કાદર ખાન વિલનમાંથી કોમેડિયન બન્યા

કાદર ખાને વિલન અને કોમેડિયન તરીકે અનેક ફિલ્મો કરી હતી. તે કોમેડિયન અચાનક બની ગયા હતા અને વિલન બન્યા ત્યારે એમના સિવાય ખાસ વિકલ્પ ન હતો. કાદર ખાન અને અમિતાભ બચ્ચન સાથે જ સંઘર્ષ કરી રહ્યા હતા. કાદર ખાને રેડિયો પરની એક મુલાકાતમાં કહ્યું હતું કે ફિલ્મ ‘બેનામ’ (૧૯૭૪) ના તેઓ લેખક ત્યારે અમિતાભ કહેતા હતા કે મેં કાર ડ્રાઈવિંગનું લાઈસન્સ કઢાવી રાખ્યું છે. ફિલ્મને સફળતા નહીં મળે તો જતો રહીશ અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરીશ.

ત્યારે કાદર ખાને અમિતાભને કહ્યું હતું કે તમારી આવી સ્થિતિ છે તો મારું શું થશે? જવાબમાં અમિતાભે એમ કહ્યું હતું કે હીરો હોય એને મુશ્કેલી પડે છે. તમને તો ગમે તે ભૂમિકા મળી રહેશે. જોકે, ‘જંજીર’ (૧૯૭૩) થી અમિતાભની કારકિર્દી બની ગઈ હતી. ‘બેનામ’ પછી નરેન્દ્ર બેદીએ ફરી અમિતાભ સાથે ‘અદાલત’ (૧૯૭૬) નું આયોજન કર્યું ત્યારે ‘ઈન્સ્પેકટર ખાન’ ની ભૂમિકા કોઈ સાઈડ હીરો પાસે કરાવવાનું નક્કી કરી ચૂક્યા હતા. પણ અમિતાભે નરેન્દ્ર બેદીને કાદર ખાન માટે ભલામણ કરી અને નિર્દેશકે માન્યું કે કાદર વધુ યોગ્ય રહેશે. ત્યારે અમિતાભની જ ‘ખૂન પસીના’ માં (૧૯૭૭) કાદર વિલન ‘ઠાકુર જાલિમ સિંહ’ તરીકે પણ કામ કરી રહ્યા હતા.

બંને ફિલ્મોની કાદર ખાનની પોઝિટિવ અને નેગેટિવ ભૂમિકાઓને પસંદ કરવામાં આવી હતી. એ સમયમાં બોલિવૂડમાં વિલનની ભૂમિકાઓ કરનાર અભિનેતાઓ બહુ ઓછા હતા. કાદરને ઘણાએ કહ્યું કે ‘ઈન્સ્પેકટર ખાન’ જેવી ભૂમિકા તો બીજા કોઈ કલાકાર પાસે કરાવી લઈશું પણ તમારા જેવા વિલન મળે એમ નથી. અને કાદર જે ફિલ્મો લખતા હતા એમાં તો એમને જ વિલન બનાવવામાં આવતા હતા પણ જે ફિલ્મો લખતા ન હતા એમાં પણ વિલન તરીકે નિર્માતાઓ લેવા લાગ્યા. વિલન તરીકે એક જબરદસ્ત હાઉ ઊભો કરી ચૂક્યા હતા.

એ કોઈ જાહેર કાર્યક્રમમાં જતાં ત્યારે લોકો એમનાથી ડરતા હતા. સંવાદ લેખક તરીકે મદ્રાસની એક ફિલ્મ ‘હિમ્મતવાલા’ (૧૯૮૩) એમને મળી હતી. એના લખેલા સંવાદનો નિર્દેશકને હિન્દીમાં ખ્યાલ નહીં આવે એમ માની રેકોર્ડિંગ કરી કેસેટ પણ બનાવી હતી. નિર્દેશક કે. રાઘવેન્દ્ર રાવને જ્યારે એ સ્ક્રીપ્ટ અને સંવાદ સંભળાવ્યા ત્યારે એમણે કાદર ખાનને સવાલ કર્યો કે એમણે સંવાદ તો બહુ સરસ લખ્યા છે પણ એ બોલશે કોણ? કાદરે જવાબમાં કહ્યું કે તમે ‘મુનીમજી’ ની આ ભૂમિકા માટે જે અભિનેતાને સાઇન કર્યા છે એ બોલશે. નિર્દેશકે કહ્યું કે એ અભિનેતા દસ જનમમાં પણ આ ભૂમિકાને ન્યાય આપી શકશે નહીં.

આ ભૂમિકા તમારે જ ભજવવી પડશે. કાદર ખાને કહ્યું કે એ બીજાને અપાયેલી ભૂમિકા કરી શકે નહીં. રાવે એ અભિનેતાનો પત્ર લાવીને બતાવવાની વાત કરી ત્યારે કાદર ખાને હા પાડી હતી. નિર્દેશકે એ અભિનેતા પાસે લખાણ લઈને નક્કી કરેલી રકમ ચૂકવીને પણ કાદરને જ ‘મુનીમજી’ બનાવ્યા. ‘હિમ્મતવાલા’ ની કાદરની ભૂમિકાને એટલી પસંદ કરવામાં આવી કે પહેલા અઠવાડિયે જિતેન્દ્ર- શ્રીદેવીના પોસ્ટર હતા પણ બીજા અઠવાડિયે કાદર ખાનના અલગ પોસ્ટર છપાવીને લગાવવામાં આવ્યા હતા. અને આમ કાદર ખાન વિલનમાંથી કોમેડિયન બની ગયા હતા.