દિલ્હી મર્ડર કેસનો નવો વીડિયો સામે આવ્યો

દેશને હચમચાવી દેનાર દિલ્હીના શાહબાદ ડેરી હત્યાકાંડનો મંગળવારે એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આરોપી સાહિલ હત્યા પહેલા ઘટના સ્થળે ફરતો જોવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સાહિલને હત્યાના સીસીટીવી બતાવવામાં આવ્યા ત્યારે તેણે કબૂલાત કરી હતી કે, વીડિયોમાં દેખાતો છોકરો હું છું, મેં છોકરીની હત્યા કરી છે. આ વીડિયોમાં સાહિલ સાથે અન્ય એક યુવક જોવા મળી રહ્યો છે. બંને વાત કરતા જોવા મળી રહ્યા છે. પીડિતા અને સાહિલ બંને એકબીજાને ત્રણ વર્ષથી ઓળખતા હતા. બંને એકબીજાના ઈન્સ્ટા એકાઉન્ટને પણ ફોલો કરતા હતા. છોકરી જાણતી હતી કે સાહિલનું પૂરું નામ ‘સાહિલ ખાન’ છે. સાહિલે રવિવારે (28 મે) રાત્રે આ હત્યા કરી હતી.

ઝઘડા બાદ યુવતીની હત્યા

આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવકે 16 વર્ષની યુવતીને 20થી વધુ વખત છરી વડે માર માર્યો હતો અને પછી તેને પથ્થરથી કચડીને તેની હત્યા કરી હતી. આ દરમિયાન પસાર થતા કોઈએ આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી અને મૃતક વચ્ચે પ્રેમસંબંધ હતો. શનિવારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

આરોપીની બુલંદશહરમાંથી ધરપકડ કરવામાં આવી હતી

યુવતી રવિવારે સાંજે તેના મિત્રની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં ખરીદી કરવા ગઈ હતી ત્યારે આરોપીએ તેને રોકી અને તેના પર હુમલો કર્યો. પોલીસે સોમવારે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી 20 વર્ષીય આરોપી સાહિલની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકના શરીર પર 34 ઘા મળી આવ્યા હતા અને તેની ખોપરી ફાટી ગઈ હતી. અંતિમ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.