તુર્કમાન ગેટ પર બુલડોઝર એક્શન સામે પથ્થરમારાનું ષડયંત્ર

નવી દિલ્હીઃ દિલ્હીના તુર્કમાન ગેટ પર મંગળવાર મોડી રાત્રે ભારે હોબાળો થયો. બુલડોઝર કાર્યવાહી દરમિયાન ગેરકાયદે અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન લોકોએ રસ્તા પર ઊતરી પથ્થરમારો કર્યો હતો. અતિક્રમણ હટાવવાની આ કાર્યવાહી ફૈઝ-એ-ઇલાહી મસ્જિદની આસપાસ કરવામાં આવી હતી.

ગેરકાયદે દુકાનો અને અન્ય બાંધકામ દૂર કરવા માટે મોડી રાત્રે 30થી વધુ બુલડોઝર સ્થળ પર પહોંચ્યા. એ જ સમયે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી આ કાર્યવાહીનો વિરોધ કરવા લાગ્યા. વિરોધ કરનારાઓમાં રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબ્બુલ્લાહ નદવી પણ હતા. લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

મંગળવારે રાત્રે લગભગ 12 વાગ્યે તુર્કમાન ગેટ નજીક પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું. નગર નિગમની કાર્યવાહી માટે 32 બુલડોઝર, 50 ડમ્પર અને 200થી વધુ મજૂરો સ્થળ પર પહોંચ્યાં હતાં.

  • પ્રશાસનની યોજના મુજબ રાત્રે એક વાગ્યે બુલડોઝર ચલાવવાની હતી, પરંતુ એ દરમિયાન વિસ્તારમાં લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.
  • પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લોકોને ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું. એ જ દરમિયાન 1:23 વાગ્યે અચાનક પોલીસ પર પથ્થરમાર શરૂ થઈ ગયો. લગભગ દસ મિનિટ સુધી સ્થળ પર અફરાતફરી અને બબાલ જેવી સ્થિતિ રહી હતી.
  • તણાવ હોવા છતાં પ્રશાસને પાછળ હટવાને બદલે કાર્યવાહી ચાલુ રાખી. રાત્રે લગભગ 1:30 વાગ્યે બુલડોઝર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી, જે સતત લગભગ સાડાપાંચ કલાક સુધી ચાલી.

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી નિધિન વલસને કહ્યું હતું કે લગભગ 25–30 લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો, જેમાં પાંચ પોલીસ કર્મચારીઓને નાની ઇજા થઈ છે. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે અમારે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. અહીં એક બેન્ક્વેટ હોલ અને એક ડિસ્પેન્સરી હતી, જેને તોડી પાડવામાં આવી છે. સ્થાનિક લોકોને ઓછી તકલીફ પડે એ માટે આ કાર્યવાહી રાત્રે કરવામાં આવી છે.

હાઇકોર્ટનો શું આદેશ હતો?

ગયા 12 નવેમ્બરે દિલ્હી હાઇકોર્ટે મસ્જિદની આસપાસ બનેલા બાંધકામને ગેરકાયદે જાહેર કરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને અતિક્રમણ દૂર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.