સાયરા ‘પૂરબ ઔર પશ્ચિમ’ માં રહ્યા

સાયરા બાનૂના હાથમાંથી બે વખત ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ (૧૯૭૦) ચાલી જાય એવા સંજોગ ઊભા થયા હતા. પરંતુ મનોજ કુમારે સાયરા સાથે જ ફિલ્મ પૂરી કરી હતી. ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ ની વાર્તામાં મનોજ કુમારના પત્ની શશીનો પણ ફાળો હતો. એ જ્યારે લાહોરથી દિલ્હી આવ્યા ત્યારે લાહોરની યાદ આવતી હતી અને દિલ્હીથી મુંબઈ આવ્યા ત્યારે દિલ્હીની યાદ સતાવતી હતી. એટલે જે લોકો ભારતથી વિદેશ અભ્યાસ કરવા જાય છે અને ત્યાં વસી જાય છે એમને પણ દેશની યાદ આવતી હશે. આ વિચાર મનમાં રમતો હતો ત્યારે પત્ની શશીએ પણ આવા જ વિષય પર ફિલ્મ બનાવવા સૂચન કર્યું હતું અને મનોજ કુમારે ‘પૂરબ ઔર પશ્ચિમ’ ની વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. એમણે મૂળ વિચાર પત્નીનો હોવાથી ટાઈટલમાં વાર્તા માટે શશીનું નામ લખ્યું હતું.

આ ફિલ્મ માટે ‘હરે રામા હરે ક્રિષ્ના’ નામ નોંધાવી રાખ્યું હતું. પરંતુ પછી વાર્તા પ્રમાણે એ બંધબેસતું ના લાગતા ‘પૂરબ ઔર પશ્ચિમ’ રાખ્યું હતું. ત્યારે દેવ આનંદ એક ફિલ્મ બનાવી રહ્યા હતા. એમને ‘હરે રામા હરે ક્રિષ્ના’ (૧૯૭૧) ટાઇટલ જોઈતું હતું એટલે આપી દીધું હતું. ફિલ્મના લેખક- નિર્માતા અને નિર્દેશક સાથે ‘ભારત’ તરીકે મુખ્ય હીરો પોતે જ હતા. એમને સુંદર અને ગ્લેમરસ હીરોઈન ‘પ્રીતિ શર્મા’ તરીકે સાયરા બાનૂ યોગ્ય લાગ્યા હતા. સાયરાએ અગાઉ બીજી ફિલ્મોની વ્યસ્તતાને કારણે એમની ‘ઉપકાર’ સ્વીકારી ન હતી. સાયરા ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરતાં હતા ત્યારે મનોજ કુમારે પહેલાં એમના પ્રતિનિધિ તરીકે ગીતકાર ગુલશન બાવરાને વાત કરવા મોકલ્યા હતા.

સાયરાએ થોડા દિવસ સુધી કોઈ જવાબ ના આપતાં મનોજ કુમાર જાતે ગયા હતા અને સાયરા હા પાડે એ માટે કહ્યું હતું કે તે બહુ જલદી ફિલ્મો કરવાનું બંધ કરવાના છે. સાયરાએ પછી પણ કોઈ જવાબ આપ્યો ન હતો. થોડા દિવસોમાં સાયરાએ દિલીપકુમાર સાથે લગ્ન કર્યા હોવાના સમાચાર આવ્યા હતા. સાયરાએ ‘શાગિર્દ’ (૧૯૬૭) પૂરી કરી લીધી હતી અને ફિલ્મો છોડવાનું નક્કી કરી લીધું હતું. દરમ્યાનમાં દિલીપકુમારની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ (૧૯૬૭) ના પ્રિમિયરમાં હાજરી આપીને મનોજ કુમાર અને એમના પત્ની એમને ત્યાં ગયા હતા.

મનોજ કુમારે દિલીપકુમાર સાથે ‘આદમી’ (૧૯૬૮) કરી હોવાથી મિત્રતા હતી. એમણે ‘પૂરબ ઔર પશ્ચિમ’ માટે વાત કરી અને કહ્યું કે જો સાયરા એમાં કામ કરશે નહીં તો ફિલ્મનું આયોજન બંધ રાખશે. એમણે સાયરાને ફિલ્મોમાં કામ ચાલુ રાખવા ભલામણ કર્યા પછી દિલીપકુમારે હા પાડી દીધી હતી. ફિલ્મના શૂટિંગ દરમ્યાન સાયરાની તબિયત બગડી હતી અને વજન ઘટી ગયું હતું. સાયરા સારવાર માટે લંડન ગયા એ દરમ્યાનમાં નિર્માતા સુબોધ મુખર્જીએ ‘શર્મિલી’ (૧૯૭૧) માંથી કાઢીને રાખી ગુલઝારને લીધા હતા. આ ફિલ્મની ડબલ રોલની ભૂમિકા લેખક ગુલશન નંદાએ સાયરા માટે ખાસ લખી હતી. કેમકે એ ‘નીલકમલ’ (૧૯૬૮) કરી શક્યા ન હતા. ‘જંગલી’ (૧૯૬૧) પછી સાયરા સાથે વધુ બે ફિલ્મો કરવાનો સુબોધ મુખર્જીનો કરાર હોવા છતાં તેમણે આમ કર્યું હતું. જ્યારે મનોજ કુમારે સાયરા સાજા થઈ જાય ત્યાં સુધી રાહ જોઈ હતી.