નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલા પછી દેશમાં ભારે રોષ છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં છે. હવે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ બાંગ્લાદેશ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે બાંગ્લાદેશ પણ ઘણું ઊછળકૂદ કરી રહ્યો છે, હવે તેનું પણ ગંગા નદીનું પાણી બંધ કરવાનો સમય આવી ગયો છે. પાણી અમે આપીશું અને ગીતો પાકિસ્તાનના ગાશે?
નિશિકાંત દુબેએ એક અંગ્રેજી વેબસાઈટનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું છે કે ગંગાજળ આ પાપીઓને? તેમણે જે વેબસાઇટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, તેના મુજબ બાંગ્લાદેશના આંતરિક સરકારના કાનૂની સલાહકાર આસિફ નઝરૂલએ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા કાર્યકર ઇઝહાર સાથે મળ્યા હતા. આ મુલાકાત પહલગામ હુમલા પછી થઈ હોવાનું કહેવાય છે. આથી ભારત વિરુદ્ધ દક્ષિણ એશિયામાં કટ્ટરવાદના સંભવિત સમર્થન અંગે ચિંતાઓ ઊભી થઈ છે. ઇઝહારનો બાંગ્લાદેશથી આતંકવાદી હુમલાના કાવતરામાં ઇતિહાસ રહ્યો છે અને તેનો હિફાજત-એ-ઇસ્લામ સાથે પણ સંબંધ છે.
ગંગા જળ સંધિ શું છે?
હવે 1996માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગાજળ સંધિ થઈ હતી. આ સંધિ 30 વર્ષ માટે હતી. આ સંધિ મુજબ ભારત અને બાંગ્લાદેશે ફારક્કા બેરાજમાં ગંગા નદીના પાણીને વહેંચવા સંમતિ આપી હતી. આ ફારક્કા બેરાજ 1975માં બનાવવામાં આવ્યો હતો. આ સંધિ મુજબ બેરાજમાં ભારત કેટલું પાણી છોડશે તેની માત્રા નિર્ધારિત કરવામાં આવી હતી.
बांग्लादेशी भी बड़ा छटपट कर रहा है,उसको भी गंगा नदी का पानी बंद करने का समय आ गया है, पानी पीकर जीएगा हमसे,गायेगा पाकिस्तान से
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 26, 2025
હાલમાં આ બેરાજમાં પાણીની અછત સર્જાઈ છે જેને કારણે બાંગ્લાદેશને પણ પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. બાંગ્લાદેશ વારંવાર ભારત પર આરોપ મૂકે છે કે ભારત જાણપૂર્વક ઓછું પાણી છોડે છે.
આ સંધિને વધુ સ્પષ્ટ રીતે સમજાવીએ તો
- જો પાણીની ઉપલબ્ધતા 75,000 ક્યુસેકથી વધુ હોય તો ભારતમાં 40,000 ક્યુસેક પાણી લેવાનો અધિકાર છે.
- જો વહેણ 70,000 ક્યુસેકથી ઓછો હોય તો પાણી બંને દેશો વચ્ચે વહેંચી લેવાશે.
- જો પાણી 70,000થી 75,000 ક્યુસેક વચ્ચે હોય તો બાંગ્લાદેશને 35,000 ક્યુસેક પાણી આપવામાં આવશે.
આ સંધિ 30 વર્ષની છે અને હવે તેનું પૂરી થવા માટે થોડોક સમય છે.
