કુસ્તીબાજો એમનાં મેડલ્સ સાંજે ગંગા નદીમાં ફેંકી દેશે

નવી દિલ્હીઃ જાતીય સતામણીના આરોપોના મુદ્દે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહના રાજીનામાની માગણી સાથે વિરોધ-દેખાવો કરી રહેલા પહેલવાનોએ આજે ધમકી આપી છે કે તેઓ એમણે જીતેલાં પ્રતિષ્ઠિત મેડલ્સ આજે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં ગંગા નદીમાં ફેંકી દેશે. ઓલિમ્પિક્સ મેડલવિજેતા મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે આ વિશેનું એક લાંબું નિવેદન ટ્વિટર પર મૂક્યું છે. એમાં તેણે લખ્યું છે કે, ‘મેડલ્સને આજે ગંગા નદીમાં ફેંકી દીધા બાદ અમારે માટે જીવવાનું કોઈ કારણ નહીં રહે. એટલે અમે ત્યારબાદ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરીશું.’

સાક્ષીએ 2016માં ઓલિમ્પિક ગેમ્સમાં કુસ્તીનો કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. અન્ય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે કોમનવેલ્થ ગેમ્સમાં બે કુસ્તીનાં મેડલ જીત્યાં હતાં. વિનેશે તે ઉપરાંત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2021માં તે એશિયન ચેમ્પિયન બની હતી અને એ જ વર્ષમાં એણે વિશ્વ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. બજરંગ પૂનિયાએ 2020ની ટોક્યો ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એણે 2013માં કાંસ્ય, 2018માં રજત અને 2019માં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.