતી.

ફિલ્મના ગીતો અને સંવાદો પણ એટલા જ પ્રખ્યાત થયા હતા. ‘ઓ સાથી રે’ ગીત પહેલાં અમિતાભ બચ્ચને ૧૬ પાનાંના લાંબા ડાયલોગ બોલવાના હતા. જે સાંભળીને તેમણે ખચકાટ અનુભવ્યો હતો. ત્યારે સંવાદ લેખક કાદર ખાને પોતે આ ડાયલોગ્સ એવી લાગણી સાથે બોલી બતાવ્યા કે અમિતાભની આંખોમાં આંસુ આવી ગયા હતા અને કાદર ખાનને ભેટી પડ્યા હતા. કાદર ખાને ત્યારે કહ્યું હતું કે આ વાતો તેમના અંગત જીવનના અનુભવો છે તેથી તેને ગોખવાને બદલે અનુભવવાથી આપોઆપ બોલી શકાય છે. નાનો સિકંદર જ્યારે તેની માના અવસાન પછી કબ્રસ્તાનમાં રડે છે અને ફકીર (કાદર ખાન) તેને સમજાવે છે તે દ્રશ્ય વિશે મહેરાએ કહ્યું હતું કે એ સંવાદો લખતી વખતે કાદર ખાન રડી પડ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે આ મારું સત્ય છે. જ્યારે અમિતાભે એ દ્રશ્ય જોયું ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સંગીતની વાત કરીએ તો કલ્યાણજી-આણંદજીએ ફિલ્મમાં જબરદસ્ત યોગદાન આપ્યું હતું. પ્રકાશ મહેરા પોતે સારા ગીતકાર હતા. તેમણે એકવાર ખુલાસો કર્યો હતો કે ‘સલામ-એ-ઈશ્ક’ ગીત લખવા માટે ઘણી રાતો જાગીને વિતાવી હતી. રેખાના પાત્ર ‘ઝોહરા’ માટે એવી વેદના વ્યક્ત કરવી હતી જે દેખાતી ન હોય પણ અનુભવી શકાય. તેમણે કહ્યું હતું કે લોકોને લાગે છે કે એ માત્ર એક મુજરા ગીત છે. મારા માટે એ સિકંદર અને ઝોહરાના અધૂરા પ્રેમની દાસ્તાન હતી. ફિલ્મના અંતમાં સિકંદરના મૃત્યુ સમયે ‘જિંદગી તો બેવફા હૈ’ ગીત માટે મોહમ્મદ રફીને પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે ક્લાઈમેક્સ માટે આ ગીત રેકોર્ડ કરવાનું હતું ત્યારે રફી સાહેબ સંકોચમાં હતા. કારણ કે આખી ફિલ્મમાં કિશોરકુમારનો અવાજ હતો છતાં મહેરાએ આગ્રહ કર્યો હતો કે આ ગીત સિકંદરની અંતિમ વિદાય છે અને એ વિદાયમાં જે દર્દ રફી સાહેબ લાવી શકે તે બીજું કોઈ નહીં. જ્યારે રફી સાહેબે ગીત ગાયું ત્યારે આખા સ્ટુડિયોમાં સન્નાટો છવાઈ ગયો હતો. ૧૯૭૮ માં રજૂ થયેલી આ ફિલ્મે તે વર્ષની અન્ય બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે ‘ડોન’ અને ‘ત્રિશૂલ’ કરતા પણ વધુ કમાણી કરી હતી. મહેરાએ હસતા હસતા એકવાર કહ્યું હતું કે ‘મુકદ્દર કા સિકંદર’ રજૂ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર એટલી ભીડ હતી કે થિયેટરોની બારીઓ તૂટી ગઈ હતી. લોકો સિકંદરના મોત વખતે થિયેટરમાં રડતા હતા. મહેરા માટે આ ફિલ્મ તેમના ‘દેવદાસ’ પ્રત્યેના પ્રેમને આધુનિક રંગમાં રજૂ કરવાની સફળ કોશિશ હતી.