ચિત્તાનાં મોત થતાં નામિબિયા, દક્ષિણ આફ્રિકા જશે અધિકારીઓની ટીમ

ભોપાલઃ મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. એ દરમ્યાન છ ચિત્તાનાં મોત થઈ ચૂક્યાં છે. એને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત છે. વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે ચિત્તા પ્રોજેક્ટ અંતર્ગત સંરક્ષણ અને વહીવટમાં સામેલ અધિકારી અને કર્મચારીઓને નામિબિયા (દક્ષિણ આફ્રિકા) અધ્યયન પ્રવાસ માટે પસંદ કરીને મોકલવામાં આવશે. ભોપાલમાં કેન્દ્રીય મંત્રીએ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, વનપ્રધાન ડો. વિજય સિંહ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચિત્તાની સુરક્ષા, સંરક્ષણ માટે પ્રસ્તાવિત ચિત્તા પ્રોટેક્શન ફોર્મ માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સંસાધન સહિત દરેક સહયોગ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કૂનો માટે વધારાના વનરક્ષક અને વનપાલની વ્યવસ્થાનો આગ્રહ કર્યો છે. આ પ્રોજેક્ટ સંબંધિત ભ્રામક સૂચનાઓ સામે આવી છે. સામાન્ય જનતાને પણ પ્રામાણિક માહિતી મળવી જોઈએ.

હાલમાં કૂનો નેશન પાર્કમાં સાત ચિત્તા ખુલ્લા વન ક્ષેત્ર અને 10 ચિત્તા અનુકૂળ પાંજરાઓમાં છે. આગામી નવેમ્બર સુધીમાં ચિત્તાઓ માટે વૈકલ્પિક રહેવાસ તરીકે ગાંધી સાગર અભયારણ્યને પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કૂનોમાં ક્ષમતાને મુકાબલે હજી ચિત્તા ઓછા છે. ચિત્તાની દેખભાળ કરવાવાળા કર્મચારીઓ મહેનતુ છે.પ્રોજેક્ટ નિશ્ચિત સફળ થશે. મધ્ય પ્રદેશ સરકાર ગંભીરતાથી પ્રોજેક્ટ માટે કાર્ય કરી રહી છે. વળી, આ પ્રોજેક્ટમાં વિદેશી નિષ્ણાતોની સેવાઓ સતત મળતી રહે છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મધ્ય પ્રદેશ ચિત્તા રાજ્ય છે.