લંડનઃ અહીંના ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે રમાતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં આજે ત્રીજા દિવસે ભારતીય ટીમ ફોલોઓન ટાળવામાં સફળ થઈ છે. ફોલોઓનથી બચવા માટે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પહેલા દાવના 469 રનના જવાબમાં 269 રન કરી લેવાની જરૂર હતી, જે તેણે લંચ બાદના સત્રમાં કરી લીધા હતા, પરંતુ લંચ બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો અને બાકીની ચાર વિકેટ પડી જતાં ટીમનો પહેલો દાવ 296 રનમાં પૂરો થયો હતો. ભારત ફોલોઓન ટાળી શક્યું તેનો મુખ્ય શ્રેય જાય છે અજિંક્ય રહાણેને, જેણે એક વિક્રમ સર્જીને ભારતને એક સંકટમાંથી બચાવી લીધું હતું.
અજિંક્ય રહાણે
WTC ફાઈનલમાં અડધી સદી ફટકારનાર રહાણે પહેલો ભારતીય બેટર બન્યો છે. ગઈ કાલે બીજા દિવસે રમત બંધ રહી હતી ત્યારે ભારતના પહેલા દાવમાં રહાણે 29 રન સાથે દાવમાં હતો. આજે તેણે પહેલા સત્રમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી (92 બોલમાં). લંચ વખતે એ ભારતના 260-6 સ્કોર વખતે 89 રન કરીને નોટઆઉટ હતો. લંચ બાદ એ ફરી રમવા આવ્યો હતો, પરંતુ વધુ એકેય રન કર્યા વગર એ આઉટ થઈ ગયો હતો. 271 રનના સ્કોર પર એ આઉટ થયો હતો. તેણે અને શાર્દુલ ઠાકુર (51) વચ્ચે સાતમી વિકેટ માટે 109 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ પહેલા દાવમાં 173 રન પાછળ રહી ગઈ છે. શાર્દુલ ઠાકુરે ઓવલ મેદાન પર તેના ત્રીજા દાવમાં ત્રીજી અડધી સદી ફટકારી છે.
ઓસ્ટ્રેલિયાના તમામ બોલરોએ સફળતા મેળવી હતી. કેપ્ટન પેટ કમિન્સે 83 રનમાં 3, અન્ય ત્રણ ફાસ્ટ બોલરો – મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, કેમરુન ગ્રીન તથા સ્પિનર નેથન લાયને બબ્બે વિકેટ લીધી હતી.
ટીકાકારોને આપ્યો જવાબ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની WTC ફાઈનલની ટીમમાં જ્યારે રહાણેને સામેલ કરવામાં આવ્યો હતો ત્યારે પસંદગીકારોની ટીકા થઈ હતી. 83 ટેસ્ટ મેચ રમી ચૂકેલા અનુભવી રહાણેએ 18 મહિના બાદ ટીમમાં કમબેક કર્યું છે. ટોચના ચાર બેટ્સમેન નિષ્ફળ ગયા બાદ રહાણે જવાબદારીપૂર્વકની બેટિંગ કરીને ટીમને ફોલોઓનમાંથી ઉગારી સંકટમોચક બન્યો.