નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વભરમાં રસોઈ ગેસની અછત થઈ રહી છે, ત્યારે છત્તીસગઢમાં LPG ચોરીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે એવી ગેંગનો ભાંડો ફોડ્યો છે, જેણે કથિત રીતે 90 મેટ્રિક ટનથી વધુ LPG ગેસની ચોરી કરીને તેની કાળાબજારી કરી હતી. ચોરી કરાયેલા ગેસની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જિલ્લાની મહાસમુંદ પોલીસે જણાવ્યું હતું કે ચોરી કરાયેલો ગેસ તે ટેન્કરોમાંથી કાઢવામાં આવ્યો હતો, જેમને ગયા વર્ષે એક અન્ય ગેસ ચોરીના કેસમાં જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો ડિસેમ્બર, 2025નો છે, જ્યારે સિન્હોરા વિસ્તારના જંગલમાં પોલીસે છ એલપીજી ટેન્કર જપ્ત કર્યાં હતાં. આરોપ હતો કે એક ગેંગ ટેન્કરોમાંથી ગેસ કાઢવા માટે તેમને ત્યાં લઈ ગઈ હતી.
માર્ચ સુધી પોલીસની દેખરેખ હેઠળ રહ્યા ટેન્કરો
વધારાના પોલીસ અધિકારી પ્રતિભા પાંડેના જણાવ્યા મુજબ અધિકારીઓની એક ટીમે શંકાસ્પદ ગતિવિધિઓ જોઈને પોલીસને માહિતી આપી હતી. ત્યાર બાદ FIR નોંધાઈ અને ટેન્કરો જપ્ત કરાયાં હતાં. આ ટેન્કરો માર્ચ સુધી પોલીસની દેખરેખ હેઠળ રહ્યાં હતાં. આ ટેન્કરોને રાયપુરના ઉરલા ગામમાં આવેલી કંપનીના પરિસરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં 30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ગેસની ચોરી કરવામાં આવી હતી. ત્યાર બાદ 6 અને 8 એપ્રિલે ટેન્કરોનું વજન મહાસમુંદ ખાદ્ય અધિકારી કચેરીમાં કરાયું હતું. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ટેન્કરોના મૂળ ટ્રાન્સપોર્ટરો તેમને પાછા લેવા માટે સિન્હોરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તપાસ દરમિયાન તેમને ખબર પડી કે ટેન્કરોમાંથી ગેસ ગાયબ છે. ત્યાર બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ટેન્કરોમાં લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમથી પુષ્ટિ થઈ કે વાહનો આરોપીની ગેસ એજન્સીના પ્લાન્ટ સુધી ગયા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીની કંપનીએ એપ્રિલમાં માત્ર 47 ટન LPG ખરીદી હતી. શરૂઆતમાં તેમનો સ્ટોક શૂન્ય હતો, છતાં 107 ટન ગેસ વેચી દેવામાં આવ્યો હતો.
મહાસમુંદ એસપી પ્રભાત કુમારના જણાવ્યા મુજબ આ કેસના મુખ્ય આરોપીઓમાં ખાદ્ય વિભાગના અધિકારી અજય યાદવ, ગેસ વેપારી પંકજ ચંદ્રાકર, તેમનો સાથી મનીષ ચૌધરી અને વિતરણ કંપનીનો માલિક સંતોષ ઠાકુર સામેલ છે. અત્યાર સુધીમાં અજય યાદવ, પંકજ ચંદ્રાકર અને મનીષ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.હાલમાં ઓછામાં ઓછી આઠ ગેસ એજન્સીઓ તપાસના દાયરામાં છે, જેમણે કથિત રીતે આ ચોરી કરાયેલો ગેસ ખરીદ્યો હતો. આરોપીઓએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે ગેસ ટેન્કરોમાંથી લીક થયો હતો, પરંતુ ટેક્નિકલ ટીમે કોઈ પણ પ્રકારના લીકેજથી ઇનકાર કર્યો હતો.




