ધોની નિવૃત્ત નહીં થાય, આઈપીએલની એક વધુ સીઝન રમશે

અમદાવાદઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ગઈ કાલે અહીં ભારે રોમાંચ ઊભો કર્યા બાદ મધરાત બાદ દોઢ વાગ્યે સમાપ્ત થયેલી આઈપીએલ-2023 ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર પાંચ-વિકેટથી પરાજય આપીને પાંચમી વાર આઈપીએલ ટ્રોફી જીતી લીધી હતી. મેચ બાદ એવોર્ડ વિતરણ પ્રક્રિયા વખતે ધોનીએ કહ્યું કે, ‘આઈપીએલમાંથી નિવૃત્ત થવા માટે આ એકદમ પરફેક્ટ સમય છે, તે છતાં હું મારા પ્રશંસકોને ખાતર એક વધુ સીઝન રમવાનું પસંદ કરશે. કારણ કે મારા દેશભરમાંના ચાહકોએ મારી પર જે પ્રેમ અને લાગણી દર્શાવ્યાં છે એ જોઈને મને આઈપીએલની એક વધુ સીઝનમાં રમવાની ઈચ્છા થાય છે. જોકે નવી સીઝન માટે 9 મહિનાની રાહ જોવાનું અને એ માટે સજ્જ થવાનું મારે માટે ઘણું કઠિન બનશે.’

ધોનીએ કહ્યું કે, નિવૃત્તિ જાહેર કરવાનો આ શ્રેષ્ઠ સમય  છે. થેંક્યૂ કહીને નિવૃત્તિ લઈ લેવાનું મારે માટે આ એકદમ આસાન કામ છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ અને દેશભરમાં મારા ચાહકોએ મારી પર જે પ્રેમ અને લાગણી વરસાવ્યા છે એ જોતાં એક વધુ સીઝનમાં રમીને એમને ગિફ્ટ આપવાનું મને ગમશે. જોકે મારું શરીર મને સાથે આપે એ જરૂરી છે. મારી કારકિર્દીનો આ આખરી ભાગ છે. અહીં આખા ભરચક સ્ટેડિયમમાં મારા નામનો પોકાર કરવામાં આવતો રહ્યો હતો. ચેન્નાઈમાં પણ મને આવો જ પ્રેમ મળ્યો છે. ફરીથી ચાહકો સમક્ષ આવવા અને રમવાનું મને ગમશે. હું જે પ્રકારની ક્રિકેટ ગેમ રમું છું એ તેઓ પસંદ કરે છે અને એને જાળવી રાખવાનું મને ગમશે. મારું માનવું છે કે દરેક ટ્રોફી અથવા દ્વિપક્ષી શ્રેણી-વિજય હોય, બંનેમાં પોતપોતાના પડકારો રહેલા હોય છે. આ વખતની સ્પર્ધા અને ફાઈનલમાં અમારી ટીમના દરેક ખેલાડીએ દબાણની સ્થિતિનો જુદી જુદી રીતે સામનો કરી બતાવ્યો. અજિંક્ય (રહાણે) અનુભવી છે. રાયડુ (અંબાતી) વિશે ખાસ બાબત એ છે કે તે મેદાન પર હોય ત્યારે હંમેશાં 100 ટકા પરફોર્મન્સ બતાવતો હોય છે. અમે બેઉ છેક ઈન્ડિયા-A ટીમ વતી સાથે રમ્યા છીએ. એ સ્પિન અને ફાસ્ટ, બંને પ્રકારની બોલિંગનો સરસ રીતે સામનો કરી શકે છે.’