અમદાવાદઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ગઈ કાલે અહીં ભારે રોમાંચ ઊભો કર્યા બાદ મધરાત બાદ દોઢ વાગ્યે સમાપ્ત થયેલી આઈપીએલ-2023 ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર પાંચ-વિકેટથી પરાજય આપીને પાંચમી વાર આઈપીએલ ટ્રોફી જીતી લીધી હતી. મેચ બાદ એવોર્ડ વિતરણ પ્રક્રિયા વખતે ધોનીએ કહ્યું કે, ‘આઈપીએલમાંથી નિવૃત્ત થવા માટે આ એકદમ પરફેક્ટ સમય છે, તે છતાં હું મારા પ્રશંસકોને ખાતર એક વધુ સીઝન રમવાનું પસંદ કરશે. કારણ કે મારા દેશભરમાંના ચાહકોએ મારી પર જે પ્રેમ અને લાગણી દર્શાવ્યાં છે એ જોઈને મને આઈપીએલની એક વધુ સીઝનમાં રમવાની ઈચ્છા થાય છે. જોકે નવી સીઝન માટે 9 મહિનાની રાહ જોવાનું અને એ માટે સજ્જ થવાનું મારે માટે ઘણું કઠિન બનશે.’
ધોનીએ કહ્યું કે, નિવૃત્તિ જાહેર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. થેંક્યૂ કહીને નિવૃત્તિ લઈ લેવાનું મારે માટે આ એકદમ આસાન કામ છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ અને દેશભરમાં મારા ચાહકોએ મારી પર જે પ્રેમ અને લાગણી વરસાવ્યા છે એ જોતાં એક વધુ સીઝનમાં રમીને એમને ગિફ્ટ આપવાનું મને ગમશે. જોકે મારું શરીર મને સાથે આપે એ જરૂરી છે. મારી કારકિર્દીનો આ આખરી ભાગ છે. અહીં આખા ભરચક સ્ટેડિયમમાં મારા નામનો પોકાર કરવામાં આવતો રહ્યો હતો. ચેન્નાઈમાં પણ મને આવો જ પ્રેમ મળ્યો છે. ફરીથી ચાહકો સમક્ષ આવવા અને રમવાનું મને ગમશે. હું જે પ્રકારની ક્રિકેટ ગેમ રમું છું એ તેઓ પસંદ કરે છે અને એને જાળવી રાખવાનું મને ગમશે. મારું માનવું છે કે દરેક ટ્રોફી અથવા દ્વિપક્ષી શ્રેણી-વિજય હોય, બંનેમાં પોતપોતાના પડકારો રહેલા હોય છે. આ વખતની સ્પર્ધા અને ફાઈનલમાં અમારી ટીમના દરેક ખેલાડીએ દબાણની સ્થિતિનો જુદી જુદી રીતે સામનો કરી બતાવ્યો. અજિંક્ય (રહાણે) અનુભવી છે. રાયડુ (અંબાતી) વિશે ખાસ બાબત એ છે કે તે મેદાન પર હોય ત્યારે હંમેશાં 100 ટકા પરફોર્મન્સ બતાવતો હોય છે. અમે બેઉ છેક ઈન્ડિયા-A ટીમ વતી સાથે રમ્યા છીએ. એ સ્પિન અને ફાસ્ટ, બંને પ્રકારની બોલિંગનો સરસ રીતે સામનો કરી શકે છે.’