મુંબઈઃ ‘હું જાણું છું કે આ લડાઈ (કેન્સર)માં કેવું દર્દ થાય છે. મને ખબર છે કે કેન્સર સામેનો જંગ બહુ કઠિન હોય છે. તમે માનસિક રીતે ભાંગી જાઓ. તમે ઇચ્છો તો પણ કશું કરી ન શકો.’…. આ શબ્દો છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહના. યુવરાજે બોલીવૂડ અભિનેતા ઇરફાન ખાનના નિધન વિશે ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. યુવરાજ પોતે પણ કેન્સરનો શિકાર બન્યો હતો, પણ સદ્દનસીબે આ મહારોગને મ્હાત કરવામાં એ સફળ રહ્યો હતો. યુવરાજે 2007માં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ ભારતને જિતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હાલ જ્યારે વિશ્વ બોલીવૂડના મશહૂર અભિનેતા ઇરફાન ખાનના નિધન પર શોકાતુર થયું છે ત્યારે યુવરાજ સિંહનું પણ આ દર્દ બહાર છલકાઈ આવ્યું છે.
યુવરાજ સિંહે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ
યુવરાજ સિંહે કહ્યું હતું કે, ‘કેન્સરની પીડાને હું જાણું છું. હું જાણું છું કે ઈરફાન છેવટ સુધી લડ્યા હતા. કેટલાક લોકો નસીબદાર છે કે આ રોગમાં બહાર આવી શક્યા છે, પણ કેટલાક નથી આવી શકતા. મને વિશ્વાસ છે કે તમે બહુ સારી જગ્યા (જન્નતમાં)એ હશો, ઇરફાન ખાન તમારા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.’
આમ કહીને યુવરાજ સિંહે અભિનેતા ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઇરફાન ખાનનું નિધન
મુંબઈની કોકિલાબહેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં મંગળવારે દાખલ થયેલા ઇરફાન ખાનને કોલોન ઇન્ફેક્શન થયું હતું અને એ પછી આજે સવારે તેમનું નિધન થયું હતું. તેમને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર થઈ હોવાનું નિદાન થયું હતું. ઇરફાન ખાન તેમની કેન્સરની સારવાર માટે વિદેશ પણ ગયા હતા.
યુવરાજ સિંહે પણ કેન્સરને માત આપી
યુવરાજ સિંહે પણ કેન્સરને માત આપી છે અને એ રીતે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. વર્ષ 2017માં એને કેન્સરનું નિદાન થયું હતું, પણ દ્રઢ મનોબળ અને કેન્સરની સારવાર સાથે એણે રોગને પરાસ્ત કર્યો હતો. એક વર્ષની સારવાર પછી એ ભારત પાછો ફર્યો હતો.
વડા પ્રધાન મોદીએ પણ ઈરફાન ખાનને આપી શ્રદ્ધાંજલિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ઇરફાન ખાનના નિધનથી સિનેમાજગત અને રંગભૂમિની દુનિયાને ખોટ ગઈ છે. તેમણે ભજવેલી વિવિધ ભૂમિકા બદલ તેમને યાદ કરવામાં આવશે. મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે, તેમના આત્માને શાંતિ મળે એવી અભ્યર્થના.