IPL 2023 : જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને 5મી વખત ચેમ્પિયન બનાવ્યું

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. વરસાદના વિક્ષેપને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે DLS નિયમ અનુસાર 15 ઓવરમાં જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે જીતવા માટે જરૂરી ચાર રન બનાવીને ચેન્નાઈ સુપર કિંગ્સને વિજેતા બનાવ્યું હતું. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પાંચમી વખત વિજેતા બનવામાં સફળ રહી.


ચેન્નાઈની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. ગુજરાત તરફથી આ ઓવર ફેંકવાની જવાબદારી મોહિત શર્માને સોંપવામાં આવી હતી. જેણે પ્રથમ બોલ પર કોઈ રન આપ્યો ન હતો. આ પછી ઓવરના બીજા બોલ પર માત્ર 1 રન આવ્યો. હવે ચેન્નાઈને 4 બોલમાં 12 રનની જરૂર હતી. ત્રીજા અને ચોથા બોલ પર પણ 1-1 રન આવ્યા.


છેલ્લા 2 બોલમાં ચેન્નાઈને જીતવા માટે 10 રનની જરૂર હતી. મોહિત શર્માની ઓવરના 5માં બોલ પર સિક્સર ફટકારીને રોમાંચ જાળવી રાખવાનું કામ રવિન્દ્ર જાડેજાએ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈની ટીમને 5મી વખત વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડે ચેન્નાઈને શાનદાર શરૂઆત અપાવી હતી

આ મેચમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 215 રનના ટાર્ગેટનો પીછો કરવાની શરૂઆત કરી ત્યારે તેની ઈનિંગના ત્રીજા બોલ બાદ વરસાદને કારણે રમત રોકવી પડી હતી. લગભગ 2 કલાક પછી મેચ ફરી શરૂ થઈ ત્યારે ચેન્નાઈને DLS નિયમો અનુસાર 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.


ચેન્નાઈ માટે દાવની શરૂઆત કરવા ઉતરેલા રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ટીમને ઝડપી શરૂઆત અપાવવાનું કામ કર્યું હતું. 4 ઓવરની રમતના અંતે ચેન્નાઈનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 52 રન પર પહોંચી ગયો હતો. આ પછી 6 ઓવરની રમતના અંતે ટીમનો સ્કોર 72 રન હતો.

ટાઈમ આઉટથી રમત બદલાઈ, ચેન્નાઈએ એક ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી

આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટાઇમ આઉટ બ્રેક બાદ 7મી ઓવરમાં વાપસી કરીને ચેન્નાઇની ટીમને 2 મોટા આંચકા આપ્યા હતા. નૂર અહેમદે સૌથી પહેલા રૂતુરાજ ગાયકવાડને 74ના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી 78ના સ્કોર પર ડેવોન કોનવેની વિકેટ લઈને તેણે આ મેચમાં ગુજરાતને વાપસી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


રહાણેએ ફરી મેચમાં ચેન્નાઈને વાપસી કરાવી

એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ અચાનક આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ દબાણમાં દેખાવા લાગી. અજિંક્ય રહાણેએ શિવમ દુબે સાથે મળીને ચેન્નાઈને ફરીથી મેચમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રહાણેએ ઇનિંગની 8મી ઓવરમાં બે સિક્સર સાથે 16 રન બનાવ્યા હતા. આ સાથે ચેન્નાઈનો સ્કોર 8 ઓવર બાદ 94 રન સુધી પહોંચી ગયો હતો. ચેન્નાઈએ 10 ઓવરના અંતે 112 રન બનાવ્યા હતા. CSKને આ મેચમાં ત્રીજો ફટકો રહાણેના રૂપમાં 117ના સ્કોર પર લાગ્યો હતો, જે 13 બોલમાં 27 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.


ચેન્નાઈને જીતવા માટે અંતિમ 18 બોલમાં 39 રનની જરૂર હતી

12 ઓવરના અંતે ચેન્નાઈ સુપર કિંગ્સે 3 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. છેલ્લી 3 ઓવરમાં ટીમને જીતવા માટે 39 રનની જરૂર હતી. ગુજરાત તરફથી ઇનિંગ્સની 13મી ઓવર માટે આવેલા મોહિત શર્માએ પ્રથમ 3 બોલમાં 16 રન બનાવ્યા હતા. આ પછી મોહિતે પરત ફરીને આગામી 2 બોલમાં અંબાતી રાયડુ અને મહેન્દ્ર સિંહ ધોનીને પેવેલિયન મોકલીને ચેન્નાઈને 2 મોટા આંચકા આપ્યા હતા. 13 ઓવરના અંતે ચેન્નાઈનો સ્કોર 5 વિકેટના નુકસાને 150 રન હતો.

ગુજરાત તરફથી આ મેચમાં માત્ર 8 રન આપનાર મોહમ્મદ શમીએ 14મી ઓવર ફેંકી હતી. ચેન્નાઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. આ ઓવરના પહેલા 4 બોલમાં ચેન્નાઈની ટીમ માત્ર 3 રન જ બનાવી શકી હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા 2 બોલમાં 10 રન બનાવી ચેન્નાઈને 5મી વખત વિજેતા બનાવ્યું હતું. ગુજરાત તરફથી મેચમાં મોહિત શર્માએ 3 અને નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી.

ગુજરાતે સુદર્શન અને સાહાની ઇનિંગ્સના આધારે 214 રન બનાવ્યા

ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની વાત કરીએ તો રિદ્ધિમાન સાહાએ 54 અને સાઇ સુદર્શને 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ગુજરાતની ટીમ IPL ફાઈનલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ગુજરાતનો દાવ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. ચેન્નાઈ માટે આ મેચમાં મતિશા પથિરાનાએ 2 જ્યારે દીપક ચહર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.